________________
162
પ્રીતિ પંચોલી
SAMBODHI-PURĀTATTVA
કાગળ પરનાં ચિત્રોમાં આલેખન પદ્ધતિમાં પશ્ચાદભૂમિ લાલરંગથી ભરી દેવામાં આવતી અને તેમાં લસરકાઓ વડે ચમકદાર રંગો પૂરવામાં આવતા. ને પછી રેખાંકન કરવામાં આવતું હતું. પાત્રોને બેઠા સ્વરૂપે આલેખવાની રીત વિશિષ્ટ છે. વસ્ત્રોના વળાંકો અને છેડાઓ કોણાત્મક અને પારદર્શક છે, ઉપરાંત તેમાં ટપકીઓ વડે ભાત ઉપસાવવામાં આવી છે. મુકુટ અલંકારો વગેરેમાં સોનેરી રંગો જોવા મળે છે. ચિત્રમાં ચીતરાયેલાં પાત્રોના વસ્ત્રોમાંનાં સુશોભનો ખૂબ જ ધ્યાન ખેંચે તેવાં છે."
આ ચિત્રો ગ્રંથમાં આવેલી કોઈ ઘટનાને તાદૃશ્ય કરવા દોરાયેલાં છે. આની પાછળનો હેતુ વિષયને દૃશ્યાત્મક બનાવવાનો છે. ચિત્રો પૂરાં પૃષ્ઠ આવરી લે તે રીતે દોરાતાં કે આખા પૃષ્ઠની ઉપરના કોઈપણ ભાગમાં એટલે કે ઉપર, નીચે, વચ્ચે, ડાબી કે જમણી બાજુએ દોરાયેલાં મળે છે."
કાગળ પરના લંબચોરસ પૃષ્ઠની અંદર ચિત્રનું આલેખન કરાયેલું હોય છે. લખનાર અને ચિત્રકામ કરનાર બંને વ્યક્તિઓ કેટલીકવાર અલગ અલગ હોવા છતાં અક્ષરો લખનાર, ચિત્ર ચિતરનાર માટે અમુક જગ્યા છોડી દેતો. કેટલાક દાખલાઓમાં ચિત્રકારની સમજ માટે ગ્રંથકર્તા હાંસિયામાં પ્રસંગને અનુલક્ષીને લખાણ લખતા એવા નમૂના પણ મળી આવે છે. લખનાર પોતાનું કામ પૂરું કરે ત્યાર પછી પ્રત ચિત્રકારને ચિત્રો માટે સુપરત કરવામાં આવતી હતી."
જૈન આગમોમાં દશાશ્રુતસ્કંધ નામના છેદસૂત્રના આઠમા અધ્યયન તરીકેનો એક મૌલિક અને પ્રાચીનતમ વિભાગ કલ્પસૂત્રના નામે છે. એના પ્રણેતા ભદ્રબાહુસ્વામી છે. અને ભાષા પ્રાકૃત છે. છેદસૂત્રના આ આઠમાં અધ્યયનને ““કલ્પસૂત્ર'ના નામે ઓળખવામાં આવે છે. તેની શ્લોકસંખ્યા ૧૨૧૬ હોવાથી તેને બારસાસૂત્ર અથવા સાડી બારસો પણ કહેવામાં આવે છે. તેનો રચનાસમય ઈ. પૂ. ૪થા શતકનો છે. તમામ જૈન પ્રજા કલ્પસૂત્રનું પર્યુષણ પર્વના દિવસોમાં વાંચન કરે છે. સ્વર્ણાક્ષરે લખાયેલાં પુસ્તકોમાં મોટામાં મોટી સંખ્યા કલ્પસૂત્રોની છે. રૌણાક્ષરે લખેલાં પુસ્તકો પણ પ્રાપ્ત થયા છે.
સામાન્ય રીતે કલ્પસૂત્રોમાં ૩૬થી ૪૦ ચિત્રપ્રસંગો હોય છે કેટલાકમાં તેથી ઓછા અથવા વધારે પણ હોય છે. કલ્પસૂત્રના મૂળ પાઠમાં ન હોય તેવા કેટલાક પ્રસંગોનાં ચિત્રો ચૂર્ણિ, ભાષ્ય કે ટીકાના આધારે દોરવામાં આવ્યાં છે. કલ્પસૂત્રમાં ત્રણ વિભાગ છે.
૧. ચતુર્વિશતિજિનચરિત્ર ૨. સ્થવિરાવલી ૩. સામાચારી
ભાદરવા સુદ ચતુર્થીના દિવસે જૈનોનું સાંવત્સરિક પર્વ ઉજવાય છે તે દિવસે કલ્પસૂત્રના મૂળ પાઠનું વાંચન થાય છે અને શ્રોતાઓને ચિત્રપ્રસંગોનું દર્શન કરાવવામાં આવે છે.
૧. ચતુર્વિશતિ જિન ચરિત્ર - પ્રારંભમાં ચતુર્વિશતિજિન ચરિત્ર છે. તેમાં ભગવાન મહાવીરના વન, કલ્યાણકથી શરૂ કરી મોક્ષ પર્વતના જીવનચરિત્રના તથા તેમની પૂર્વે થયેલા પાર્શ્વનાથ, નેમિનાથ યાવત્ ઋષભદેવ સુધીના કુલ-૨૪ તીર્થકરોનાં જીવનચરિત્રો છે.