________________
કર્મનું વિજ્ઞાન
૨૮
કર્મનું વિજ્ઞાન
પ્રશ્નકર્તા : એ એમે ય કહે, ક્યારે આવ્યા ને ક્યારે જવાનાં ?
દાદાશ્રી : ના. ખાનદાન એવું ના બોલે. તે ‘આવો, પધારો’ કરીને બેસાડે પણ એના મનમાં શું થતું હોય ? કે અત્યારે ક્યાંથી મૂઆ ! એ કર્મ. એ કરવાની જરૂર નથી. એ આવ્યા છે, એનો હિસાબ હશે ત્યાં સુધી રહેશે. પછી જતાં રહેશે. એણે જો આ ડહાપણ કર્યું એ, “અત્યારે ક્યાંથી મૂઆ’ એ કર્મ બાંધ્યું. હવે એ કર્મ બાંધ્યું ત્યારે મને પૂછવું” તું કે આવું થઈ જાય છે મારે, તો શું કરવું ? ત્યારે હું કહું, કે તે ઘડીએ કૃષ્ણ ભગવાનને માનતો હોય, ગમે તેને માનતો હોય તેમનું નામ લઈ “હે ભગવાન ! મારી ભૂલ થઈ” આવું ફરી નહીં કરું. એવી માફી માંગ એટલે ભૂંસાઈ જાય. બાંધેલું કર્મ તરત ને તરત ભૂંસાઈ જાય. જ્યાં સુધી કાગળ પોસ્ટમાં ના નાખીએ, ફેરફાર થઈ શકે. પોસ્ટમાં પડી ગયો એટલે કે આ દેહ છૂટી ગયો, પછી બંધાઈ ગયું. દેહ છૂટે એ પહેલાં છે તે આપણે બધું ભૂંસી નાખીએ તો ભૂંસાઈ જાય. હવે એક તો પેલાએ કર્મ તો બાંધ્યું ને ?
હવે પછી પાછાં તને શું કહે છે ? ‘ચંદુભાઈ આટલી આટલી.” શું બોલ્યા આટલી તે ? તે કોફી કે ચા કંઈ બોલે નહીં, પણ આપણે સમજી જઈએ કે ચાનું કહે છે. પણ એ “આટલી થોડીક થોડીક....' એટલે તમે કહો, અત્યારે રહેવા દો ને ચા-બા અત્યારે ખીચડી-કઢી હશે તો ચાલશે. તે મહીં બૈરા પછી કૂદાકૂદ. એ કર્મ બંધાયા બધા. હવે તે ઘડીએ આ કુદરતનો કાયદો છે. તે હિસાબે આવ્યો છે, તો એને માટે ભાવ નહીં બગાડવાનો. આવાં નિયમમાં રહે ને ભલે ખીચડી ને કઢી, જે આપણી પાસે હોય એ આપવું. પેલાં એવું નથી કહેતાં કે તમે બાસુંદી ખવડાવો. ખીચડી-કઢી, શાક જે હોય તે પીરસો. આ તો પાછાં આબરુ જતી રહે એટલાં હારું આ પાછો ખીચડી-કઢી ના મૂકે બીજું શીરો કે કશું મૂકે. પણ અંદર મનમાં પાછી ગાળો ભાંડે. અત્યારે ક્યાંથી મૂઆ ! એ એનું નામ કર્મ. એટલે આવું ના હોવું જોઈએ.
માટે ન બગાડો ભાવ કદિ ! પ્રશ્નકર્તા : પુણ્યકર્મ ને પાપકર્મ કેવી રીતે બંધાય ?
દાદાશ્રી : બીજાને સુખ આપવાનો ભાવ કર્યો, એનાથી પુણ્ય બંધાય અને દુઃખ આપવાનો ભાવ કર્યો, એનાથી પાપ બંધાય. માત્ર ભાવથી જ કર્મ બંધાય છે, ક્રિયાથી નહીં. ક્રિયામાં એવું હોય કે ના પણ હોય, પણ ભાવમાં જેવું હોય તેવું કર્મ બંધાય. માટે ભાવને બગાડશો નહી.
કોઈ પણ કાર્ય સ્વાર્થ ભાવે કરે ત્યારે પાપકર્મ બંધાય અને નિઃસ્વાર્થ ભાવે કરે ત્યારે પુણ્યકર્મ બંધાય. પણ બન્ને ય કર્મ છે ને ! પેલું પુણ્યકર્મનું ફળ છે તે સોનાની બેડી અને પાપકર્મનું ફળ લોઢાની બેડી. પણ બેઉ બેડીઓ જ છે ને ?
સ્થૂળકર્મ : સૂક્ષ્મકર્મ ! એક શેઠે પચાસ હજાર રૂપિયા દાનમાં આપ્યાં. તે તેના મિત્રે તેને પૂછ્યું, ‘આટલા બધા રૂપિયા આપી દીધા ?” ત્યારે શેઠ બોલ્યા, ‘હું તો એક પૈસો ય આપું તેવો નથી. આ તો આ મેયરનાં દબાણને લઈને આપવા પડ્યાં.’ હવે આનું ફળ ત્યાં શું મળે ? પચાસ હજાર દાન કર્યું. તે સ્થૂળકર્મ, તે તેનું ફળ અહીંનું અહીં શેઠને મળી જાય. લોકો “વાહ વાહ’ બોલાવે. કીર્તિ ગાય અને શેઠે મહીં, સૂક્ષ્મકર્મમાં શું ચાર્જ કર્યું ? ત્યારે કહે “એક પૈસો ય આપું તેવો નથી.’ તેનું ફળ આવતા ભવમાં મળે. તે આવતા ભવે શેઠ પૈસો ય દાનમાં આપી ના શકે. હવે આવી ઝીણી વાત કોને સમજાય ?
ત્યાં બીજો કોઈ ગરીબ હોય, તેની પાસે પણ એ જ લોકો ગયા હોય દાન લેવા, ત્યારે એ ગરીબ માણસ શું કહે કે, “મારી પાસે તો અત્યારે પાંચ જ રૂપિયા છે તે બધા ય લઈ લો. પણ અત્યારે જો મારી પાસે પાંચ લાખ હોત તો તે બધા ય આપી દેત !” આમ દીલથી કહે.