________________
આત્મનિંદાગર્ભિત નેમિનાથ ભગવાનનું સ્તવન
પ્રસ્તુત લેખમાં ભૂધર કવિ રચિત નેમિનાથ ભગવાનનું સ્તવન પ્રસ્તુત છે. આના કર્તા ભૂધર નામના કવિ છે. સત્તરમી સદીમાં ભૂધર નામના ચાર કવિઓની નોંધ ગુજરાતી સાહિત્ય કોશમાં મળે છે. તેમાંના બે કવિ જૈન છે. અઢારમી સદીના ઉત્તરાર્ધમાં લોકાગચ્છના જસરાજના શિષ્ય ભૂધર મુનિ થયા છે. તેમણે જંબૂકુમાર રાસ (રચના છે ૧૭૫૧) અષ્ટકર્મ તપાવલી સઝાય (રચના ઇ ૧૭૬૪) તથા ચિત્ત ચેતવાની ચોસઠ (રચના ઈ ૧૭૬૩, સંવત ૧૮૨૦)ની રચના કરી છે. અન્ય અજ્ઞાત ભૂધર કવિએ કામકંદર્પની સઝાય (કડી ૮) તથા જીવદયા છંદ (કડી ૧૧)ની રચના કરી છે. આ સિવાય આગ્રાના ભૂધરમલ નામના કવિએ શતકની રચના કરી છે. તેની હસ્તપ્રત ઉજ્જૈન ખારાકૂવાના હસ્તપ્રત સંગ્રહમાં છે. પ્રસ્તુત સ્તવનના કર્તા ભૂધર કવિ કોણ છે ? તે સામગ્રીના અભાવે નિશ્ચિતપણે કહી શકાતું નથી. આ સ્તવનનું સંપાદન એક છૂટક પાના ઉપર લખાયેલ પ્રત પરથી કરવામાં આવ્યું છે. તેનું એક જ પત્ર છે. પત્ર પર ૧૪ પંક્તિ છે અને પ્રત્યેક પંક્તિમાં ૪૪ અક્ષરો છે. પ્રત ઓગણીસમી સદીમાં લખાઈ હોય તેવું જણાય છે.
કૃતિ પરિચય:
મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં ઇષ્ટદેવતાની સ્તવના પરક રચનાઓ વિપુલ પ્રમાણમાં થઇ છે. જૈન સાહિત્યમાં ચોવીસ તીર્થકરોની સ્તુતિ બે રીતે થાય છે, એક, તીર્થકરોનો મહિમા તથા ગુણોનું વર્ણન કરતી સ્તુતિ. બે, આત્માના દોષોનું વર્ણન કરતી સ્તુતિ. પ્રસ્તુત સ્તવનમાં તીર્થકર શ્રીનેમિનાથ ભગવાનની સ્તવના કરવામાં આવી છે. આ કૃતિની અઢાર ગાથા છે. તેમાં ચારગતિ રૂપ સંસારમાં ભમતાં જીવ કેવા દુઃખ સહન કરે છે ? તેનું પ્રભુ સન્મુખ નિવેદન કરવામાં આવ્યું છે અને દુઃખમાંથી બચાવવા ભગવાનને વિનંતિ કરવામાં આવી છે. સ્તવનનો સામાન્ય શબ્દાર્થ અહિં પ્રસ્તુત છે.
હે ત્રણ ભુવનના નાથ! કરુણાનિધાન નામવંત અંતરયામી મારી વિનંતિ સાંભળો. (૧) હું તમારો દાસ છું. અતિ ભારે દુઃખી છું અને તમે દુઃખ દૂર કરનાર યાદવોના પતિ છો. (૨)
ઘણી બધી વિપત્તિઓના ભંડાર સમાન આ સંસારમાં હું લાંબો સમય ભમ્યો છું. અસાર સંસારમાં હું ચારે ગતિમાં ભટકયો છું. (૩)
સંસારમાં દુઃખ મેરુ સમાન છે. સુખ સરસવના દાણા જેટલું છે. એવું જ્ઞાન રૂપી ત્રાજવા પર તુલના કરીને મેં જાણ્યું. (૪)
સંસારમાં મેં સ્થાવર શરીર પ્રાપ્ત કર્યું ત્રપણું પ્રાપ્ત કર્યું. કર્મથી કંથવા જેવા જીવ રૂપે પ્રસિદ્ધ થયો.
૧. ગુજરાતી સાહિત્ય કોશ, ખંડ એક, મધ્યકાળ)૨૮૭, સં. જયંત કોઠારી, પ્ર. ગુજરાતી સાહિત્ય પરિષદ