Book Title: Patanjalina Yoga sutro
Author(s): Gautam Patel, Ramkrushna Tuljaram Vyas
Publisher: Sanskrit Sahitya Academy Gandhinagar
View full book text
________________
[૨૮]
સમાધિ માટે આ સિવાય કોઈ ઉપાય છે કે નહીં? એના જવાબમાં પતંજલિ કહે છે : રુંપ્રાધાના, યોગસૂ. ૧.૨૩ “અથવા ઈશ્વપ્રણિધાનથી સમાધિ પ્રાપ્ત થાય છે.” ભાષ્યકાર કહે છે કે પ્રણિધાન કે ભક્તિવિશેષથી પ્રસન્ન થયેલ ઈશ્વર પોતાના સંકલ્પમાત્રથી ભક્તપર અનુગ્રહ કરી એને જલ્દી સમાધિનો લાભ અને એનું ફળ કૈવલ્ય આપી કૃતકૃત્ય બનાવે છે.
બીજા પુરુષો કે જીવોની જેમ જે પુરુષવિશેષ અવિદ્યા વગેરે લેશો અને કર્મવિપાકથી ઉત્પન્ન થતા આશયથી સદા મુક્ત છે એ ઈશ્વર છે. મુક્ત પુરુષોને પૂર્વબંધકોટિ હોય છે, અને પ્રકૃતિલીનને ઉત્તર બંધકોટિ હોય છે, ઈશ્વર એવો નથી. એ સર્વદા મુક્ત અને સર્વદા ઈશ્વર છે. ઈશ્વરમાં નિરતિશય-બીજામાં એથી વધારે ન હોય એવી-સર્વજ્ઞતા છે. એ પૂર્વકાળમાં થયેલા ગુરુઓનો પણ ગુરુ છે, કારણ કે ઈશ્વર કાળથી મર્યાદિત નથી. પ્રણવ, ૩ૐકાર એનો વાચક છે. એના જપથી અને એના અર્થભૂત ઈશ્વરની ભાવના કરવાથી ચિત્ત એકાગ્ર થાય છે અને પરમાત્માનો સાક્ષાત્કાર થાય છે. એનાથી પ્રત્યક્યતનની ઓળખ અને અંતરાયોનો અભાવ થાય છે. પ્રત્યફ ચેતન એટલે બુદ્ધિસત્ત્વમાં પ્રતિબિંબિત થઈ મર્યાદિત બનેલો પુરુષ, ઈશ્વરના અનુગ્રહથી સ્વયં ઈશ્વર જેમ શુદ્ધ, પ્રસન્ન, કેવલ, અને ઉપસર્ગરહિત છે, એવો જ આ બુદ્ધિમાં પ્રતિબિંબિત પુરુષ પણ છે, એવું સ્પષ્ટ જ્ઞાન થાય છે.
વિદ્વાનોમાં એવો સામાન્ય મત પ્રવર્તે છે કે સાંખ્યદર્શન નિરીશ્વરવાદી અને યોગદર્શન ઈશ્વરવાદી છે. આ વિષે અનુસંધાન કરી આનંદશંકર ધ્રુવ પોતાના ગ્રંથ “આપણો ધર્મ”માં કહે છેઃ “વિજ્ઞાનભિક્ષુ બ્રહ્મસૂત્રપરના પોતાના વિજ્ઞાનામૃતભાષ્યમાં મહાભારતના મોક્ષધર્મપર્વમાંથી નીચેના શ્લોકો ટાંકે છે :
पञ्चविंशोऽभिमन्येत नान्योऽस्ति परमो मम । अन्योन्यत्रान्तरात्मास्ति यः सर्वमनुपश्यति ॥ एवं षड्विंशकं प्रोचुः शारीरमिह मानवाः ।
सांख्यं संख्यात्मकत्वाच्च कपिलादिभिरुच्यते ॥ પંચશિખના ઉપદેશમાં કપિલમુનિનો સેશ્વર સાંખ્ય સંપ્રદાય વર્તમાન હતો, કેમકે મહાભારત પંચશિખને પાંચરાત્રવિશારદ-નારાયણ નામથી ઈશ્વરને સ્વીકારતા પાંચરાત્રમતના વિશારદ-કહે છે. વિજ્ઞાનભિક્ષુ પોતાના “સખ્યપ્રવચનભાષ્ય”માં નિરીશ્વરવાદી મીમાંસકોના મતને અનુમોદન આપવા માટે જ પાછળથી સાંખ્યમાં ઈશ્વર અસિદ્ધ-સિદ્ધ ન થઈ શકે એવો, દુર્રીય-છે, એમ કહે છે."
૫. ધ્રુવ, આનંદશંકર બાપુભાઈ, “આપણો ધર્મ”, અમદાવાદ, ૧૯૪૨, પૃ. ૪૨૦