________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
અલિંગગ્રહણ ગાથા ૧૭૨]
[૭૩ જાણે નહિ તો તે જ્ઞાન વિના બાળતપ અને બાળવ્રત કાર્યકારી થતાં નથી. ત્રિલોકનાથ તીર્થકર દેવાધિદેવે પોતાના કેવળજ્ઞાનમાં વસ્તુનું સ્વરૂપ જેવું જોયું એવું તેમની વાણી દ્વારા આવ્યું ને તે પ્રમાણે કુંદકુંદાચાર્ય ભગવાને વસ્તુસ્વરૂપને જાણી-અનુભવીને આ મહાન રચના કરી છે. તે માન્ય સમ્યગ્દર્શન થાય છે. લોકો બાહ્યમાં આ કરું ને તે કરું એમ બાહ્ય પદાર્થોમાં ને ક્રિયામાં ધર્મ માને છે. જેને વસ્તુસ્વભાવની ખબર નથી તેને ધર્મ કદી પણ થાય નહિ.
સમ્યગ્દર્શનનો વિષય-શુદ્ધ એકાકાર, અભેદ આત્મા છે.
સમ્યગ્દર્શનના વિષયભૂત આત્મા કેવો છે? તે જેવો છે તેવો જાણે તો ધર્મ થાય. કોઈ જીવ સાકરને અફીણ માને તો તેનું સાકરનું જ્ઞાન સાચું કહેવાય? અથવા સાકર અને અફીણ બેને એક જ પદાર્થ માને તો તેનું સાકરનું જ્ઞાન સાચું કહેવાય? અને સાકર ઉપર જે મેલ છે તેને સાકરનું સ્વરૂપ માને તો સાચું જ્ઞાન કહેવાય?–કે ના. તે સાચું જ્ઞાન કહેવાતું નથી. સાકર તે સાકર છે, અફીણ નથી; અને જુદા છે. સાકર ઉપરનો મેલ તે પણ સાકરનું સ્વરૂપ નથી. તેમ શરીરને આત્મા માને તો આત્માનું જ્ઞાન સાચું થતું નથી, આત્મા અને શરીર બન્નેને એક માને તોપણ આત્માનું જ્ઞાન સાચું થતું નથી, આત્માની પર્યાયમાં ક્ષણિક વિકાર છે તેને પોતાનું ત્રિકાળી સ્વરૂપ માને તો પણ આત્માનું જ્ઞાન સાચું થતું નથી. શરીર-મન-વાણી રહિત, વિકલ્પ રહિત ને ગુણભેદરહિત એકાકાર અભેદ આત્મા તે સમ્યગ્દર્શનનો વિષય છે.
અહીં વીસેય બોલમાં પહેલાં વ્યવહાર સાબિત કરતા જાય છે ને તે પછી વ્યવહારનો નિષેધ કરી નિશ્ચયનું જ્ઞાન કરાવેલ છે. વ્યવહાર એકલો કબૂલ રાખે ને તેમાં અટકી જાય તો પણ ધર્મ થતો નથી.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com