________________
[૨૦૩૪ ભાદરવા વદ-૧૨ ને શુક્રવાર, તા. ૨૯-૯-૭૮. દશા પોરવાડ સોસા. ઉપાશ્રય, અમદાવાદ.]
અનંત ઉપકારી શ્રી અરિહંત પરમાત્માના શાસનમાં એક વાત ભારપૂર્વક માવવામાં આવી છે કે, જ્યાં સુધી કષાયાદિની નિર્જરા થાય નહિ ત્યાં સુધી આત્મામાં વાસ્તવિક કોટિનો કોઇ ગુણ પેદા થતો નથી. એ કષાયાદિની નિર્જરા માટેનું અપૂર્વ સાધન ભગવાનના શાસનમાં માવેલ તપધર્મ છે. તેમાંય અત્યંતર તપ પ્રધાન છે. તે અત્યંતર તપને પામવા માટે, સારી રીતે પુષ્ટ કરવા માટે બાહ્યતપ અતિશય ઉપયોગી છે, કલ્યાણકારી છે. માટે જ તેની શ્રી જિનશાસનમાં મહત્તા ગણાય છે.
આજે બાહ્યતપ કરનારા જીવો મોટેભાગે અત્યંતર તપને ભૂલી ગયા છે. તેઓ જો જાગૃત થઇ જાય અને સમજ પૂર્વક બાહ્યતપ કરે તો તેમને થઇ જાય કે ‘મારા આત્મામાં જે અનેક જાતિના દોષો પડ્યા છે અને તે દોષોને મારા આત્મામાં લાવનાર જે ભયંકર કોટિના કર્મ પડ્યા છે; તે કર્મોની નિર્જરા કર્યા વિના મારા આત્માનું કલ્યાણ થાય એમ નથી.' આ ભાવના વગર છ મહિના, બે મહિના-માસક્ષમણ-ઉપવાસ-આયંબિલ આદિ ગમે તેટલો બાહ્યતપ કરે તોય તેને લાભ થાય નહિ. આ કર્મોની નિર્જરા ક્યારે થાય ? આ કર્મોંએ આત્માને ઇચ્છા નામની ડાકણ એવી વળગાડી છે કે જીવ તેમાં જ પાયમાલ થઇ ગયો છે. તેનો નિરોધ કરવા આ બાહ્યતપ અત્યંત જરૂરી છે.
આ બાહ્યતપને આત્મા જેમ જેમ તપે, તેમ તેમ પાપનો ભીરૂ બને. આવા પાપભીરૂ બનેલા આત્મામાં જ ‘પ્રાયશ્ચિત' નામનો પહેલો અત્યંતર તપ આવે. આવું પ્રાયશ્ચિત લેવું હોય તે ભારેમાં ભારે નમ્ર હોય. તે નમ્રતા આવે એટલે વિનય આવ્યો જ સમજો. એટલે તેનામાં ‘વિનય' નામનો બીજો અત્યંતર તપ પેદા થાય. વિનય આવે તેનામાં ‘વૈયાવચ્ચ' નામનો ત્રીજો અત્યંતર તપ સ્વાભાવિક પેદા થાય. પછી તો તેને ‘સ્વાધ્યાય’ તપમાં ભારે રંગ આવે. તે રંગના પ્રતાપે આત્મા સંસારની પણ પ્રવૃત્તિ કરતો હોય તો ય ‘શુભધ્યાન’ માંજ નિમગ્ન હોય. તે શુભધ્યાનમાં નિમગ્ન બને તેનામાં એવી તાકાત છે કે, કર્મોની ભારમાં ભારે નિર્જરા કરાવે. જેમ સાધુ-સાધ્વી આ શુભધ્યાનના પ્રતાપે ચોવીશેય કલાક નિર્જરા કરે તેમ શ્રાવક-શ્રાવિકા પણ સંસારની પ્રવૃત્તિ કરવા
Page 50 of 77