________________
શ્રીસમવસરણસ્તવ
ઉત્તરદ્વારમાંથી પ્રવેશી એ જ રીતે ઈશાન ખૂણામાં વૈમાનિક દેવો, મનુષ્યો અને સ્ત્રીઓ ક્રમશઃ પાછળ-પાછળ બેસે છે.
૨૨૦
આવશ્યકવૃત્તિમાં ઉપર કહ્યા મુજબ જણાવ્યું છે.
આવશ્યકચૂર્ણિના મતે મુનિઓ ઉત્કટિકાસને (ઉભડકપગે) બેસે છે, વૈમાનિક દેવીઓ અને સાધ્વીઓ ઊભી રહે છે. શેષ ૯ પર્ષદાઓ તે તે વિદિશામાં અવસ્થાન કરે છે. તે બેસે છે કે ઊભી રહે છે એ સંબંધી આવશ્યકચૂર્ણિમાં સ્પષ્ટ ઉલ્લેખ કર્યો નથી.
બીજા કિલ્લામાં તિર્યંચો હોય છે. બીજા કિલ્લામાં ઈશાન ખૂણામાં પ્રભુને વિશ્રામ કરવા માટેનો રત્નમય દેવછંદો હોય છે.
ત્રીજા કિલ્લામાં યાનો હોય છે. ચોરસ સમવસરણમાં દરેક ખૂણામાં ૨-૨ વાવડીઓ હોય છે. ગોળસમવસરણમાં દરેક ખૂણામાં ૧-૧ વાવડી હોય છે.
પહેલા કિલ્લામાં પૂર્વ વગેરે ચાર દિશાઓના દ્વારોમાં સોમ, યમ, વરુણ, ધનદ નામના દેવો દ્વારપાળો છે. તે ક્રમશઃ પીળા, શ્વેત, લાલ અને શ્યામ છે. તે ક્રમશઃ વૈમાનિક, વ્યંતર, જ્યોતિષ, ભવનપતિ નિકાયના છે. તેમના હાથમાં ક્રમશઃ ધનુષ્ય, દંડ, પાશ, ગદા છે.
બીજા કિલ્લામાં પૂર્વ વગેરે ચાર દિશાઓના દ્વારોમાં જયા, વિજયા, અજિતા, અપરાજિતા નામની દેવીઓ દ્વારપાલિકાઓ છે. તે ક્રમશઃ શ્વેત, લાલ, પીળા, નીલા વર્ણવાળી છે. તેમના હાથમાં ક્રમશઃ અભય, અંકુશ, પાશ, મગર છે.