Book Title: Ama Apne Kya
Author(s): Ratnasundarsuri
Publisher: Ratnasundarsuriji

View full book text
Previous | Next

Page 23
________________ જેના ઘરમાં દરિદ્રતા ચાલી આવી હોય એના ઘરમાં લાખોનું ઝવેરાત હોવાની આશા રાખવી વ્યર્થ છે તેમ જનમજનમથી સ્વાર્થપુષ્ટિમાં જ રસ ધરાવતા મન પાસે, પોતાના સ્વાર્થમાં પ્રતિબંધક બનનાર પ્રત્યે હૈયાનાં હેત ઊભરાતા રહે એ આશા રાખવી પણ વધુ પડતી જ છે. છતાં પુણ્યકર્મના સહારે પેઢી-દર પેઢીની દરિદ્રતા જો ટાળી શકાય છે તો સમ્યક્ સમજના અને સત્પુરુષાર્થના સહારે જનમજનમના ગલત અભ્યાસથી કુસંસ્કારોથી વાસિત બની ચૂકેલા મનને જરૂર સમ્યક્માં રસ લેતું કરી જ શકાય છે. પ્રશ્ન હોય તો માત્ર એટલો જ છે કે આપણા અંતઃકરણમાં એ માટેની ભારે તલપ ઊભી થાય. નિષ્ઠુર માનસથી સર્જાયેલ આત્માની ખાનાખરાબીની શાસ્ત્રકારોએ કરેલ વાતો પર આપણી શ્રદ્ધા બેસી જાય. એ ખરાબીને હવે આમંત્રણ નથી જ આપવું એવો દૃઢ નિર્ણય થઈ જાય. બાકીનું બધું જ કામ દેવ-ગુરુ કૃપાથી સફળ અને સરસ થઈને જ રહેશે. મનની દ્વિતીય નંબરની અવસ્થા છે : નિર્લેપ માનસ 3 લગભગ ચારેક વરસ પૂર્વે ઇંદૌરમાં હું ચાતુર્માસ હતો. ત્યાં પ્રખ્યાત હિન્દી કોમેન્ટેટર સુશીલ દોશી મને મળવા આવ્યા હતા. ક્રિકેટની રમતને અધ્યાત્મના સંદર્ભમાં કેવી રીતે ધટાવી શકાય એના પર મેં લખેલ એક પુસ્તકનું વિમોચન એમણે કર્યું હતું. એમણે મને જે એક ગંભીર વાત કરી હતી એ એમના જ શબ્દોમાં. ‘મહારાજ સાહેબ, ક્રિકેટ જગતમાં ધુરંધર બૅટ્સમૅન સચીન તેંડુલકર શૂન્ય રનમાં આઉટ થઈ જાય છે તો આ દેશના કરોડો યુવાનો નિરાશાની ગર્તામાં ધકેલાઈ જાય છે પરંતુ દેશની રક્ષા ખાતર સરહદ પર રાત-દિવસ અનેક પ્રકારની તકલીફો વેઠતા રહેતા લશ્કરના દસ-વીસ જવાનો કોક મૂઠભેડમાં ખતમ પણ થઈ જાય છે અને એના ભલે ટૂંકા પણ સમાચાર પેપરોમાં આવે છે તો એ વાંચીને દેશના યુવાનોનું રૂંવાડું ય ફરકતું નથી. આપ યુવાનોની શિબિરો કરો છો. એ શિબિરોમાં હજારોની સંખ્યામાં યુવાનો આવી રહ્યા હોવાનું મેં સાંભળ્યું છે. આપ એ યુવાનોને સમજાવી ન શકો કે કોકના મોત પર તો મનને થોડુંક સંવેદનશીલ રાખો !’ હા, આ અર્થ છે નિર્લેપ માનસનો. અન્યના દુઃખના કે મોતના, પીડાના કે તકલીફોના, અગવડોના કે મુશ્કેલીઓના કોઈ પણ સમાચાર કાને આવે, મન પર એની કોઈ જ અસર નહીં. ભૂકંપમાં એક લાખ માણસના મોતના સમાચાર પેપરમાં આવે તો ય એ વાંચ્યા પછી ચાનો કપ છોડવાની ય તૈયારી નહીં, દુષ્કાળના સમયમાં લાખો પશુ પંખીઓ મોતને ઘાટ ઊતરી રહ્યાના સમાચાર કાને આવ્યા પછી ય ચહેરા પર ગ્લાનિનો ૪૮ કોઈ ભાવ નહીં, ૨૫ વરસના નવયુવકની આકસ્મિક થઈ ગયેલ વિદાય પાછળ ભારે આક્રન્દ કરી રહેલ એની પત્નીની વ્યથા સગી આંખે નિહાળ્યા પછી ય મનમાં ગ્લાનિનો કોઈ ભાવ નહીં. ટૂંકમાં, પરને પીડા આપનારું નિષ્ઠુર માનસ ભલે નહીં પરંતુ પરની પીડામાં અલિપ્ત રહેનારું નિર્લેપ માનસ તો ખરું જ. આવું માનસ ધર્મ પરિણમન માટે સર્વથા અયોગ્ય જ બની રહેતું હોય તો એમાં કાંઈ નવાઈ નથી. તમને એક વાતનો ખ્યાલ ન હોય તો જણાવી દઉં કે સજ્જનના હૃદયને તો શાસ્ત્રકારોએ દર્પણની ઉપમા આપી છે. સામે રહેલા પદાર્થનું પ્રતિબિંબ પોતાનામાં ઝીલી શકે એ જ જો દર્પણ છે તો સામી વ્યક્તિના દુઃખની સ્વ-હૃદયમાં અસર ઝીલી શકે એ જ સજ્જન છે. જવાબ આપો. આવા સજ્જનમાં તમારો નંબર ખરો કે નહીં ? સભા : અમે પોતે જ એટલા બધા દુ:ખી છીએ કે બીજાનાં દુઃખો તરફ નજર નાખવાનો અમને સમય જ નથી. અને આમ જોવા જઈએ તો ચારે ય બાજુ દુઃખનો દાવાનળ જ સળગેલો છે. સહુનાં દુઃખની મન પર અસર લેતા રહીએ તો અમે પોતે જ ગાંડા થઈ જઈએ એવું અમને લાગે છે. આ તમે નથી બોલતા, તમારી વિકૃત બુદ્ધિ બોલી રહી છે. આ અવાજ તમારા અંતઃકરણનો નથી, તમારા અહંકારનો છે. આ દલીલ તમારી સરળતાની જાહેરાત નથી કરતી, તમારી વક્રતાની જાહેરાત કરે છે. ન બાકી સાચું કહું ? બે સુખીઓ એક-બીજાનાં સુખની નોંધ લેવા તૈયાર ન હોય એ બની શકે છે પરંતુ બે દુઃખીઓ એક-બીજાનાં દુઃખની નોંધ લેવા તૈયાર ન હોય એ સંભવિત જ નથી. વાંચ્યું છે ને આ પ્રસિદ્ધ વાક્ય ? ‘બે ગરીબ માણસો એક ફાટેલી ચાદર પર બેસવા તૈયાર થઈ જશે પરંતુ બે અમીર માણસો એક સોફાસેટ પર બેસવા તૈયાર નહીં થાય !” તાત્પર્યાર્થ આ વાક્યનો સ્પષ્ટ છે. સુખ બીજાની સામે જોવા કદાચ તૈયાર નથી પણ થતું પરંતુ દુઃખ તો બીજાની અપેક્ષા રાખ્યા વિના રહી જ નથી શકતું. તમે જો ખરેખર દુઃખી છો જ તો અન્યના દુઃખની ઉપેક્ષા ન જ કરી શકો. જો તમને અન્યનાં દુઃખોનો ખ્યાલ છે જ તો તમે એમનાં દુઃખોની અસરથી મુક્ત ન જ રહી શકો. સાંભળ્યું છે આ દૃષ્ટાન્ત ? કૉલેજના છેલ્લા વરસની પરિક્ષામાં ૧૫૦ વિદ્યાર્થીઓ બેઠા હતા. આ પરિક્ષાનું પરિણામ વિદ્યાર્થીઓની કારકીર્દિ ઘડવામાં બહુ અગત્યનો ભાગ ભજવવાનું હતું અને એટલે દરેક વિદ્યાર્થીએ ભારેમાં ભારે મહેનત કરી હતી. પરિક્ષા શરૂ થઈ. પ્રશ્નપત્ર સહુના હાથમાં આવી ગયું. એકી શ્વાસે વિદ્યાર્થીઓ પ્રશ્નપત્ર વાંચી તો ગયા પણ ૪૯

Loading...

Page Navigation
1 ... 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40