________________
છે, ઉદયિક ભાવે નથી, તેથી આત્મસ્વભાવ સ્વરૂપભૂત છે, અને જે અનંત સામર્થ્ય આત્મામાં અનાદિથી શક્તિ રૂપે હતું તે વ્યક્ત થઈ આત્મા નિજસ્વરૂપમાં આવી શકે છે, તરૂપ શુદ્ધ સ્વચ્છ ભાવે એક સ્વભાવે પરિણમાવી શકે છે; તે અનંતદાનલબ્ધિ કહેવા યોગ્ય છે. તેમજ અનંત આત્મસામર્થ્યની સંપ્રાપ્તિમાં કિંચિત્માત્ર વિયોગનું કારણ રહ્યું નથી તેથી અનંતલાભલબ્ધિ કહેવા યોગ્ય છે. વળી, અનંત આત્મસામર્થ્યની સંપ્રાપ્તિ સંપૂર્ણપણે પરમાનંદસ્વરૂપે અનુભવાય છે, તેમાં પણ કિંચિત્માત્ર પણ વિયોગનું કારણ રહ્યું નથી, તેથી અનંત ભોગઉપભોગલબ્ધિ કહેવા યોગ્ય છે, તેમ જ અનંત આત્મસામર્થ્યની સંપ્રાપ્તિ સંપૂર્ણપણે થયા છતાં તે સામર્થ્યના અનુભવથી આત્મશક્તિ થાકે કે તેનું સામર્થ્ય ઝીલી ન શકે, વહન ન કરી શકે અથવા તે સામર્થ્યને કોઈ પણ પ્રકારના દેશકાળની અસર થઈ કિંચિત્માત્ર પણ ન્યૂનાધિકપણું કરાવે એવું કશું રહ્યું જ નહીં, તે સ્વભાવમાં રહેવાનું સંપૂર્ણ સામર્થ્ય ત્રિકાળ સંપૂર્ણ બળસહિત રહેવાનું છે, તે અનંતવીર્યલબ્ધિ કહેવા યોગ્ય છે.
ક્ષાયિકભાવની દ્રષ્ટિથી જોતા ઉપર કહ્યા પ્રમાણે તે લબ્ધિનો પરમ પુરુષને ઉપયોગ છે. વળી એ પાંચ લબ્ધિ હેતુવિશેષથી સમજાવા અર્થે જુદી પાડી છે, નહીં તો અનંતવીર્યલબ્ધિમાં પણ તે પાંચેનો સમાવેશ થઈ શકે છે. આત્મા સંપૂર્ણ વીર્યને સંપ્રાપ્ત થવાથી એ પાંચે લબ્ધિનો ઉપયોગ પુદ્ગલ દ્રવ્યરૂપે કરે તો તેવું સામર્થ્ય તેમાં વર્તે છે. તથાપિ કૃતકૃત્ય એવા પરમપુરુષમાં સંપૂર્ણ વીતરાગસ્વભાવ હોવાથી તે ઉપયોગનો તેથી સંભવ નથી; અને ઉપદેશાદિના દાનરૂપે જે તે કૃતકૃત્ય પરમ પુરુષની પ્રવૃત્તિ છે તે યોગાશ્રિત પૂર્વબંધના ઉદયમાનપણાથી છે, આત્માના સ્વભાવના કિંચિત્ પણ વિકૃતભાવથી નથી.
એ પ્રમાણે સંક્ષેપમાં ઉત્તર જાણશો. નિવૃત્તિવાળો અવસર સંપ્રાપ્ત કરી અધિક અધિક મનન કરવાથી વિશેષ સમાધાન અને નિર્જરા સંપ્રાપ્ત થશે. સઉલ્લાસ ચિત્તથી જ્ઞાનની અનુપ્રેક્ષા કરતાં અનંત કર્મનો ક્ષય થાય છે.
ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ
તત્ત્વજ્ઞાનની ગુફામાં આત્માની અનુભૂતિ