Book Title: Prem Author(s): Dada Bhagwan Publisher: Dada Bhagwan Foundation View full book textPage 8
________________ કોઈ છોકરો અક્કલ વગરની વાત કરે કે ‘દાદાજી, તમને તો હું હવે ખાવાય નહીં બોલાવું અને પાણી નહીં પાઉં’, તોય ‘દાદાજી'નો પ્રેમ ઊતરે નહીં અને એ સારું જમાડ જમાડ કરે તોય ‘દાદાજી’નો પ્રેમ ચઢે નહીં, એને પ્રેમ કહેવાય. એટલે જમાડો તોય પ્રેમ, ના જમાડો તોય પ્રેમ, ગાળો ભાંડો તોય પ્રેમ અને ગાળો ના ભાંડો તોય પ્રેમ, બધે પ્રેમ દેખાય. એટલે ખરો પ્રેમ તો અમારો કહેવાય. એવો ને એવો જ છે ને ? પહેલે દહાડે જે હતો, તેનો તે જ છે ને ? અરે, તમે મને વીસ વર્ષે મળોને, તોય પ્રેમ વધે-ઘટે નહીં, પ્રેમ તેનો તે જ દેખાય ! સ્વાર્થ સિવાયનો સ્નેહ નહીં સંસારમાં ! પ્રશ્નકર્તા : માતાનો પ્રેમ વધારે સારો ગણાય, આ વ્યવહારમાં. દાદાશ્રી : પછી બીજા નંબરે ? પ્રશ્નકર્તા : બીજા કોઈ નથી. બીજા બધા સ્વાર્થના પ્રેમ. દાદાશ્રી : એમ ? ભાઈ-બઈ બધાય સ્વાર્થ ? ના, તમે અખતરો નહીં કરી જોયો હોય ? પ્રશ્નકર્તા : બધાય અનુભવ છે. દાદાશ્રી : અને આ લોક રડે છે ને, તે ય સાચા પ્રેમનું રડતા નથી, સ્વાર્થનું રડે છે. અને આ તો પ્રેમ જ નહોય. આ તો બધી આસક્તિ કહેવાય. સ્વાર્થથી આસક્તિ ઉત્પન્ન થાય. ઘરમાં આપણે બધાની જોડે વધઘટ વગરનો પ્રેમ રાખવો. પણ એમને શું કહેવું કે ‘તમારા વગર અમને ગમતું નથી.” વ્યવહારથી તો બોલવું પડે ને ! પણ પ્રેમ તો વધઘટ વગરનો રાખવો. આ સંસારમાં જો કોઈ કહેશે, “આ સ્ત્રીનો પ્રેમ એ પ્રેમ નહોય ?” ત્યારે હું સમજાવું કે જે પ્રેમ ઘટે-વધે એ સાચો પ્રેમ જ નહોય. તમે હીરાના કાપ લાવી આપો, તે દહાડે બહુ પ્રેમ વધી જાય અને પછી કાપ ના લાવે તો પ્રેમ ઘટી જાય, એનું નામ પ્રેમ ના કહેવાય. પ્રશ્નકર્તા : સાચો પ્રેમ વધઘટ ના હોય, તો એનું સ્વરૂપ કેવું હોય ? દાદાશ્રી : એ વધઘટ ના થાય. જ્યારે જુઓ ત્યારે પ્રેમ એવો ને એવો જ દેખાય. આ તો તમારું કામ કરી આપે ત્યાં સુધી એનો પ્રેમ તમારી જોડે રહે અને કામ ના કરી આપે તો પ્રેમ તૂટી જાય, એને પ્રેમ કહેવાય જ કેમ ? એટલે સાચા પ્રેમની વ્યાખ્યા શું? ફૂલ ચઢાવનાર અને ગાળ દેનાર, બન્ને પર સરખો પ્રેમ હોય, એનું નામ પ્રેમ. બીજી બધી આસક્તિઓ. આ પ્રેમની ડેફિનેશન કહું છું. પ્રેમ એવો હોવો જોઈએ. એ જ પરમાત્મ પ્રેમ છે અને જો એ પ્રેમ ઉત્પન્ન થયો તો બીજી કશી જરૂર જ નથી. આ તો પ્રેમની જ કિંમત છે બધી ! મોહવાળો પ્રેમ, નકામો પ્રશ્નકર્તા : માણસ પ્રેમ વગર જીવી શકે ખરો ? દાદાશ્રી : જેની જોડે પ્રેમ કર્યો એણે લીધો ડાઈવોર્સ, તો પછી શી રીતે જીવે એ ? કેમ બોલ્યા નહીં ? તમારે બોલવું જોઈએ ને ? પ્રશ્નકર્તા : સાચો પ્રેમ હોય તો જીવી શકે. જો મોહ થતો હોય તો ન જીવી શકે. - દાદાશ્રી : ખરું કહ્યું આ. આપણે પ્રેમ કરીએ ત્યારે એ ડાઈવોર્સ લે, તો બળ્યો એ પ્રેમ ! એને પ્રેમ કહેવાય કેમ કરીને ? આપણો પ્રેમ ક્યારેય ના તૂટે એવો હોવો જોઈએ, ગમે તે થાય તોય પ્રેમ ના તૂટે. એટલે સાચો પ્રેમ હોય તો જીવી શકે. પ્રશ્નકર્તા : ફક્ત મોહ હોય તો ન જીવી શકે. દાદાશ્રી : મોહવાળો પ્રેમ તો નકામોને બધી. ત્યારે આવા પ્રેમમાં ના ફસાશો. વ્યાખ્યાવાળો પ્રેમ હોવો જોઈએ. પ્રેમ વગર માણસ જીવી શકે નહીં એ વાત સાચી છે પણ પ્રેમ વ્યાખ્યાવાળો હોવો જોઈએ. એટલે પ્રેમની વ્યાખ્યા તમને સમજણ પડી ? એવો પ્રેમ ખોળો. હવે આવો પ્રેમ ના ખોળશો કે કાલે સવારે એ ‘ડાઇવોર્સ લઈ લે. આમનાં શાં ઠેકાણાં ?Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37