Book Title: Dharm Tattva Chintan Part 01 Author(s): Sheelchandrasuri Publisher: Bhadrankaroday Shikshan Trust View full book textPage 4
________________ લેખક તરફથી વિ.સં. ૨૦૫૧ થી ૨૦૫૪ના ગાળામાં ચાતુર્માસનાં સ્થળોમાં અનેક સગૃહસ્થોની માંગણી આવ્યા કરી કે - “મહારાજ સાહેબ ! આપનો સત્સંગ ચાલુ રહે એટલા માટે આપે અમને પત્ર લખવા જોઈએ.” અનેક વ્યક્તિઓને અલગ અલગ પત્ર લખવા એ કોઈ રીતે શક્ય ન હતું. તેથી એમ વિચાર્યું કે એક મહિને એકવાર એક બોધદાયક પત્ર લખવો અને જિજ્ઞાસુ વ્યક્તિઓને તેની નકલ મોકલવી. વિ.સં. ૨૦૫૪થી શરૂ કરેલ આ પત્રપ્રેરણા અત્યાર સુધી ચાલુ છે. લખનાર જૈન સાધુ હોય અને મેળવનાર જૈન ગૃહસ્થો હોય એટલે સ્વાભાવિક રીતે જ જૈન ધર્મ સંબંધિત વાતો અને પરિભાષા આ પત્રોમાં જોવા મળે. આમ છતાં જૈન ન હોય તેવા વિચારશીલ લોકોને પણ સમજ પડે અને ચિંતનપ્રેરક બને તેવી વાતો મોટાભાગના પત્રોમાં વણી લેવામાં આવી છે, અને જૈન પરિભાષાનું પણ ઘણું સરળીકરણ કરવામાં આવ્યું છે. “ધર્મલક્ષી જીવન અને જીવનલક્ષી ધર્મ' એવો સૂર પ્રધાનપણે આ પત્રોમાં રહ્યો છે. આ પત્રધારાને ૧૨ વર્ષ પસાર થઈ ગયાં તેનો ખ્યાલ તો આ પુસ્તકનું દળ જોઈનેજ આવ્યો છે. વીતેલાં વર્ષોમાં ઘણા મિત્રોની ભાવના તથા ભલામણ આવતી કે આ પત્રોને પુસ્તકરૂપે પ્રકાશિત કરો. પુસ્તક કરવું કે ન કરવું તેની અવઢવ ઘણો વખત રહી. પ્રાસંગિક રૂપે લખાયેલા અને મુખ્યત્વે ધાર્મિક એવા પત્રોનું સ્થાયી અને સામાજિક મૂલ્ય કેટલું ? એવો સવાલ મનમાં ઘૂંટાતો રહ્યો. અંગત અભિપ્રાય પ્રકાશન ન કરવાનો વધુ રહ્યો. પણ કેટલાક પ્રબુદ્ધ સદ્ગુહસ્થોનો પુનઃ પુનઃ આગ્રહ થતો રહ્યો કે આ પત્રોનું પુસ્તક થવું જ જોઈએ. કરવું જ કે ન જ કરવું એવો આગ્રહ તો મનમાં હતો નહિ. એટલે છેવટે અંગત અભિપ્રાય બદલીને પુસ્તક કરવાનું નક્કી કર્યું. તેનું પરિણામ તમારા હાથમાં છે. બધા પત્રોને તેમાં આલેખાયેલા વિષય પ્રમાણે વર્ગીકૃત કરવામાં આવેલ છે. એવા વર્ગીકૃત પત્રવિભાગ ૭ છે. સગવડ ખાતર દરેક પત્રના અંતે માસ અને વર્ષ આપેલ છે. આ પુસ્તકનું સંપાદન મુનિ શ્રી કલ્યાણકીર્તિવિજયજીએ કરેલ છે. આ પુસ્તકનું સુઘડ અને સુંદર પ્રકાશન ભાઈ શ્રીમનીષ નાયકે ખૂબ પ્રેમપૂર્વક કરી આપેલ છે. વિ.સં. ૨૦૬૬, શ્રાવણ સુદ પૂનમ હઠીસિંહની વાડી, અમદાવાદ શીલચન્દ્ર વિજયPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 310