________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જ્ઞાનસાર વિવેચન : તરંગો વડે જેવી સમુદ્રની પૂર્ણતા, વિકલ્પો વડે તેવી આત્માની પૂર્ણતા! બંનેની પૂર્ણતા અવાસ્તવિક! બંનેની પૂર્ણતા ક્ષણજીવી! બન્નેની પૂર્ણતા અપૂર્ણતામાં પરિણમનારી.
હું ધનવાન! હું કુલવાન! હું રૂપવાન! હું બલવાન! હું પ્રતિષ્ઠાવાના આ રીતે ધનથી, કળથી, રૂપથી, બળથી કે પ્રતિષ્ઠાથી પૂર્ણતા માનનાર જીવ બિચારો ભ્રમણામાં અટવાય છે. એને ક્યાં ભાન છે કે ધન-કુળ-રૂપ-બળપ્રતિષ્ઠા વગેરેના વિકલ્પો તો પાણીના તરંગો છે... એ તો અલ્પકાળ ઊછળે.... જોનારને અલ્પકાળ માટે આનંદ આપે... પછી વિરમી જાય.
શું સમુદ્રના તરંગોને તમે સદા ઊછળતા જોયા છે? તરંગ નામ જ એનું કે જે અલ્પકાળ માટે ટકે. પરંતુ તરંગો જ્યારે ઊછળતા હોય છે ત્યારે સમુદ્ર ખળભળેલો રહે છે...સમુદ્રનું પાણી મેલું દેખાય છે.
ધન-ધાન્યાદિમાં પૂર્ણતા પામવાના મનોરથો કરતાં મનુષ્યોની પણ શું આવી સ્થિતિ નથી? ઘડીકમાં તેઓ ઊછળતા દેખાય છે...ઘડીકમાં શાંત...વળી પાછા ઊછળતા! કારણ કે તેઓ વિકલ્પો કરી કરીને જ્યારે થાકી જાય છે ત્યારે શાંત પડી જાય છે... વળી પાછા ઊછળવા લાગે છે. જ્યારે મનુષ્યનાં ચિત્તમાં બાહ્ય પદાર્થો પ્રાપ્ત કરવાના, પ્રાપ્ત કરેલાનું રક્ષણ કરવાના મનોરથોવિકલ્પો ચાલતા હોય છે ત્યારે તેનો આત્મા ખળભળી ઊઠે છે.. અશાન્તિ....
લેશ, સંતાપનો ભયાનક ખળભળાટ સંભળાય છે! અને ત્યારે તેનામાં અન્યાય-અનીતિ વગેરે અનેક પ્રકારનો મેલ પણ દેખાય છે.
જ્યારે પૂર્ણાનન્દી આત્મા તો પ્રશાંત..સ્થિર મહોદધિ જેવો હોય છે... ન કોઈ વિકલ્પનો તરંગ! ન કોઈ અશાન્તિ, ક્લેશ કે સંતાપ! ન કોઈ અન્યાય, અનીતિ કે દુરાચારનો મેલ! પૂર્ણાનન્દીના આત્મસમુદ્રમાં તો જ્ઞાનાદિ ગુણરત્નોનો ભંડાર પડેલો હોય છે. તેમાં જ તે પોતાની પૂર્ણતા માને છે.
जागर्ति ज्ञानद्रष्टिश्चेत् तृष्णा-कृष्णाहिजाङ्गुली। पूर्णानन्दस्य तत् किं स्याद् दैन्यवृश्चिकवेदना? ।।४।। અર્થ : જો તૃષ્ણારૂપ કાળા સાપના ઝેરનો નાશ કરનાર ગારુડી મંત્ર સમાન જ્ઞાનદષ્ટિ ખૂલે છે, તો દીનતારૂપ વીંછીની પીડા કેમ હોય?
વિવેચન : તમારી પાસે હજારો-લાખો રૂપિયા નથી માટે રડો છો? તમારી પાસે રૂપ-સૌંદર્ય નથી માટે નિરાશ બની ગયા છો? તમારી પાસે સત્તા નથી માટે દીન બનીને લોકોના ઘેરઘેર ભટકો છો? તમારી પાસે સુંદર પત્ની નથી માટે લાલચુ બની નગરની શેરીએ શેરીએ ઘૂમો છો?
For Private And Personal Use Only