Book Title: Prem
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation

View full book text
Previous | Next

Page 4
________________ સંપાદકીય પ્રેમ શબ્દ એટલો બધો ચોળાઈ ગયો છે કે આપણને ડગલે ને પગલે પ્રશ્ન થયા કરે કે આને તે કંઈ પ્રેમ કહેવાય ? પ્રેમ હોય ત્યાં આવું તે હોઈ શકે ? સાચો પ્રેમ ક્યાં મળશે ? સાચો પ્રેમ કોને કહેવો ? પ્રેમની યથાર્થ વ્યાખ્યા તો પ્રેમમૂર્તિ જ્ઞાની જ આપે. વધે નહીં, ઘટે નહીં તે સાચો પ્રેમ. જે ચઢી જાય ને ઉતરી જાય એ પ્રેમ નહીં પણ આસક્તિ કહેવાય ! જેમાં કોઈ અપેક્ષા નથી, સ્વાર્થ નથી, ઘાટ નથી કે દોષદૃષ્ટિ નથી, નિરંતર એકધારો વહે, ફૂલાં ચઢાવે ત્યાં ઉછાળો નથી, ગાળો દે ત્યાં અભાવ નથી, એવો અઘટ અને અઘાટ પ્રેમ એ જ સાક્ષાત્ પરમાત્મ પ્રેમ છે ! એવા અનુપમ પ્રેમનાં દર્શન તો જ્ઞાની પુરુષમાં કે સંપૂર્ણ વીતરાગ ભગવાનમાં થાય. મોહને પણ આપણા લોકો પ્રેમ માને ! મોહમાં બદલાની આશા હોય ! એ ના મળે ત્યારે જે મહીં વલોપાત થાય, તેના ઉપરથી ખબર પડે કે આ શુદ્ધ પ્રેમ નહોતો ! પ્રેમમાં સિન્સિયારિટી હોય, સંકુચિતતા ના હોય. માનો પ્રેમ વ્યવહારમાં ઉચ્ચ પ્રકારનો કહ્યો છે. છતાં પણ ત્યાંય ખૂણેખાંચરે અપેક્ષા ને અભાવ આવે છે. મોહ હોવાને કારણે આસક્તિ જ કહેવાય ! છોકરો બારમામાં નેવું ટકા માર્કસ લાવ્યો હોય તો મા-બાપ ખુશ થઈને પાર્ટી આપે ને છોકરાની હોશિયારીના વખાણ કરતાં ના થાકે ! અને એને સ્કૂટર લાવી આપે. એ જ છોકરો ચાર દહાડા પછી સ્કૂટર અથાડી લાવે, સ્કૂટરનો કચ્ચરઘાણ કરી નાખે તો એ જ મા-બાપ એને શું કહે ? અક્કલ વગરનો છે, મૂરખ છે, હવે તને કશું નહીં મળે ! ચાર દાહાડમાં તો સર્ટિફિકેટ પાછું લઈ લીધું ! પ્રેમ બધો જ ઉતરી ગયો ! આને તે કંઈ પ્રેમ કહેવાય ? વ્યવહારમાંય બાળકો, નોકરો કે કોઈ પણ પ્રેમથી જ વશ થઈ શકે, બીજા બધા હથિયાર નકામા નીવડે અંતે તો ! આ કાળમાં આવા પ્રેમનાં દર્શન હજારોને પરમાત્મ પ્રેમ સ્વરૂપ શ્રી દાદા ભગવાનમાં થયાં. એક વખત જે કોઈ એમની અભેદતા ચાખી ગયો, તે નિરંતર તેમના નિદિધ્યાસનમાં કે તેમની યાદમાં રહે છે, સંસારની સર્વે જંજાળોમાં જકડાયેલો હોવા છતાં પણ ! હજારો લોકોને પૂજ્યશ્રી વર્ષોનાં વર્ષોથી એક ક્ષણ પણ વીસરાતા નથી એ આ કાળનું મહાન આશ્ચર્ય છે !! હજારો લોકો તેઓશ્રીના સંસર્ગમાં આવ્યા, પણ તેમની કરુણા, તેમનો પ્રેમ દરેક પર વરસતો બધાએ અનુભવ્યો. દરેકને એમ જ લાગે કે મારા પર સૌથી વધારે કૃપા છે, રાજીપો છે ! અને સંપૂર્ણ વીતરાગોના પ્રેમનો તો વર્લ્ડમાં જોટો જ ના જડે ! એક ફેરો વીતરાગના, તેમની વીતરાગતાના દર્શન થઈ જાય ત્યાં પોતે આખી જિંદગી સમર્પણ થઈ જાય. એ પ્રેમને એક ક્ષણ પણ ભૂલી ના શકે ! સામેની વ્યક્તિ કેમ કરીને આત્યંતિક કલ્યાણને પામે એ જ નિરંતર લક્ષને કારણે આ પ્રેમ, આ કરુણા ફલિત થતી જોવાય છે. જગતે જોયો નથી, સુણ્યો નથી, શ્રદ્ધયો નથી, અનુભવ્યો નથી, એવો પરમાત્મ પ્રેમ પ્રત્યક્ષમાં પામવો હોય તો પ્રેમ સ્વરૂપ પ્રત્યક્ષ જ્ઞાનીને જ સેવવા. બાકી, એ શબ્દમાં શી રીતે સમાય ? - ડૉ. નીરુબહેન અમીન

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37