Book Title: Shrutsagar Ank 2007 03 012
Author(s): Manoj Jain
Publisher: Shree Mahavir Jain Aradhana Kendra Koba

Previous | Next

Page 132
________________ पंन्यास प्रवरश्री अमृतसागरजी आचार्यपद प्रदान महोत्सव विशेषांक જોવા મળે છે, જેને 'ચિત્રસૃષ્ઠિકા'ના નામથી ઓળખવામાં આવે છે. ઘણી પ્રતોમાં પાર્શ્વરેખાઓ પણ ખૂબ જ કલાત્મક રીતે બનાવવામાં આવતી હતી. સચિત્ર પ્રત : ચિત્રિત પ્રતોની પણ પોતાની અલગ જ વિસ્તૃતકથા છે. પ્રતોમાં મંગલસ્થાનીય એકાદ-બેથી માંડીને મોટા પ્રમાણમાં સુવર્ણ સહી તથા અન્ય વિવિધ રંગોથી બનાવેલ સામાન્યથી માંડી ખૂબ જ સુંદર અને સુરેખ ચિત્રો દોરાયેલા મળે છે. આલેખનની ચારે બાજુની ખાલી જગામાં વિવિધ પ્રકારની સુંદર વેલ-લતા-મંજરી તથા અન્ય કલાત્મક ચિત્રો પણ દોરાયેલ જોવા મળે છે. જૈન ચિત્રશૈલી, કોટા, મેવાડી, જયપુરી, બૂંદી વગેરે અનેક ચિત્રશૈલીઓમાં ચિત્રિત પ્રતો મળે છે. ચિત્રશૈલી અને એમાં વપરાયેલ રંગો વગેરેના આધારે પણ પ્રતની પ્રાચીનતા નક્કી થઈ શકે છે. લેખન કાર્ય : સાધુઓ અને શ્રાવકો ભક્તિભાવથી વ્યાપક પ્રમાણમાં ઉત્તમ ગ્રંથલેખનનું કાર્ય કરતા હતા. ઘણા શ્રાવકો લહિયાઓ પાસે પણ ગ્રંથો લખાવતા હતા. કાયસ્થ, બ્રાહ્મણ, નાગર, મહાત્મા, ભોજક વગેરે જાતિના લોકેએ લહિયા તરીકે પ્રતો લખવાનું કાર્ય કર્યું છે. પ્રત લખનારને લહિયા કહેવાય છે. તેમને પ્રતમાં લખેલા અક્ષરો અંદાજે ગણીને મહેનતાણું ચૂકવવામાં આવતું હતું. લેખન સામગ્રી : પત્ર, કંબિકા, દોરો, ગાંઠ (ગ્રંથિ), લિપ્સાસન (તાડપત્ર, કાગળ, કાપડ, ભોજપત્ર, અગરપત્ર વગેરે લિપિના આસન), છંદણ, સાંકળ, સહી (મશી, મેસ, કાજળ), કલમ, ઓલિયા (કાગળ પર ઓળી-લીટી ઉપસાવવા માટે સરખા અંતરે ખાસ ઢબથી બાંધેલા દોરાવાળું ફાંટિયું), ઘૂંટો, જૂજવળ, પ્રાકાર વગેરે લેખન સામગ્રીનો ઉપયોગ થતો હતો. ગ્રંથ સંરક્ષણ : જૈન પ્રતલેખન અને સજાવટ પર એટલું ધ્યાન આપવામાં આવતું હતું કે એક વાર જોવા માત્રથી એવી સુઘડતા, સુંદરતાના આધારે જ ખબર પડી જાય કે આ જૈનપ્રત છે કે અન્ય. પૂર્વાચાર્યોએ જેટલું ધ્યાન લેખન પર આપ્યું તેટલું જ ધ્યાન સંરક્ષણ પર પણ આપ્યું. ગ્રંથોને રેશમી અથવા લાલ મોટા કપડામાં લપેટીને ખૂબ મજબૂતીથી બાંધીને લાકડા અથવા કાગળની બનેલ પેટીઓમાં સુરક્ષિત રાખવામાં આવતા હતા. જ્ઞાનને જ સમર્પિત જ્ઞાનપંચમી જેવા તહેવારો પ૨ તે ગ્રંથોનું પ્રતિલેખન-પડિલેહન-પ્રમાર્જન કરવામાં આવતું હતું. ઢીલુંબંધન એ અપરાધ તરીકે સમજવામાં આવતું હતું. પ્રતોના અંતમાં પ્રતિલેખન સંલગ્ન મળતા વિવિધ શ્લોકમાંથી એક અતિ પ્રચલિત શ્લોકમાં ખાસ ચેતવણી આપવામાં આવેલ છે કે 'રક્ષેત્ શિથિલબંધનાતુ'. આ જ રીતે પાણી, ખનિજ, અગ્નિ, ઉંદર, ચોર, મૂર્ખ તથા પર-હસ્તથી પ્રતની રક્ષા કરવાની ચેતવણીઓ પણ મળે છે. ક્યારેક પોતાના હાથે ખૂબ જ મહેનતથી લખાયેલ પ્રત પ્રત્યેની લાગણીઓ પ્રતિલેખક આ શ્લોકો-પદ્યો દ્વારા પ્રગટ થતી જોવા મળે છે. પ્રત વાંચતી વખતે એને પૂંઠામાં સાચવીને રાખવામાં આવતી તેમ જ વાંસની ઝીણી પટ્ટીઓથી બનાવેલ સાદડી જેવી કવળીમાં ગ્રંથને સુરક્ષિત લપેટીને રાખવામાં આવતો. કહેવાય છે કે મુદ્રણયુગ આવવાથી ગ્રંથોના અભ્યાસુઓ માટે ખૂબ સવલતો ઊભી થઈ છે. જેમાં ગ્રંથ ઉપલબ્ધતા, શ્રેષ્ઠ સંપાદન વગેરે પાસાંઓ એક મહત્ત્વપૂર્ણ તથ્ય છે પરંતુ વાચકો માટે અત્યંત ઉપયોગી એવી વિભક્તિ-વચન સંકેત જેવી ઉપરોક્ત સવલતો સાથે એક પણ પ્રકાશન થયેલ જોવા મળતું નથી. મુદ્રણકળાએ ગ્રંથોની સુલભતા અવશ્ય કરેલ છે પરંતુ ક્યાંક એ ભુલાઈ જાય છે કે સુલભતાનો મતલબ સુગમતા એટલે કે-મહાપુરુષોના ગ્રંથગત કથનના એકાંત કલ્યાણકારી યથાર્થ હાર્દ સુધી પહોંચવું-નથી થતો; સુગમતા તો એકાગ્રતા, પુરુષાર્થ અને સમર્પણથી પ્રાપ્ત ગુરુકૃપાનું જ પરિણામ હોઈ શકે છે... (આંશિક-આધાર- ભારતીય જૈનશ્રમણસંસ્કૃતિ અને લેખનકળા.) 130

Loading...

Page Navigation
1 ... 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175