________________
પ્રેમ
૧૯
મારા બાપા મરી ગયા’, તે એટલી બધી અસર થાય અને એ પણ એની જોડે મરી જવા તૈયાર થઈ જાય. એવું અહીં મુંબઈમાં દાખલા બનેલા ?
પ્રશ્નકર્તા : ના. દાદાશ્રી : ત્યારે સ્મશાનમાં શું કરે ત્યાં જઈને પછી ? પ્રશ્નકર્તા : બાળી નાખે.
દાદાશ્રી : એમ ? પછી આવીને ખાતો નહીં હોય, નહીં ? ખાય ને ! તે આ એવું છે, ઔપચારિકતા છે, બધા જાણે કે આ રિલેટિવ સગાઈ છે. ગયો એ તો ગયો. પછી ઘેર આવીને નિરાંતે ખાય.
પ્રશ્નકર્તા: તો પછી કોઈ વ્યક્તિ મરી જાય તો આપણે એના પરના મોહને લીધે રડીએ છીએ કે શુદ્ધ પ્રેમ હોય એટલે રડીએ છીએ ?
દાદાશ્રી : શુદ્ધ પ્રેમ કોઈ જગ્યાએ હોતો જ નથી દુનિયામાં. આ બધું મોહનું જ રહે છે. સ્વાર્થ વગર તો આ દુનિયા છે જ નહીં અને સ્વાર્થ છે ત્યાં મોહ છે. મા જોડેય સ્વાર્થ છે. લોકો એમ જાણે કે મા જોડે શુદ્ધ પ્રેમ હતો. પણ સ્વાર્થ વગર તો માય નથી. પણ એ લિમિટેડ સ્વાર્થ છે એટલે વખાણ્યો છે એને, ઓછામાં ઓછો-લિમિટેડ સ્વાર્થ છે. બાકી, એય મોહનું જ પરિણામ છે.
પ્રશ્નકર્તા : એ બરોબર. પણ માનો પ્રેમ તો નિસ્વાર્થ હોઈ શકે છે ને ?
દાદાશ્રી : હોય છે જ નિઃસ્વાર્થ ઘણે ખરે અંશે. તેથી તો માના પ્રેમને પ્રેમ કહ્યો.
પ્રશ્નકર્તા : છતાં એને આપ “મોહ છે', એમ કહો છો ?
દાદાશ્રી : એવું છે, કોઈ કહેશે, ‘ભઈ, પ્રેમ જેવી વસ્તુ આ દુનિયામાં નથી ?” તો પુરાવા તરીકે દેખાડવું હોય તો મા નો પ્રેમ એ પ્રેમ છે. એવું દેખાડાય, કે અહીં કંઈક પ્રેમ છે. બાકી, બીજી વાતમાં કશો માલ નથી. છોકરા પર માનો પ્રેમ હોય છે અને અત્યારે બધા પ્રેમ કરતાં
એ પ્રેમ વખાણવા જેવો છે. કારણ કે એ પ્રેમમાં બલિદાન છે.
પ્રશ્નકર્તા : મધરની જો આ પ્રમાણે હકીકત હોય, તો પિતાજીનો કેવો ભાગ હોય, આ પ્રેમ.......
દાદાશ્રી : પિતાજીનો ઘાટવાળો પ્રેમ. મારું નામ કાઢે એવો છે, કહેશે. એક માનો એકલો સહેજ પ્રેમ, તેય સહેજ જ પાછો. તેય મનમાં હોય કે મોટો થશે, મારી ચાકરી કરશે અને શ્રાદ્ધ સરાવશે તોય બહુ થઈ ગયું મારું. એક લાલચ છે, કંઈ પણ એની પાછળ લાલચ છે ત્યાં પ્રેમ નથી. પ્રેમ એ વસ્તુ જ જુદી છે. અત્યારે તમે અમારો પ્રેમ જોઈ રહ્યા છો, પણ જો સમજણ પડે તો. આ દુનિયામાં કોઈ ચીજ મને ખપતી નથી. તમે લાખો ડૉલર આપો કે લાખો પાઉન્ડ આપો ! આખા જગતનું સોનું આપો તો મારે કામનું નથી. જગતની સ્ત્રીસંબંધી મને વિચારે ના આવે. હું આ શરીરથી જુદો રહું છું, પડોશી તરીકે રહું છું. આ શરીરથી જુદો, પડોશી ‘ફર્સ્ટ નેબર'.
પ્રેમ સમાયો નોર્માલિટીમાં ! મા એ માતાનું સ્વરૂપ છે. આપણે માતાજી માનીએ છીએ ને, એ માનું સ્વરૂપ છે. માનો પ્રેમ સાચો છે. પણ એ પ્રાકૃત પ્રેમ છે અને બીજું, ભગવાનમાં એવો પ્રેમ હોય. અહીં જેને ભગવાને કહેતા હોય ત્યાં આપણે તપાસ કરવી. ત્યાં અવળું કરો, ઊંધું બોલો તોય પ્રેમ કરે અને બહુ ફૂલાં ચઢાવે તોયે એવો જ પ્રેમ કરે. એ ઘટે નહીં, વધે નહીં એવો પ્રેમ હોય. એટલે એને પ્રેમ કહેવાય અને એ પ્રેમસ્વરૂપ એ પરમાત્મ સ્વરૂપ છે.
બાકી, જગતે પ્રેમ જોયો જ નથી. ભગવાન મહાવીર ગયા પછી પ્રેમ શબ્દ જ જોયો નથી. બધી આસક્તિ છે. આ સંસારમાં પ્રેમ શબ્દ વપરાય છે એ તો આસક્તિને માટે વપરાય છે. પ્રેમ જો એના લેવલમાં હોય, નોર્માલિટીમાં હોય ત્યાં સુધી એ પ્રેમ કહેવાય ને નોર્માલિટી છોડે એટલે એ પ્રેમ પછી આસક્તિ કહેવાય. મધરનો પ્રેમ એને પ્રેમ કહેવાય ખરો. પણ એ “નોર્માલિટી’ છૂટી જાય એટલે આસક્તિ કહેવાય. બાકી, પ્રેમ એ પરમાત્મા સ્વરૂપ છે. નોર્મલ પ્રેમ એ પરમાત્મ સ્વરૂપ છે.