Book Title: Gujarati Sahitya Kosh Part 02
Author(s): Chandrakant Topiwala, Raman Soni, Ramesh R Dave
Publisher: Gujrati Sahitya Parishad
View full book text
________________
સર"દાસજી – સરસ્વતીચંદ્ર
સરજ્યદાસજી : વિવિધ માત્રામેળ છંદમાં રચાયેલ ‘મહજિત આખ્યાન તથા જંબુસર આખ્યાન' (૧૮૯૬)ના કર્તા.
સરદાર પટેલ : જુઓ, પટેલ વલ્લભભાઈ ઝવેરભાઈ. સરનામા વગરનું મોત : શ્રીકાન્ત શાહનું એકાંકી. એમાં મૃત્યુ જેવી સંબંધહીનતાની પરિસ્થિતિ વચ્ચે રાહલની કર્ણતાને ઉપસાવવામાં આવી છે.
ચં.ટો. સરસ્વતીચંદ્ર-ભા. ૧, ૨, ૩, ૪ (૧૮૮૭, ૧૮૯૨, ૧૮૯૮, ૧૯૦૧): ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠીની બૃહત્કાય નવલકથા. આશરે અઢારસે પૃષ્ઠમાં વિસ્તરેલી આ કથાને પુરાણ’, ‘પંડિતયુગનું મહાકાવ્ય’, ‘મહાનવલ” વગેરે રૂપે ઓળખાવવામાં આવી છે. ગાંધીજી પૂર્વે ગુજરાતના શિક્ષિત સમાજ પર ઊંડો પ્રભાવ આ નવલકથાએ પાડયો એનું કારણ આ કૃતિમાં વ્યકત થયેલું જીવનવિષયક ઊંડું વ્યાપક ચિંતન તથા એ ચિંતનને કળારૂપ આપનારી સર્જકપ્રતિભા છે. પ્રાચીન પૂર્વ, અર્વાચીન પૂર્વ ને અર્વાચીન પશ્ચિમ -એ ત્રણ સંસ્કૃતિઓના સંગમકાળે ઊભેલા ભારતીય પ્રજાજીવનનાં ધર્મ, રાજય અને ગૃહ વિશેના પોતાના વિચારો પ્રજા સમક્ષ મૂકવાનો ઉચ્ચાશય કૃતિના સર્જન વખતે સર્જકના મનમાં હતા; ને તેથી નવલકથાનું વસ્તુ અનેકકેન્દ્રી નિરૂપણવાળું બન્યું છે.
બધી કથાઓ સાથે ઓછેવત્તે અંશે સંબંધિત અને ચારે ભાગમાં સેરરૂપે વહેતી કથા સરસ્વતીચંદ્ર અને કુમુદસુંદરીના પ્રણયની છે. મુંબઈના ધનવાન વેપારી લક્ષ્મીનંદનને યુનિવર્સિટીની કેળવણી પામેલે, વિદ્યાવ્યાસંગી, વૈરાગ્યવૃત્તિવાળો અને ગુણવાન પુત્ર સરસ્વતીચંદ્ર અપરમાં ગુમાનની કાનભંભેરણીથી પિતાએ કહેલાં કટુ વચને અને કરેલા આક્ષેપોથી આવેશમાં આવી પિતાની સંપત્તિને તથા પોતાની વાગ્દત્તા અને રત્નનગરીના અમાત્યની પુત્રી કુમુદસુંદરીને ત્યાગ કરી ઘર છોડી ચાલ્યો જાય છે એ આ પ્રણયકથાને ધરીરૂપ પ્રસંગ છે. સરસ્વતીચંદ્રના ગૃહત્યાગથી કુમુદસુંદરીનાં લગ્ન સુવર્ણપુરના અમાત્ય બુદ્ધિધનના અલ્પશિક્ષિત અને દુરાચારી પુત્ર પ્રમાદધન સાથે થાય છે. વિદ્યાચતુરના ઘરમાં મળેલાં કેળવણી ને સંસ્કારને લીધે વિદ્યારસિક કુમુદસુંદરી મનોમન પ્રમાદધન અને સરસ્વતીચંદ્રની સરખામણી કરતી શ્વસુરગૃહે વ્યથિત રહે છે. પતિવ્રતા ધર્મ પ્રમાણે સરસ્વતીચંદ્રને ભૂલવા યત્ન કરે છે, પણ ભૂલી નથી શકતી. ગૃહત્યાગ કરીને નીકળેલ પણ કુમુદનું મન જાણવા તેને મળવાની અપેક્ષાએ રત્નનગરી જવા નીકળેલો સરસ્વતીચંદ્ર સમુદ્રના તોફાનને લીધે વહાણ સુવર્ણપુરના આરે આવી પહોંચતાં,અમાન્ય બુદ્ધિધન સાથેના પરિચયમાં પોતાનાં જ્ઞાન અને શીલથી બુદ્ધિધનને આકર્ષે છે અને નવીનચંદ્ર નામ ધારણ કરી અમાત્યના ઘરમાં એક વિશ્વાસપાત્ર સ્વજન બની રહે છે. બુદ્ધિધન તેને રાજયમાં સારી નોકરી આપવાની વાત કરે છે, પરંતુ કંઈક બુદ્ધિધનના ઘરમાં કુમુદની દુ:ખી હાલત જોઈ વ્યથિત બને, કંઈક અનુભવાર્થી બનવાની ઇચ્છાથી, તો કંઈક કુમુદની લાગણી સમજીને દૂર થવા સારુ તે સુવર્ણપુર છોડી જાય છે.
જંગલમાં બહારવટિયાઓને હાથે એનું ઘાયલ થવું અને સુંદરગિરિ પર્વત પરના વિષ્ણુદાસ તથા તેમના સાધુઓની અનુકંપાએ મઠમાં જવું; તો બીજી તરફ પિયર જવા નીકળેલી કુમુદસુંદરીનું એ જ જંગલમાં બહારવટિયાઓના ડરથી કે સ્વેચ્છાએ કે પગ લપસવાથી, સુભદ્રા નદીમાં પડી તણાવું અને સંગમતટે ચંદ્રાવલી મૈયાની સહાયથી ઊગરી એના આશ્રમમાં મધુરીમૈયા નામે રહેવું અને પછી હૃદયસાંત્વન અર્થે સુંદરગિરિ પર્વત પર જતાં, ત્યાં સરસ્વતીચંદ્રને પુનમૅળાપ થવો, તો ત્રીજી તરફ પ્રમાદધનનું અપમૃત્યુ થયું - એ આ પ્રણયકથાની બીજી મહત્ત્વની ઘટનાઓ છે.
સુંદરગિરિના સાધુઓ દ્વારા વિધવા કુમુદ અને સરસ્વતીચંદ્રનાં લગ્ન માટેના પ્રયત્નરૂપે વિષ્ણુદાસના આદેશથી બંનેને સૌમનસ્ય ગુફામાં પંચરાત્રિને એકાંતવાસ આપવામાં આવે છે; પરંતુ લૌકિક દૃષ્ટિએ બધી બાજુથી વિચારતાં સરસ્વતીચંદ્ર કુમુદની નાની બહેન કુસુમ સાથે લગ્ન કરે છે અને કલ્યાણગ્રામની પોતાની યોજના સાકાર કરવા તે સંસારમાં પાછા ફરે છે. વસ્તુત: આ નવલકથા પ્રણયકથા નિમિત્તે સંસ્કૃતિકથા છે; તેથી ચારે ભાગમાં લેખકે પ્રણયકથાની સાથે અન્ય કથાઓ પણ ગૂંથી છે અને તદર્થે એમનાં જુદાં જુદાં લક્ષ્ય રહ્યાં છે. પ્રથમ ભાગમાં સુવર્ણપુરમાં બુદ્ધિધન અને શકરાય વચ્ચે ચાલતી સત્તાની સ્પર્ધા, એ સ્પર્ધામાં બુદ્ધિધનને શઠરાય પર-સો અસદુ પર વિજય આલેખી લેખકે તત્કાલીન દેશી રાજયોમાંનાં ખટપટ અને કુટિલતાનું વાસ્તવિક ચિત્ર ઉપસાવ્યું છે, બીજા ભાગમાં સહિષણ અને ત્યાગશીલા ગુણસુંદરીની કુટુંબકથા નિમિત્તે સંયુકત કુટુંબનાં વિવિધ પાસાં ઊંડળમાં લીધાં છે; ત્રીજા ભાગમાં રત્નનગરીના મલ્લરાજ-મણિરાજની કથા નિમિત્તે આદર્શ દેશી રાજયનું ચિત્ર ઉપસાવ્યું છે; તો ચોથા ભાગમાં વિષણુદાસ સાધુ અને ચંદ્રાવલી મૈયાના મઠનાં સાધુ-સાધ્વીઓની કથા દ્વારા મનુષ્યના આધ્યાત્મિક જીવનના પ્રશ્ન ચર્ચા છે. ચારે ભાગમાં વિજાતીય આકર્ષણમાંથી જન્મતાં મધુર તેમ જ વિકૃત રૂપની જે ભાત લેખકે ઊભી કરી છે તે એમની અનુભવનાં વિવિધ પરિમાણોને તાગવાની શકિતની પરિચાયક છે.
એકથી વધુ કથાઓ આ કૃતિમાં ભળેલી હોવાને કારણે કથાસાતત્ય એમાં તૂટે છે એ સાચું, પરંતુ કથાસંકલનાની, પોતાના કોઈ પણ પુરોગામી અને ઘણા અનુગામીઓએ ન બતાવેલી સૂઝ લેખકે અહીં બતાવી છે એની પ્રતીતિ પહેલા અને બીજા ભાગની સંકલના તપાસતાં થાય છે. પશ્ચાદભૂ, સ્મૃતિ, પત્રલેખન આદિ પ્રયુકિતઓથી જે રીતે સમયના તત્વને લેખકે સંકોચ્યું છે તે એ સમયગાળામાં રચાતી નવલકથા માટે ઘણી મોટી સિદ્ધિ હતી. સંકલનાની શકિત જેટલી પહેલા બે ભાગમાં દેખાય છે તેટલી, અલબત્ત, છેલ્લા બે ભાગમાં નથી દેખાતી. લેખકનું જીવનવિષયક ચિંતન માત્ર વિચારરૂપે આવ્યા કરે છે અને તેથી ત્રીજા ભાગથી નવલકથા નવલકથાપણું ત્યજતી જાય છે. જોકે, આ વિચારોને કળાત્મક બનાવવા લેખકે કેટલાક પ્રયત્ન કર્યો છે. જેમ કે, ત્રીજા ભાગમાં મહાભારતનાં પાત્રોને રૂપકાત્મક અર્થમાં નિરૂપીને દેશી રાજયની ચર્ચા થઈ છે; તો ચોથા ભાગમાં એકાન્ત સૌમનસ્ય
ગુજરાતી સાહિત્યકોશ -૨ : ૬૧૩
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org