________________
પર્યુષણ ગહેલી: પરિચય
આ કૃતિનું નામ પર્યુષણ ગહુલી છે. ગહેલી શબ્દનો અર્થ ગુણવર્ણન કરતું ગીત એ અભિપ્રેત છે. પર્યુષણ પર્વનો મહિમા દર્શાવવા અને આઠ દિવસોમાં ધર્મની વિશેષ પ્રેરણા કરવા મુનિ શ્રી હર્ષવિજય મહારાજે આ ગહેલી રચી છે. તેમનો સમય નિશ્ચિતરૂપે કહી શકાતો નથી. અનુમાનથી વીસમી સદી હોઇ શકે છે. શ્રી પર્યુષણ ગહેલીની હસ્તપ્રત શ્રી વર્ધમાન જૈન આગમ જ્ઞાનભંડાર કાત્રજ, પુણેની છે. તેનો ક્રમાંક ૬૮૫ છે. આ પ્રત પૂ. આ. ભ. શ્રી હર્ષસાગર સૂ. મ. ની પ્રેરણાથી મળી છે. પ્રતનું એક પાત્ર છે. પત્ર પર ૧૮ પંક્તિ છે. દરેક પંક્તિમાં ૧૯ અક્ષર છે. પ્રત વિ. સં. ૧૯૪૭ના બીજા ભાદરવા માસમાં લખાઈ છે. મધ્યકાલીન કૃતિ સૂચિમાં પર્યુષણ ગહ્લી નામની કૃતિ નોંધાઇ નથી તેથી આ અપ્રગટ કૃતિ છે એવું જણાય છે. ક્યાંક કોઇ સંશોધન પત્રમાં છપાઈ હોય તો ખબર નથી.
આ કૃતિની પાંચમી કડીમાં ગહેલી શબ્દનો ‘ગુરુ સામે ગવાતા ગીતો’ એ અર્થ ધ્વનિત થાય છે. ચોથી કડીમાં પૂજા પ્રકરણનો ઉલ્લેખ છે તે રચયિતાની શાસ્ત્રપારંગતતા વ્યક્ત કરે છે. ગહુલીનો સામાન્ય શબ્દાર્થ આ પ્રમાણે છે.
શ્રાવક! પર્યુષણ પર્વ આવ્યા છે. શ્રદ્ધાવાળા જીવને ધર્મનો રાગ થાય છે. પૌષધ પ્રતિક્રમણ અને સામાયિક કરો. તે સંસાર સમુદ્રથી તારનાર જહાજ સમાન છે. પૂર્વનાં પુણ્યથી આ ગુરુનો યોગ મળે છે. તેમનાથી જ ધર્મ પ્રાપ્ત થાય છે. તેમની આગળ બેસી વ્યાખ્યાન સાંભળો. તેઓ જીવ-અજીવ વગેરેનું સ્વરૂપ સમજાવે છે. આત્માનું સ્વરૂપ જાણવાથી કાર્ય સિદ્ધ થાય છે. તેનાથી અનુપમ વાંછિત સ્થાન પ્રાપ્ત થાય છે. વ્યાખ્યાનમાં પ્રભાવના અને સ્વામિવાત્સલ્ય કરો. જિનમંદિરમાં અઠાઈ મહોત્સવ કરો. સુગંધી ખીલેલા ફૂલોની માળા થી મનના ઉલ્લાસે ભગવાનની પૂજા કરો. ગુરુ પાસે જઈ છઠ અર્હમ્ના પચ્ચખ્ખાણ કરો. ગુરુ પાસે જઈ નારી ગીત ગાય. આ રીતે જે કરે છે તે રાગ-દ્વેષને ટાળી ભવનો પાર પામે છે. સ્વભાવનું સુખ પામે છે. એમ મુનિ હર્ષવિજય કહે છે.
સંપાદન કરતાં અશુદ્ધ જણાતા પાઠ સાથે () કોષ્ટકમાં શુદ્ધ પાઠ દર્શાવ્યા છે. પડી ગયેલા પાઠ [ ] કોષ્ટકમાં જણાવ્યા છે. સંદિગ્ધ પાઠની નીચે અધોરેખા કરી છે.
સા. શ્રીહર્ષરેખાશ્રીજીમ. નાં શિષ્યા સા. શ્રીજિનરત્નાશ્રીજીમ. નાં શિષ્યા સા. શ્રીમધુરહંસાશ્રીજીમ. નાં શિષ્યા
સા. ધજહંસાશ્રી
૧. મધ્યકાલીન કૃતિ સૂચિ ([ગુજરાતી સાહિત્ય કોશ-1 (મધ્યકાળ)] સં. કીર્તિદા શાહ,પ્રગુજરાતી સાહિત્ય પરિષદુ, ઇ.૨૦૦૪)