________________
૩૦
સૂત્રસંવેદના-૩
મનના વિચારો પણ કરવા ન જોઈએ. જ્યારે જરૂર પડે ત્યારે સાધનાના એક અંગરૂપે સમિતિના પાલનપૂર્વક મન, વચન, કાયાનું પ્રવર્તન કરવું જોઈએ.
આમ છતાં અનાદિકાળના કુસંસ્કારોને કારણે, નિમિત્ત મળતાં મન અને ઇન્દ્રિયો ઘણીવાર ચંચળ બની જાય છે, સાધના જીવનમાં બાધક બને તેવા વિચારો આવી જાય છે. જેમ કે, અવાજ આવતાં જ વિચાર આવે છે કે “કોણ આવ્યું છે ? શું કહે છે? કોની વાત કરે છે ?' આવા નિરર્થક વિચારો એકાગ્ર મનથી થતી આત્મસાધક ક્રિયામાં બાધક બને છે. આથી આવો બિનજરૂરી મનોવ્યાપાર મનોગુપ્તિમાં અતિચારરૂપ બને છે.
એ જ રીતે વાતોના રસના કારણે બિનજરૂરી બોલવું, જરૂરી પણ સામાયિકના ઉપયોગ વિના બોલવું, મોઢે મુહપત્તિ રાખ્યા વિના બોલવું, વગેરે વચનગુપ્તિના અતિચારરૂપ છે.
વળી, મોક્ષની સાધના કરતા સાધકે પોતાના શરીરને સંગોપીને રાખવું જોઈએ. જરૂર વિના હાથ-પગ તો શું પરંતુ આંખની કીકી પણ ન ફરકે તેવું ધ્યાન રાખવું જોઈએ. આમ છતાં કાયાની કટિલતા અને ઇન્દ્રિયોની ચંચળતાના કારણે ભગવાનની આજ્ઞાનો વિચાર કર્યા વિના બિનજરૂરી, યથા-તથા કાયાનું પ્રવર્તન તે કાયગુપ્તિ અને ઈર્યાસમિતિ આદિમાં અતિચારરૂપ છે.
આ રીતે મન, વચન, કાયાની ગુપ્તિવિષયક જે કોઈ અતિચાર લાગ્યો હોય તેને યાદ કરી, ગુરુભગવંત પાસે તેનું આલોચન કરી, પુનઃ તેવું ન થાય તેનું ધ્યાન રાખી આ પદનું ઉચ્ચારણ કરવું જોઈએ.
વહેં-વસાવા - ચાર કષાયોનું, (જે કોઈ ખંડન કે વિરાધન થયું હોય તેનું મિચ્છા મિ દુક્કડં)
ક્રોધ, માન, માયા અને લોભ : આ ચાર કષાયો કર્મના ઉદયથી થનારા આત્માના વિકારો છે. તે ક્ષમા, નમ્રતા, સરલતા અને સંતોષ આદિ આત્મિક ગુણોનો નાશ કરે છે અને અસહિષ્ણુતા, અહંકાર, કપટ, અસંતોષ આદિ દોષો પ્રગટાવી આત્માને દુ:ખી કરે છે. આથી આત્મિક સુખ પામવાની ઇચ્છા ધરાવતા પ્રત્યેક સાધકે કષાયોનું દમન, શમન અને અંતે કષાયોનો સંપૂર્ણ નાશ કરવા સતત પ્રયત્ન કરવો જોઈએ. તે માટે યોગશાસ્ત્ર આદિ ગ્રંથોનો સહારો લઈ શુભ ભાવનાઓથી હૃદયને ભાવિત કરવું જોઈએ, જેથી નિમિત્ત મળવા છતાં પણ કષાયો ચિત્ત ઉપર પોતાનું વર્ચસ્વ જમાવી આત્માનું અહિત ન કરે.