________________
ધર્મ અને કલા
નિરંજના શ્વેતકેતુ વોરા
ધર્મ, પ્રત્યેક દેશની સંસ્કૃતિને ઘડનારું મહાન વિધાયક બળ છે, તે મનુષ્યના આનંદને લૂંટી લેનારું કે તેની મુક્તિને અવરોધનારું તત્ત્વ નથી. પશ્ચિમમાં તત્ત્વજ્ઞાન માત્ર બુદ્ધિના વિલાસરૂપ છે અને કલાજ્ઞાન માત્ર ભાવસંતર્પણ કરનાર છે એવો સામાન્ય ખ્યાલ પ્રવર્તે છે, પરંતુ ભારતવર્ષમાં તત્ત્વજ્ઞાન મોક્ષરૂપ પુરુષાર્થને સાધનારું અને કલાવિજ્ઞાન આધ્યાત્મિક આનંદનું નિમિત્ત છે.
હિંદુધર્મનું દૃષ્ટાંત લઈએ તો આપણો ધર્મ કેવળ એકપક્ષી કે એકાંગી નથી. ધર્મે જીવનને સંયમિત બનાવવા પ્રયત્ન કર્યો, પરંતુ તેનો સાત્ત્વિક આનંદ લૂંટી લીધો નથી. કલાનું આધ્યાત્મિક તત્ત્વ લોપાય નહીં અને નિયમનમાં રહીને તેનું સર્વોત્કૃષ્ટ સૌંદર્ય તે પ્રગટાવી શકે એ રીતે કલાના વિકાસની યોગ્ય ભૂમિકા પણ ધર્મે જ તૈયાર કરી આપી. આપણા દેશની પ્રત્યેક પ્રાચીન મહાન કલાકૃતિના સર્જનમાં ધર્મની જ પ્રેરણા રહેલી છે. શિલ્પના સર્જનમાં ધર્મની જ પ્રેરણા રહેલી છે. શિલ્પ-સ્થાપત્ય, સંગીત, નૃત્ય વગેરે મહાન કલાઓનો ઉદ્ભવ અને વિકાસ ધર્મની સાથે સાથે જ અને ધર્મના સંદર્ભમાં થયેલો છે. વૈદિક ઋચાઓ ધર્મ અને કવિતાના અભિન્નત્વની સૂચક છે. વેદોમાં ધર્મ અને કવિતાનું પ્રાગટ્ય એક સાથે થયેલું જોવા મળે છે. ધર્મે પોતાની અભિવ્યક્તિ કવિતાના ઉપાદાનમાં શોધી છે, તો કવિતાએ ધર્મના સત્ય, રુચિ, કલ્યાણકારી સ્વરૂપનું યથાતથ પ્રતિબિંબ ઝીલ્યું છે.
શ્રી અંબાલાલ પુરાણીએ પ્રાચીનકાળમાં કલાસર્જનમાં આધ્યાત્મિક ભાવનાના ઉત્કર્ષમાં કલાના વિનિયોગ વિશે ઔચિત્યભર્યું આલેખન કર્યું છે. આપણાં આધ્યાત્મિક શાસ્ત્રોમાં આધ્યાત્મિક ભાવનાની સિદ્ધિ કલા દ્વારા જ થયેલી વર્ણવેલી છે. સઘળા અનુષ્ઠાનના પ્રયોગોમાં-યજ્ઞવેદિ, મંડલરચના, મંત્રવિન્યાસ, બીજવિન્યાસ, વર્ણવિન્યાસ વગેરે સર્વ ક્રિયાઓમાં કલાનું જ્ઞાન અને અનુષ્ઠાન ઘણાં આવશ્યક મનાય છે. વળી આગમોમાં બિંબ અથવા પ્રતિમાવિધાન, મંદિરનિર્માણ, પ્રતિષ્ઠાવિધાન વગેરે માટે મૂર્ત કલાઓનો આધ્યાત્મિક વિદ્યા સાથેનો સંબંધ સ્પષ્ટ રીતે સ્વીકારવામાં આવ્યો છે.
+ પૂર્વ નિદેશક, બૌદ્ધ દર્શન વિભાગ, ગુજરાત વિદ્યાપીઠ અમદાવાદ-૩૮૦૦૧૪.