________________
રત્નકુક્ષી - મા દેવબાઈ
વવાણિયા શ્રી પરમકૃપાળુદેવના માતુશ્રી દેવબાઈ શ્રી વવાણિયાથી સંવત્ ૧૯૭૦ના કારતક સુદ તેરશના મંગળવારે સાંજની ગાડીમાં અત્રે શ્રી ખંભાત પધાર્યા હતા. તેઓશ્રીના મુખથી શ્રીમદ્ રાજચંદ્ર પ્રભુનું ચરિત્ર સાંભળ્યું તે નીચે મુજબ છે –
તમને મહાન ઘર્મિષ્ઠ અને પ્રતાપી પુત્ર થશે શ્રી પરમકૃપાળુદેવ ગર્ભમાં આવ્યા પછી મને એક યોગી મળેલ. તેમણે એવું કહ્યું કે તમોને એક પુત્ર થશે. તે મહાન શર્મિષ્ઠ અને પ્રતાપી થશે. તે તમારી એકોતેર પેઢી તારશે. તે ફકીર તળાવની પાળ ઉપર રહેતા હતા. તેમની મનસુખભાઈના પિતાએ સેવાભક્તિ બહુ કરી હતી.
તેઓ ગર્ભમાં આવ્યા પછી ઉત્તમ ભાવના શ્રી પરમકૃપાળુદેવ ગર્ભમાં આવ્યા બાદ કોઈપણ માઠી વાસના મને થઈ નથી. સં.૧૯૨૪ના કારતક સુદ પુનમના દિવસે જન્મ હોવાથી આખા ગામમાં દેવ દિવાળીને લઈને ઉત્સવ ઘણો હતો. નવ માસની ઉંમરે તેઓ ચાલવા માંડ્યા હતા. બાર-તેર મહિનાની ઉંમરે બોલતા શીખ્યા હતા.
પૂર્વભવના ઘાર્મિક સંસ્કાર બાળપણમાં બે વર્ષની વયમાં નાના છોકરાઓ સાથે માટીના દેહરા કરી પછી છોકરાઓને કહે કે : આ મહાદેવનું દહેરું છે. આ રામનું દહેરું છે, એમ દેહરાના આકાર કરી બતાવતા હતા.
ભગવાનની પ્રતિમાની જેમ બેસી રહે શ્રી પરમકૃપાળદેવ ત્રણ વર્ષના હતા ત્યારે તેડીને હું નકુ દોશીને ત્યાં જતી. ત્યાં હું જ્યાં બેસાડું ત્યાં સ્થિર બેસી રહેતા. એક કલાક જાણે ભગવાનની પ્રતિમાની જેમ બેસી રહેતા, શાંત યોગી જેવા લાગતા.
પાંચ વર્ષની ઉંમરે પોતાની બહેનને તેડવા સારું કચ્છમાં પિતાશ્રીની સાથે અંજાર ગયા હતા.
શ્રી પરમકૃપાળુદેવને જમણી આંખે ભમર ઉપર તરવારનું મૂઠ સાથે ચિન્હ હતું અને પગના અંગૂઠે લાલ રેખા' હતી.