________________
पंन्यास प्रवरश्री अमृलसागरजी
महोत्सव विशेषांक
પ્રત શુદ્ધિકરણ :
પ્રત લખતી વખતે ભૂલ ન રહી જાય તે માટે જરૂરી સતર્કતા રાખવામાં આવતી હતી. એક વખત લખાઈ ગયા પછી વિદ્વાન સાધુ વગેરે તે પ્રતને પૂર્ણરૂપે વાંચીને અશુદ્ધ પાઠને ભૂંસીને, સુંદર રીતે છેકીને કે છૂટી ગયેલ પાઠોને હંસપાદ' વગેરે જરૂરી નિશાની સાથે પંક્તિની વચ્ચે અથવા બાજુના હાંસિયા વગેરે જગામાં જરૂ૨ ૫ત્રે ઓલી-પંક્તિ ક્રમાંક સાથે લખી દેતા હતા. પાઠ ભૂંસવા માટે પીંછી, તુલિકા, હરતાલ, સફેદો, ગેરૂ વગેરેનો ઉપયોગ થતો હતો.
વાંચન ઉપયોગી સંકેતો :
હસ્તપ્રતોના લખાણમાં શબ્દોની વચ્ચે-વચ્ચે અત્યારની જેમ ખાલી જગ્યા મુકાતી ન હતી પણ સળંગ લખાણ લખવામાં આવતું હતું. અમુક પ્રતો ઉપર વિદ્વાનો પાછળથી વાચકોની સરળતા ખાતર પદો ઉપર નાની-નાની ઊભી રેખા કરીને પદચ્છેદ દર્શાવતા હતા. અમુક પ્રતોમાં ક્રિયાપદો ઉપર અલગ નિશાની કરાયેલી મળે છે. વિશેષ્ય-વિશેષણ વગેરે સંબંધ દર્શાવવા માટે શબ્દો ઉપર પરસ્પર સમાન સૂક્ષ્મનિશાનીઓ કરતા હતા. શબ્દોનાં વચન-વિભક્તિ દર્શાવવા માટે ૧૧, ૧૨, ૧૩, ૨૧, ૨૨, ૨૩... (૧૧ એટલે પ્રથમ એક વચન) વગેરે અંકે પણ લખાતા હતા, તો સંબોધન માટે 'હે' લખાયેલ મળે છે. જો ચતુર્થી થઈ હોય તો તે જણાવવા માટે 'હેતૌ' આ રીતે લખવા પૂર્વક હેત્વર્થે ચતુર્થી જેવા સંકેતો પણ ક્યારેક આપવામાં આવતા. સંધિવિચ્છેદ દર્શાવવા માટે સંધિદર્શક સ્વર પણ શબ્દો ઉપર સંધિસ્થાનમાં સૂક્ષ્માક્ષરે લખાતા હતા. શ્લોકો પર અન્વયદર્શક અંક પણ ક્રમાનુસાર લખવામાં આવતા હતા. દાર્શનિક ગ્રંથોમાં પક્ષ-પ્રતિપક્ષના અનેક સ્તરો સુધી નિરંતર ચર્ચાઓ આવે છે. આવી ચર્ચાઓનો આરંભ અને અંત દર્શાવવા માટે બન્ને જગ્યાએ દરેક ચર્ચા માટે અલગ-અલગ પ્રકારના સંકેતો મળે છે. પ્રતવાંચનની સરળતા માટે કરાયેલી આ નિશાનીઓ ઘણા જ ઝીણા અક્ષરોથી લખાયેલી હોય છે.
અક્ષર :
સામાન્યપણે વાંચવામાં સુગમતા રહે એ રીતે મધ્યમ કદના અક્ષરોમાં પ્રતો લખાતી હતી, પણ પ્રતના અવસૂરિ, ટીકા વગેરે ભાગો તથા ક્યારેક આખેઆખી પ્રતો પણ ઝીણો-સૂક્ષ્મ અક્ષરોથી લખાયેલ મળે છે કે જેનું વાંચન પણ આજે સુગમ નથી. આશ્ચર્ય પમાડે તેવી વાત છે કે જેને વાંચવામાં પણ આંખોને કષ્ટ પડે છે તેવી પ્રતો વિદ્વાનોએ લખી કેવી રીતે હશે? તો પણ હકીકત એ છે કે આવી પ્રતો લખાઈ છે અને હજારોની સંખ્યામાં લખાઈ છે, વિહાર દરમ્યાન સગવડતાથી વધુ
પ્રમાણમાં પ્રતો સાથે રાખી શકાય તેવી એક માત્ર પરોપકારની ભાવનાથી જ. વૃદ્ધાવસ્થામાં વાંચનમાં અનુકૂળતા રહે એ માટે બારસાસૂત્ર જેવી પ્રતો મોટા-સ્થૂલાક્ષરોમાં લખાયેલી જોવા મળે છે.
ચિત્રમય લેખન :
કેટલાક લેખકો લખાણની વચ્ચે સાવધાનીપૂર્વક એવી જગા છોડી દેતા હોય છે કે જેનાથી અનેક પ્રકારના ચોરસ, ત્રિકોણ, ષટ્કોણ, છત્ર, સ્વસ્તિક, અગ્નિશિખા, વજ, ડમરું, ગોમૂત્રિકા, ૐ હ્રીં વગેરે આકૃતિ ચિત્રો તથા લેખક દ્વારા ઇચ્છિત ગ્રંથનામ, ગુરુનામ અથવા જે-તે વ્યક્તિનું નામ કે શ્લોક-ગાથા વગેરે દેખી કે વાંચી શકાય છે. એટલે જ આવા પ્રકારનાં ચિત્રોને મુનિ શ્રી પુણ્યવિજયજીએ '
રિક્તલિપિચિત્ર' ના નામથી પણ ઓળખવા જણાવેલ છે. આવી જ રીતે લખાણની વચ્ચે ખાલી જગા ન છોડતાં કાળી સહીથી લખાયેલ લખાણની વચ્ચે કેટલાક અક્ષરો ચીવટ અને ખૂબીપૂર્વક લાલ સહીથી એવી રીતે લખતા કે જેનાથી લેખનમાં અનેક ચિત્રાકૃતિઓ નામ અથવા શ્લોક વગેરે દેખી-વાંચી શકાય છે. આવા પ્રકારનાં ચિત્રોને 'લિપિચિત્ર' તરીકે ઓળખવામાં આવે છે. આ ઉપરાંત ચિત્રમયલેખનનો એક પ્રકાર 'અંકસ્થાનચિત્ર' પણ છે. જેમાં, પત્ર ક્રમાંકની સાથે વિવિધ પ્રાણી, વૃક્ષ, મંદિર વગેરેની આકૃતિઓ બનાવી તેની વચ્ચે પત્રક્રમાંક લખવામાં આવે
અમુક પ્રતોમાં મધ્ય અને પાર્શ્વફુલ્લિકાઓનું ખૂબ જ કલાત્મક રીતે ચિત્રણ કરાયેલું જોવા મળે છે. કેટલીક વખત આવી પ્રતો સોના-ચાંદીના વરખ અને અભ્રકથી સુશોભિત જોવા મળે છે. આવી પ્રતો ખાસ કરીને વિક્રમ સંવત ૧૫મીથી ૧૭મી સદી દરમ્યાનની જોવા મળે છે. અમુક પ્રતોનાં પ્રથમ તથા અંતિમ પૃષ્ઠો ઉપર પણ ખૂબ જ સુંદર રંગીન રેખાચિત્રો દોરાયેલાં
129