________________
આ સ્વાર્થવૃત્તિ માત્ર એના કુટુંબ સુધી જ મર્યાદિત રહી નથી, પરંતુ એના વેપાર અને જીવનવ્યવહારમાં પણ પ્રતિબિંબિત થઈ છે અને એને પરિણામે એ વધુ ને વધુ સુખકેન્દ્રી બની રહ્યો છે.
માત્ર પોતાને સુખ આપે એવી બાબતોને એ સતત શોધે છે. પોતાને ગમે એવું કરવા ઇચ્છે છે અને દરેક બાબતમાં ‘આમાં પોતાનું શું?’ એવો પોતાના લાભનો સતત વિચાર કરે છે. જો એનાથી પોતાને કોઈ લાભ ન હોય, તો એની લેશમાત્ર પરવા કરતો નથી. એની આ સુખકેન્દ્રિતા આજે ભૌતિક જગતમાં ઉપભોક્તાવાદને બહેકાવી રહી છે. અખબારો હોય કે ટેલિવિઝન હોય, એ તમને સતત એક જ વાત કહ્યા કરશે કે વધુ ને વધુ મેળવો. એવી લોભામણી તરકીબો બતાવશે કે આટલું લેશો તો આટલું વિના મૂલ્ય મળશે. ‘બાય વન, ગેટ થ્રી ફ્રી જેવી કેટલીય યોજનાઓ આજે કાને અથડાય છે. હપતા ભરીને જીવો, દેવું કરીને મેળવો, તમારા ક્રેડિટ-કાર્ડ પર નાણાં મેળવો.
આમ, જરૂર હોય કે ન હોય, પરંતુ ચીજવસ્તુઓની ખરીદી કરીને તમારો પરિગ્રહ વધારો. ઈ. સ. ૨૦૦૮માં વૈશ્વિક મંદીનાં મોજાં સમયે વિશ્વને ભારતીય પ્રજાની બચતવૃત્તિનું મહત્ત્વ સમજાયું. અપરિગ્રહના ભારતીય મૂલ્યનો મર્મ સમજાયો.
આજે ભદ્રવર્ગના લોકોના ઘરમાં બેશુમાર બિનઉપયોગી ચીજવસ્તુઓ . જોવા મળશે. એક એવી મનોવૃત્તિ પણ જાગે છે કે તમને પરવડે છે કે નહીં તેની પળોજણ છોડી દો. બસ, ગમે તેમ કરીને મેળવો.
વળી વર્તમાન યુગમાં મોટા ભાગની વ્યક્તિઓની મહેચ્છા રાતોરાત ધનપતિ થઈ જવાની હોય છે. વ્યક્તિ સંપત્તિને સર્વસ્વ માનીને એ લક્ષ્યને સિદ્ધ કરવા દિવસ-રાત જોયા વિના ધનસંગ્રહ કરે છે. એ સાચું છે કે વ્યક્તિને એની આજીવિકા માટે સંપત્તિની જરૂર છે, પરંતુ એનું કામ ઓછા ધનથી પણ ચાલી શકે છે. ચાર રોટલી ખાતા માણસને પાંચમી રોટલીની જરૂર હોતી નથી, પરંતુ ધનની લાલસા એને પગ વાળીને બેસવા દેતી નથી.
એ વિચારે છે કે આટલી સંપત્તિ મેળવીને પછી હું નિરાંતે, શાંતિથી જીવીશ. આ વાતનો પૂર્વાર્ધ યથાર્થ ઠરે છે, કિંતુ એનો ઉત્તરાર્ધ ખોટો ઠરે છે. સંપત્તિ મેળવવા માટે એ રાતદિવસ અથાગ પ્રયત્ન કરતો હોય છે. અનેક પ્રપંચો ખેલતો હોય છે અને આ બધું કરવામાં એનો સઘળો
પરમનો સ્પર્શ ૨૧૩