Book Title: Jain Darshan Praveshak Author(s): Vairagyarativijay Publisher: Pravachan Prakashan View full book textPage 5
________________ પુરોવચન | દર્શન એટલે તર્કશુદ્ધ અને પ્રમાણસિદ્ધ વિચાર. નરી આંખે ન દેખાતી વ્યવસ્થાને સમજવાનો પ્રયાસ દર્શન દ્વારા થાય છે. આત્મા, જગત, આત્મા અને જગત વચ્ચેનો સંબંધ અને આત્માની શુદ્ધ અવસ્થા વગેરે દર્શનશાસ્ત્રના વિષય છે. ભારતવર્ષમાં અનેક દર્શનો પ્રચલિત છે. ભગવાનની સ્યાદ્વાદમય દેશનાના એક અંશને ગ્રહણ કરી આ દર્શનોએ પોતાના મતની માંડણી કરી છે. આ દરેક દર્શન એકબીજાથી ભિન્ન અને વિરુદ્ધ છે. અનેકાંત દર્શન સર્વદર્શનના સમૂહ સ્વરૂપ છે. જૈનદર્શનના અભ્યાસથી સર્વદર્શનના મૂળભૂત તત્ત્વોનો અભ્યાસ થઈ જાય છે. કોઈપણ શાસ્ત્રનો અભ્યાસ ત્રણ તબક્કામાં થવો જોઈએ. એક, તે શાસ્ત્રના મૂળ શબ્દો કંઠસ્થ હોવા જોઈએ. બે, તે શાસ્ત્રના મુખ્ય પદાર્થો ઉપસ્થિત રહેવા જોઈએ. ત્રણ, તે શાસ્ત્રમાં કરવામાં આવેલી વિચારણા પર ચિંતન થવું જોઈએ. આ રીતે અભ્યાસ કરવાથી તે શાસ્ત્ર “સ્થિર પરિચિત થાય છે. વિચાર ચંચળ અને અસ્થિર છે. વિચારને મગજમાં બાંધી રાખવા માટે “શબ્દ” શ્રેષ્ઠ માધ્યમ છે. અર્થાત્મક વિચાર શબ્દ દ્વારા સ્થિર કરી શકાય છે. આ માટે જ શાસ્ત્રોને કંઠસ્થ કરવાની પરંપરા પ્રચલિત થઈ છે. શબ્દ દ્વારા સ્થિર બનેલા અર્થનું ચિંતન સહજ બને છે. આપણે ત્યાં પ્રકરણો અને આગમો કંઠસ્થ કરવાની પરંપરા છે તેમ દર્શનશાસ્ત્ર પણ કંઠસ્થ કરવું જોઈએ. દર્શનશાસ્ત્ર કેવળ સમજી લેવાથી પરિચિત થઈ જાય છે એવું નથી. તેને સ્થિર કરવા મૂળ ગ્રંથો કંઠસ્થ હોવા જરૂરી છે.Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 80