Book Title: Smruti mandir Prashasti Kavyam
Author(s): Prashamrativijay
Publisher: Pravachan Prakashan Puna

View full book text
Previous | Next

Page 3
________________ ગુરુભગવંતનો પ્રભાવ વિસ્મયભાવ અને આનંદરસ આ બે માનવચેતનાનાં મુખ્ય સંવેદનો છે. વિસ્મય અને આનંદને સંસ્કરણ મળે ત્યારે તે ઉત્કટ કળા બને. આ જ બંને વિકૃત બને તો તે બેડોળ વાસના સુધી પહોંચે. આશ્ચર્યનો અનુભવ થાય છે તે ગમે છે. ખુદ વિસ્મયનો સ્વતંત્ર અનુભવ પણ અદ્દભુત નામનો અલગ રસ છે. મનોવિકાસની સંવેદનાને આનંદ કહીએ તો આ આનંદ પણ પોતાની રીતે સ્વતંત્ર અનુભવ બને છે. કવિતાની રચનામાં આ બે સંવેદન સૌથી મહત્વનું સ્થાન ધરાવે છે. ડૉ. નગેન્દ્રનાં મત-વિસ્મયભાવ અલંકારનો પ્રાણ બને છે અને આનંદરસ એ રસાનુભૂતિની આધારશિલા બને છે. ૨જુઆતનો ચમત્કાર આપણને પ્રભાવિત કરે તે અલંકાર અને રજૂ થયેલ ભાવવિશ્વમાં આપણે તરબોળ બની જઈએ તે રસ. વિસ્મય કરતાં આનંદ વધુ ચિરંજીવ અને વધુ સંતોષપ્રદ છે તે નિશ્ચિત છે. માટે જ કાવ્યોનો આત્મા રસ છે. સ્મૃતિમંદિરપ્રશસ્તિ નામની આ રચનાનાં કાવ્યતત્ત્વને આ દૃષ્ટિથી તપાસું છું તો ઘણું ઘણું ખૂટતું હોય તેમ લાગે છે. આપણે લોકો શૈલીને સાહિત્ય માનીને ચાલીએ છે. નવી શૈલી હોય અથવા જરા જુદી શૈલી હોય તેટલા માત્રથી કાવ્યતત્ત્વ સિદ્ધ થઈ શકતું નથી. નવાનવા શબ્દો, અધરી વાક્યરચના અને મોટી સંખ્યામાં શ્લોકો પ્રયોજી દઈને પોતાની જાતને કવિ માની લેવાનો કોઈ અર્થ નથી, કાવ્ય આપણી ભાવધારાને વ્યક્ત કરવાનું ઉત્કટ માધ્યમ છે. સાહિત્યના મહાનું કુલગુરુઓએ કાવ્યરચના માટે જે જે અપેક્ષા રાખી છે તેમાં શૈલીને બહુ મોટું મહત્ત્વ અપાયું નથી. કાવ્ય રચતી વખતે આપણાં મનમાં આપણી મર્યાદાઓ સ્પષ્ટ હોવી જોઈએ. જે રજૂઆત કરવાની છે તે ઉમદા અને સક્ષમ હોય તે જરૂરી છે. પૂર્વવર્તી રચનાકારોનો પ્રભાવ આપણી કૃતિ પર હોય તે માફ કરી શકાય પરંતુ એ રચનાઓમાંથી શબ્દચૌર્ય, અર્થચૌર્ય કે કલ્પનાચૌર્ય ન થઈ જાય તેનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. બીજાને નથી આવડતું તેવું મને આવડે છે તેવા અહંભાવથી મુક્ત રહેવું જોઈએ. શબ્દ કરતાં અર્થ અને અર્થ કરતાં અંતરંગ અનુભૂતિ વિશેષ કામની છે તે યાદ હોવું જોઈએ. કાવ્યરચના દ્વારા કથાપ્રબંધ રચવાનો નથી પરંતુ કથાપ્રબંધ દ્વારા રસાનુભૂતિ સિદ્ધ કરીને તેને કાવ્યરચના તરીકે પ્રસ્તુત કરવાની છે. સ્મૃતિમંદિરપ્રશસ્તિને આ દૃષ્ટિથી તપાસું છું તો ચોક્કસ લાગે છે કે આ રચના એક દસ્તાવેજી અહેવાલને કાવ્યની શૈલીમાં રજૂ કરતી સાદી રચના છે. પ્રભુશાસનનો ઇતિહાસ, સૂરિરામની જીવનગાથા અને સ્મૃતિમંદિરનાં વાસ્તુનો તથા પ્રતિષ્ઠામહોત્સવનો વિસ્તૃત આલેખ અહીં પ્રસ્તુત છે. સંસ્કૃતમાં પ્રશસ્તિ લખાઈ તેના પોણાબીજા વરસે આ અનુવાદ તૈયાર થયો છે. સ્મૃતિમંદિરપ્રશસ્તિની પ્રસ્તાવનામાં લખ્યું હતું તે મુજબ :- કવિઓનું રચના કૌશલ્ય શું હોય અને કાવ્યોનું કવિતાતત્ત્વ શું હોય છે તે હું જાણું છું. મને આવું કશું ન આવડતું હોય તો પણ ગુરુકૃપા દ્વારા મારી આ અશક્તિ ઢંકાઈ જાય તો તે ગુરુભગવંતનો જ પ્રભાવ છે.” આ ગ્રંથપ્રકાશનના અવસરે મને, પરમ ગુરુદેવ તપાગચ્છાધિરાજ પૂજયપાદ આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજયરામચંદ્રસૂરીશ્વરજી મ., પૂજયપાદ સુવિશાલગચ્છાધિપતિ આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજયમહોદયસૂરીશ્વરજી મ., આ પ્રશસ્તિ લખવાની પ્રેરણા આપનારા પરમ ઉપકારી પૂજયપાદ આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજયકીર્તિયશસૂરીશ્વરજી મ., મારા પ્રાણપ્રિય બંધુ મુનિરાજશ્રી વૈરાગ્યરતિવિજયજી મ.ના અગણિત ઉપકારો યાદ આવે છે. વિ. સં. ૨૦૫૭ની સાલમાં મહારાષ્ટ્રનાં મંચગામમાં ચોમાસું થયું. ત્યાંનાં નિસર્ગરમ્ય વાતાવરણમાં આ પ્રશસ્તિની રચના થઈ તે ભૂલાશે નહીં. અનેક શ્રમણશ્રમણીભગવંતોએ આ પ્રશસ્તિનો અભ્યાસ કર્યો છે તેનો અપરિસીમ આનંદ છે. અનુવાદ દ્વારા આ પ્રશસ્તિનો અભ્યાસ વ્યાપક બનશે તેવો વિશ્વાસ છે. પુખરાજ રાયચંદ આરાધનાભવન પ્રશમરતિવિજય સાબરમતી કાર્તક વદ ૬, વિ. સં. ૨૦૬૦

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33