________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિસંવાદ દેખાયો ત્યાં તેની નિર્ભયપણે સ્પષ્ટ સમાલોચના કરતા પણ તેઓ અચકાયા નથી. એમના એવા ગ્રંથોમાં અધ્યાત્મમતપરીક્ષા, દૈવધર્મપરીક્ષા, દિક્પટ ૮૪ બોલ, પ્રતિમાશતક, મહાવીર જિનસ્તવન વગેરે મુખ્ય છે.
એમણે લખેલા જૈનતર્કભાષા, સ્યાદ્વાદકલ્પલતા, જ્ઞાનબિંદુ, નયપ્રદીપ, નયરહસ્ય, નયામૃત તરંગિણી, નયોપદેશ, ન્યાયાલોક, ખંડનખંડ ખાદ્ય, અષ્ટસહસ્ત્રી વગેરે અનેક દાર્શનિક ગ્રંથો એમની વિલક્ષણ પ્રતિભાનો સુંદર પરિચય કરાવે છે. નવ્યન્યાયની તર્કપ્રચુર શૈલીમાં જૈનતત્ત્વજ્ઞાનને રજૂ કરવાનું ભગીરથ કાર્ય સર્વ પ્રથમ એમણે જ એકલે હાથે સફળતાપૂર્વક પાર પાડ્યું છે.
ગુજરાતી ભાષામાં એમણે રચેલા સવાસો, દોઢસો અને સાડી ત્રણસો ગાથાનાં સ્તવનો, યોગની આઠ દૃષ્ટિની સજ્ઝાયો અને દ્રવ્યગુણ પર્યાયનો રાસ જેવા ગંભીર ગ્રંથો પણ વારંવાર મનન કરવા જેવા છે.
અને એમની સમગ્ર સાહિત્યસાધનાના શિખરે સુવર્ણકળશ સમા શોભે છે યોગ અને અધ્યાત્મને લગતા એમના અનુભવપૂર્ણ શ્રેષ્ઠ ગ્રંથો જ્ઞાનસાર, અધ્યાત્મસાર, અધ્યાત્મોપનિષદ્, પાતંજલયોગસૂત્રવૃત્તિ, યોગવિશિકાવૃત્તિ અને દ્વાત્રિંશદ્ દ્વાત્રિંશિકામાંની યોગને લગતી પાંચ દ્વાત્રિંશિકાઓ વગેરે. ઉપાધ્યાયજીની નિર્મલ પ્રજ્ઞા અને આંતરવૈભવનો આહ્લાદક પરિચય પામવા એમના આ ગ્રંથરત્નોનું અવગાહન જિજ્ઞાસુઓએ શાંતચિત્તે અવશ્ય કરવા જેવું છે.
ઉપાધ્યાયજીના પ્રગટ-અપ્રગટ ગ્રંથોની યાદી તો ઘણી મોટી છે. એમના જીવનકવન વિષે વધુ જાણવા ઈચ્છનારાઓએ; શ્રી યશોવિજયજી સ્મૃતિગ્રંથ તથા 'યશોદોહન' વગેરે ગ્રંથો જોઈ લેવા જોઈએ.
આવા મહાન જ્ઞાની, ઉચ્ચ કોટીના આત્મસાધક, સંતપુરુષ અને સર્વાંગીણ પ્રતિભાશાળી ઉપા. શ્રી યશોવિજયજી મહારાજને એમના સમકાલીન વિદ્વાનોએ 'કલિકાલકેવલી' તરીકે પ્રશંસ્યા છે. આપણે પણ એ મહાન શ્રુતધર મહર્ષિને ભાવપૂર્ણ હૈયે વંદના કરી, એમણે વહાવેલી પવિત્ર જ્ઞાનગંગામાં સ્નાન કરી, નિર્મળ બનીએ... પવિત્ર બનીએ, અને જીવન સફળ કરીએ.
- ભદ્રગુપ્તસૂરિ
For Private And Personal Use Only