________________
૬૪. સ્વ-ભાવમાં રહેવું
શ્રીમનાં પુત્રી કાશીબહેન સહુના લાડકવાયાં હતાં. આ રમતિયાળ દીકરી એક વાર શ્રીમના ખોળામાં બેસી ગઈ. શ્રીમદે પૂછ્યું, “તારું નામ શું છે ?”
કાશીબહેને કહ્યું, “બાપુ ! તમને ખબર નથી ? મારું નામ છે કાશી.”
શ્રીમદે કહ્યું, “તારું નામ કાશી નહીં, પણ ‘સચ્ચિદાનંદસ્વરૂપ અવિનાશી આત્મા' છે.”
આ સાંભળી બાલિકા કાશીબહેન રડતાં રડતાં માતા પાસે દોડી ગયાં. એમણે માતાને કહ્યું, “મા, મારા બાપુજી મારું નામ કાશી નહીં, પણ કંઈક જુદું જ કહે છે. "
નાની વયની બાલિકાને શ્રીમદે કહેલું નામ સમજાયું નહીં, પરંતુ એ દ્વારા અવ્યક્ત સંસ્કાર જ્ઞાની પુરુષે આપ્યા જે સમય જતાં પરિપક્વ બન્યાં.
કાશીબહેનને નાની વયે બીમારી આવી. જે ધર્મસંસ્કારોનું શ્રીમદે દઢીકરણ કરાવ્યું હતું, તેનું તેઓ અંતિમ સમય સુધી સ્મરણ કરતાં રહ્યાં. એમણે એક જ લક્ષ રાખ્યું હતું. સતત નામસ્મરણનો આધાર રાખનારાં કાશીબહેનનો અતિ યુવાન વયે સ્વર્ગવાસ થયો. પ્રત્યેક આત્માના હિતચિંતક શ્રીમદ્નું અહીં દર્શન થાય છે.
મુંબઈમાં રહેતા મૂળ કચ્છના વતની પદમશીભાઈને શ્રીમદ્ પ્રત્યે અગાધ શ્રદ્ધા હતી. શ્રીમદ્ મુંબઈ હતા ત્યારે તેઓ એમની સાથે થોડો સમય રહ્યા હતા. એ સમયે શ્રીમદે એમને પૂછ્યું, “તમને મુખ્ય ભય શાનો વર્તે છે ?”
પદમશીભાઈ કહે, “મરણનો.”
શ્રીમદે કહ્યું, “તે તો આયુષ્યબંધ પ્રમાણે થાય છે. આયુષ્ય પૂર્ણ થતાં સુધી મરણ તો નથી, ત્યારે તેથી આવા જુદા જુદા પ્રકારનો ભય રાખ્યાથી શું થવાનું હતું તેવું દઢ મન રાખવું.”
આમ કહીને શ્રીમદે એવો ઉપદેશ આપ્યો કે માનવીએ ભાવમરણનો ભય રાખવો, દ્રવ્યમરણનો નહિ. એણે સ્વ-ભાવમાં રહેવું અને વિભાવ છોડવો.
એક વખત શ્રીમદ્ માણેકલાલ ઘેલાભાઈ, ત્રિભુવનભાઈ વગેરે સાથે કોઈને ત્યાં ભોજન અર્થે ગયા હતા. પ્રથમ જુદી જુદી જાતનાં શાક પીરસવામાં આવ્યાં. માણેકલાલભાઈએ તિથિનું કારણ બતાવીને શાક લેવાની ના પાડી. એ પછી રાયતું પીરસવામાં આવ્યું, તો માણેકલાલભાઈએ એની પણ ના પાડી, કારણ કે એ દ્વિદળ કહેવાય. ત્યારબાદ નાની-મોટી વાનગીઓ પીરસવામાં આવી. માણેકલાલભાઈએ આમાંથી કેટલીક વાનગીઓ લીધી અને કેટલીક તિથિ હોવાથી લેવાની સ્પષ્ટ ના પાડી.
છેવટે દૂધપાક પીરસવાનું શરૂ થયું. માણેકલાલભાઈની થાળીમાં દૂધપાક પીરસાતો જોઈને શ્રીમદ્ બોલી ઊઠ્યા, “એમને દૂધપાક પીરસવાનું રહેવા દો. એમણે નાની નાની વસ્તુઓ ત્યાગીને પોતાની મહત્તા વધારી છે અને ખરેખરી રસપોષક વસ્તુનો ત્યાગ કરવો નથી.”
આ પ્રસંગે શ્રીમદે રસલોલુપતા વિશે થોડું વિવેચન કર્યું.
Jain Education International
રા
For Personal & Private Use Only
www