________________
વાચન, સશ્રવણ અને સદ્આચરણ – એ વ્યક્તિની પ્રેક્ટિસના ત્રણ મહત્ત્વના આધારસ્તંભો છે. સવાચનથી એના ચિત્તમાં ઉમદા વિચારો આવશે. સંતો અને વિભૂતિઓનાં ચરિત્રો વાંચીને એ સાધનાની પ્રેરણા પામશે. ધર્મગ્રંથો પાસેથી જીવનવિકાસનો પંથ પામશે. આ સવાચનથી એના ભીતરના સંસ્કારો દૃઢ થશે અને એ સંસ્કારો અને વ્યવહારની કે અધ્યાત્મની આકરી અગ્નિપરીક્ષા વખતે પણ મનની શાંતિ, ચિત્તની સ્વસ્થતા ને ભાવોની સમતા આપશે.
આ સવાચનનો તંતુ છેક સ્વાધ્યાય સુધી લંબાશે અને એમાંથી આત્મચિંતન જાગશે, જેના દ્વારા સાધક આત્માઓળખ પામીને આત્મવિશ્લેષણ કરશે. એને એના દોષો, વિકારો, વાસનાઓ અને કષાયોનો ખ્યાલ આવશે અને ક્રમશઃ ભાવવિશુદ્ધિ થતી જશે. આવી ભાવવિશુદ્ધિ થતાં એના આત્મામાં એક મહાપરિવર્તનકારી ઘટના બનશે. પ્રાયશ્ચિત્ત દ્વારા પાપ-પ્રક્ષાલન અને દોષ-નિવારણ થતાં એના આત્માનું તેજ ઝળહળી ઊઠશે. એને ભીતરના પ્રકાશનો અનુભવ થશે અને એનામાં આત્મબળ જાગશે.
એની પાસે આત્મા તો હતો, પરંતુ આજ સુધી એ આત્મશક્તિથી અજ્ઞાત હતો. એ અજ્ઞાત બાબત જ્ઞાત થતાં એનું ભીતરી બળ પ્રગટ થશે. માનવી શરીરબળનો વારંવાર વિચાર કરે છે, પણ એનાથીય અધિક એવા આત્મબળનો ભાગ્યે જ વિચાર કરે છે. જેનો સૂર્ય કદી આથમતો નહોતો એવા બ્રિટિશ સામ્રાજ્ય સામે લડનાર મહાત્મા ગાંધીજી પાસે આવા આત્મબળનું અમોઘ શસ્ત્ર હતું. આપણે બાહ્ય શસ્ત્રનો વિચાર કરીએ છીએ અને માનવીના આંતરબળની ઉપેક્ષા કરીએ છીએ. એ આત્મબળ જેનામાં પ્રગટ થાય, એને જગત આશ્ચર્યભેર જુએ છે.
આવી જ રીતે સદ્-શ્રવણ એ મહત્ત્વની વાત છે. આપણા કાને સંભળાતા શબ્દો ચિત્તમાં શિલાલેખ બની જાય છે. જો કોઈ કામવાસનાપૂર્ણ વાત કરે તો એ વાત તમે માનો કે ન માનો, પણ તમારા ચિત્તમાં કોઈક ખૂણે ક્યાંક પડી રહે છે અને કામ-વિકારી પરિસ્થિતિ જાગતાં એ કીડો સળવળવા લાગે છે. આથી જ સ-શ્રવણ સાથે સત્સંગનો મહિમા વર્ણવાયો છે. સંતના સાંનિધ્યમાં કે આત્માર્થી પુરુષના સંગમાં વ્યક્તિ રહે, ત્યારે કેવા ભિન્ન વાતાવરણનો એ અનુભવ કરતો હોય છે ! કોઈ દારૂડિયાના સંગમાં તમે બેઠા હો ત્યારે કેવું વાતાવરણ હોય છે ? કોઈ પ્રપંચી વેપારીની સાથે વાત કરતા હો, ત્યારે આસપાસના હવામાનમાં પણ પ્રપંચના ખેલનો
પરમનો સ્પર્શ પ૧