Book Title: Parishilan Author(s): Sukhlal Sanghavi Publisher: Gurjar Granthratna Karyalay View full book textPage 5
________________ પ્રજ્ઞાનો સિંધુ જ્ઞાની જ્ઞાનમાં જ લીન હોય. રાજહંસ માનસરોવરમાં મસ્તી અનુભવે. માનસરોવર સિવાયના અન્ય કોઈ પણ સરોવરમાં તેને અકળામણ થાય. સતત માનસરોવરનો જ વિચાર કર્યા કરે તેવી રીતે જ્ઞાનીને જ્ઞાનમાં જ મસ્તી હોય. જીવનની પ્રત્યેક ક્રિયામાં જ્ઞાની તો જ્ઞાનમગ્ન જ હોય. સૂતાં, ઊઠતાં, બેસતાં, ખાતાં બાહ્ય ક્રિયા કરતા હોય પણ મન તો જ્ઞાનની મસ્તીમાં જ મસ્ત. જ્ઞાન સિવાયની અન્ય બાબતોમાં મનને વિચારવું પડે તો તેમાં જરાય આનંદ ન અનુભવે. સતત એમ જ વિચારે કે કેમેય કરીને આ વિષયાન્તરમાંથી પુનઃ પાછો ફરી જાઉં. પં. સુખલાલજી જ્ઞાનમગ્ન ઋષિ જેવા. તેમના જીવનમાં જ્ઞાનની આવી જ મસ્તી હશે તેવો અનુભવ તેમનાં લખાણો વાંચતાં થાય. જીવનની બાહ્ય ક્રિયાઓ તો ચાલતી જ રહે પણ મન તો સતત જ્ઞાનમાં મગ્ન રહેતું. આજીવન જ્ઞાનનિમગ્ન પંડિતજીએ અનેક પ્રૌઢ અને અત્યંત ક્લિષ્ટ ગ્રંથોનું સંપાદન કર્યું. સન્મતિતર્ક, હેતબિન્દુ, તત્ત્વોપદ્ધવસિંહ જેવા ગ્રંથોનું સંપાદનકાર્ય એ એક મોટો પડકાર હતો છતાંય તેમણે સફળતાપૂર્વક પાર પાડ્યો. સન્મતિતર્ક ગ્રંથમાં પાઠાન્તરો અને પાદટીપો તથા પરિશિષ્ટો ઉપર દૃષ્ટિપાત કરીએ ત્યારે તેમની જ્ઞાનસાધનાને નમન કરવાનું મન થઈ જાય. સેંકડો ગ્રંથોનાં ઉદ્ધરણો, દરેક દર્શનની માન્યતાઓ સાથે તુલના અને સમીક્ષા આ બધું તેમની સ્મૃતિમાંથી જાણે કે સહજ જ પ્રફુટિત થતું હોય તેમ લાગે. આ ઉપરાંત તેઓએ અનેક સંશોધનાત્મક લેખો પણ લખ્યાં. આ લેખો વિદ્વદૂભોગ્ય તો ખરા જ. દરેક લેખોમાં નવો જ ઉન્મેષ જોવા મળે. અનેક વિષયોની સૂક્ષમ બાબતોનું ચિંતન. નાનામાં નાની વિગતો ધ્યાન બહાર ન હોય. પ્રજ્ઞારૂપી ચક્ષુથી જાણે કે બધું જ નિહાળતા પંડિતજીની આ કૃતિઓનું અવલોકન કરતાં જણાય જ કે તેઓ ખરેખર પ્રજ્ઞાચક્ષુ જ હતા. વિદ્વાનો ઉપરાંત સમાજના દરેક જિજ્ઞાસઓને અને ચિંતકોને ઉપયોગી થાય તે માટે તેમણે ગુજરાતી ભાષામાં પણ લેખો લખ્યા. આ લેખો દર્શન અને ચિંતન નામના ગ્રંથમાં પ્રકાશિત થયા. તેમાં પરિશીલન નામના વિભાગમાં છપાયેલા લેખોનું આ વિભાગમાં પુનઃમુદ્રણ થયું છે. આ લેખસંચયમાં કુલ ૩૦ લેખોનો સંગ્રહ કરવામાં આવ્યો છે. સમયે સમયે આપેલાં પ્રવચનો, જુદાં જુદાં સામયિકોમાં છપાયેલા લેખો અને જુદા જુદા ગ્રંથોની પ્રસ્તાવનાઓનો સંગ્રહ આ વિભાગમાં કરવામાં આવ્યો છે. - Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 260