________________
સેવામૂર્તિ મુનિરત શ્રીગુલાબ મુનિજીની સંક્ષિપ્ત જીવનરેખા
નિરાધારનો આધાર
મારવાડની પ્રાચીન રાજધાની નાગોર પાસેના ગામ નોખામાં જાટ કુટુંબના ત્રણ બાળકો માતાપિતાના દેહાન્તથી નિરાધાર થઈ ગયા હતા. સગાં સંબંધી પણ કોઈ સંભાળ લે તેમ હતું નહિ. બાળકોના પિતા રાડ ગોત્રના ભેરાજી જાટ નોખા ગામમાં શિવજી રામજી, ખાલા રામજી તથા ઘેવરચંદજી ચોરડીયા નામે એક સ્થાનક વાસી જૈન કુટુંબમાં વર્ષોંથી કામકાજ કરતા હતા. ત્રણે ખળકો પણ ત્યાં વારંવાર જતા અને કામે લાગતા. ભેરાજીના મોટા પુત્રનું નામ વીરો મીજાનું નામ ગીગો અને નાનાનું નામ ગિરધારી હતું.
ગીગાનું તેજસ્વી કપાળ, કામ કરવાની લગની, શાંત સ્વભાવ અને સેવા ભાવથી બધાને તે પ્રિય થઈ પડતો. સ્થાનકવાસી સાધુ મહારાજો આ કુટુંબમાં વારંવાર ગોચરી પાણી માટે આવતા. બાળક ગીગાને કોઈ કોઈ વખત મહારાજશ્રીને ખીજે ગોચરી માટે લઇ જવા જવું પડતું. એક વખત નોખા ગામમાં શ્રીરૂપચંદજી સ્વામીનું આવવું થયું. ઘરના માણસો વ્યાખ્યાન સાંભળવા જતાં તેની સાથે ગીગો પણ જવા લાગ્યો. મહારાજશ્રી તરફ ગીગાને અનુરાગ જાગ્યો. તે વારંવાર ઉપાશ્રયે જવા લાગ્યો. ગીગાનો સેવા ભાવ અને નમ્રતા જોઈ. મહારાજશ્રીને પણ ગીગા તરફ મમતા જાગી. મહારાજશ્રીએ ગીગાને નમસ્કાર મહામંત્ર સીખવ્યો ને ગીગો તે મંત્રને કંઠે કરવા લાગ્યો. ધીમે ધીમે સૂત્રો સીખવાની લગની લાગી અને વિહારમાંએ ગીગો તેઓની સાથે ગયો અને મહારાજશ્રીની સેવા સુશ્રૂષામાં રંગાઇ ગયો.
ગીગાનો આત્મા ઉચો હતો. ભાવના જાગી હતી. મહારાજશ્રી પ્રત્યે ખૂબખૂબ અનુરાગ હતો તેથી તે મહારાજશ્રી પાસે રહેવા લાગ્યો અને ધીમે ધીમે જૈન ધર્મના આચારો તેમજ સૂત્રો ભણવા લાગ્યો.
જેમજેમ પરિચય વધવા લાગ્યો તેમતેમ દીક્ષાના ભાવ જાગ્યા અને ગીગાએ દીક્ષા માટે મહારાજશ્રી રૂપચંદજી સ્વામીને પ્રાર્થના કરી.