________________
પ્રભુ ભક્તિમાં
લીન બનાવતા
રાસને આવકારીએ
શ્રી નેમિ-અમૃત-દેવ-હેમચંદ્રસૂરિ શિષ્ય પ્રધુમ્નસૂરિ.
॥ નમો નમઃ શ્રી ગુરુ નેમિસૂરયે ॥
શ્રી ઉદયરત્નજી મહારાજ શ્રેષ્ઠ ભક્ત તો છે જ. પણ સાથે સાથે ઉત્તમકવિ પણ છે. તેમની રચના તેમની હયાતીમાં જ લોક-પ્રચલિત બની ગઇ હતી. તેમની વાણી હૃદયના ઊંડાણમાંથી આવતી હતી માટે જ હ્રદયમાં પહોંચતી હતી.
તેમને ગુજરાતી સાહિત્યની રચના પુષ્કળ કરી છે. આપણે ત્યાં તેમના સ્તવનો, સજ્ઝાયો, પ્રચલિત છે પણ તેમનું રાસા સાહિત્ય પણ નમૂનેદાર છે.
આ અષ્ટપ્રકારી પૂજાનો રાસ પણ મધુર ગેય કાવ્ય જેવો છે. આઠે આઠ પૂજાના પ્રભાવે જે આત્માઓને આલોકમાં સુખ સૌભાગ્યની પ્રાપ્તિ થઇ, પરલોકમાં સદ્ગતિની પ્રાપ્તિ થઇ, તેનું સુંદર વર્ણન આમાં છે.
આ રાસ મૂળ તો છપાએલો હતો. પણ તેનું ગુજરાતી વિવરણ તૈયાર કરીને, સાધ્વી વર્ગ, બપોરના સમયે ચાતુર્માસમાં બહેનો સમક્ષ આનું વાંચન કરે તો, આ રાસ દ્વારા વધુ ઉપકાર થાય. માટે આનું વિવરણ જરૂરી હતું. સાધ્વીશ્રી જિતકલ્પાણશ્રીજી સાથે આ બાબતમાં વાત થઇ હતી. તેમને સાધ્વીજીશ્રી દિનમણીશ્રીજીના શિષ્યા સાધ્વીજીશ્રી દિવ્યકિરણાશ્રીજીના શિષ્યા સા. દૃઢશક્તિશ્રીજીને પ્રેરણા કરી. તેઓએ એને ઝીલી લીધી. અને અથાગ્ પરિશ્રમ કરી તેનું વિવરણ તૈયાર કર્યું. તે હવે પ્રકાશિત થાય છે. તેથી અનેકાનેક ભવ્યાત્મા સુધી પહોંચશે, અને પ્રભુજીની દ્રવ્યપૂજામાં ભાવપ્રાણ પૂરાશે.
“સાચે જ ઉદયરત્નજી મહારાજની રચના સૌભાગ્યવંતી રચના છે.” તેમની પ્રામાણિકતા પણ દાદ માંગી લે તેવી છે. છેલ્લા આઠમી પ્રકારની પૂજાની કથા પૂરી કર્યા પછી તેમણે કેવું સરસ બ્યાન આપ્યું.
આ હરિચંદ્રરાજાના જીવનચરિત્રને ઉંડાણથી અવલોકયું. પણ તેઓ આયુષ્ય પૂર્ણ કરીને કયાં ગયા, તેનો ઉલ્લેખ નથી મળ્યો. પછી પોતાનો વિચાર જણાવે છે.
ગતિ વિચિત્ર છે. કર્મની, અનેકાન્ત જિનધર્મ,
એ માટે એ વાતનો, શાની જાણે મર્મ.
આવા ઉત્તમ રાસનું ભાવપૂર્વક અવગાહન કરીને, ભવ્યજીવો પ્રભુભક્તિમાં તલ્લીનતા સાધો, એજ એક શુભેચ્છા સાથે..