Book Title: Gyandhara 04
Author(s): Gunvant Barvalia
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
શ્રી રાજપ્રશ્નીય સૂત્રમાં પ્રદેશી રાજાનું વર્ણન છે. કેશીશ્રમણના સદુપદેશથી પ્રદેશી રાજા ધર્મમાં શ્રદ્ધાવાન બન્યા અને શ્રાવકનાં બાર વ્રત અંગીકાર કર્યાં. પૌષધ આદિ સાધનામાં લયલીન થવાથી વિષયવાસના કે એશઆરામની વૃત્તિઓ સર્વથા સમાપ્ત થઈ ગઈ. તેથી તેમની રાણી સૂર્યકતા ભોગપૂર્તિ ન થવાથી અકળાવા લાગી. તેના ફળ સ્વરૂપે રાજાને વિષ આપ્યું. તે સમયે પ્રદેશી રાજા રાણીના કાવતરાને જાણી ગયા હોવા છતાં તેના પ્રત્યે મનથી પણ દ્વેષ ન કરતાં પૌષધશાળામાં, જઈને અનશન આરાધના કરી. આમ, એક આદર્શ શ્રાવક શ્રાવકાચારને પાળતાં, પાંચમે ગુણસ્થાનકથી આગળ ચઢવાને માટે, મોહનીય કર્મને, રાગને દ્વેષને દૂર કરવાનો સતત પ્રયાસ કરે છે. શ્રાવકાચારનું પાલન કરતાં ઘરના સભ્ય પ્રત્યે રાગ અને દ્વેષ ન થાય તેની સાવચેતી પ્રદેશી રાજાનો પ્રસંગ સૂચવે છે.
શ્રી ભગવતી સૂત્રમાં મદ્રુક શ્રમણોપાસકનો પ્રસંગ છે. ઓ અન્યતીર્થિકોના પ્રશ્નોનો તાર્કિક રીતે ઉત્તર આપી પ્રભુ દ્વારા પ્રશંસા પામ્યા હતા. તેમની ધર્મશ્રદ્ધા અને તાત્ત્વિક જ્ઞાન બેજોડ હતું. આમ, એક શ્રાવક પોતાના ધર્મને યથાર્થપણે જાણી, અન્ય પ્રતિવાદીઓને ધર્મની પ્રભાવના કરી શકે છે.
શ્રી સૂયગડાંગ સૂત્ર ‘નાલંદીય' નામક અધ્યયનમાં લેપ ગાથાપતિ વ્રતધારી શ્રમણોપાસક હતા. લેપ ગાથાપતિએ પોતાના ભવનના નિર્માણ પછી શેષ વધેલી ધન-સંપત્તિથી ઉદકશાળા-પરબનું નિર્માણ કરાવ્યું હતું. તેનું નામ ‘શેષદ્રવ્યા ઉદકશાળા' કહ્યું છે. શ્રાવકો પોતાના ભોગોપભોગથી અધિક ધનસંપત્તિ હોય તો તેનો સંગ્રહ ન કરતાં તેનો ઉપયોગ પરોપકારના કાર્યોમાં કરે તે શ્રાવકાચારને યોગ્ય
છે.
‘અવંશૂયદુવાર' કહેતાં આગમમાં કહે છે કે ગૃહસ્થ સાધકના, દ્વાર સાધર્મિક, દીનદુઃખી, સાધુ-સાધ્વી, અતિથિ આદિ માટે હંમેશા
૧૫૧ જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૪
જ્ઞાનધારા