________________
બિચારો દુઃખી થઈ ગયો. "કયારે રાત પડે ને કયારે એ સૂરો છેડાય”, બસ, આ જ વિચારે છે. દિવસ માંડમાંડ પૂરો કર્યો. સંગીતની ધૂનમાં બરાબર જભ્યો પણ નહિ. રાત પડી. રાજા સીધો પલંગ પર જઈ સૂઈ ગયો, ને રાહ જોવા લાગ્યો. પવનથી બારી ખખડે તો ય સૂરોનો ભ્રમ થાય છે.
આ તરફ ચંદ્રલેખાએ, અપૂર્વ ગીતો અને સુંદર સંવાદોથી શોભતું વાજિંત્રોના મધુર નાદ સહિત, અદ્ભુત નાટક શરૂ કર્યું. રાત્રિની નીરવ શાંતિમાં રાજાને આ બધું ચોખ્ખું સંભળાય છે. રાજા ખુશ થઈ ગયો પણ વળી પાછો, કોણ ગાતું હશે ? આવું નાટક
ક્યાં ચાલતું હશે ?' એ વિચારથી બેચેન થઈ ગયો. સાંભળવાથી સંતોષ ન થયો ને હવે જોવાની લાલસા થઈ ગઈ. પાછો દુઃખી થઈ ગયો.
જીવને દુઃખમાં તો અશાંતિ છે જ પણ સુખમાં ય જંપ નથી. એક મળ્યું તેનો સંતોષ નથી, હવે બીજું જોઈએ છે. આમ ને આમ રાત પૂરી થઈ. બીજો દિવસ અજંપામાં ગયો. બીજી રાતે પણ ઉંઘ ન આવી. આ પ્રમાણે ચાર રાતના ઉજાગરા થયા. પાંચમે દિવસે રાજા સભામાં ગયો ત્યારે એની આંખોમાં ઉજાગરો અને મુખ પર ચિંતાના ભાવ જોઈ મંત્રીએ પૂછયું, "રાજનું ! શું ચિંતા છે ? આંખોમાં ઉજાગરો કેમ વર્તાય છે ?"
રાજા કહે, "મંત્રી ! ચાર દિવસથી, રાતના સમયે દૈવી સંગીત સંભળાય છે, પણ કયાં વાગે છે ને કોણ વગાડે છે તેની ભાળ મળ તી નથી. ઘણી તપાસ કરાવી પણ કોઈ સગડ નથી !”
મંત્રી : "આપણે જ્યોતિષીઓ અને નૈમિત્તિકોને પૂછાવીએ.” રાજા : "હા ! એ વાત બરાબર છે."
રાજાએ નગરના જ્યોતિષીઓ તથા નૈમિત્તિકોને બોલાવી પૂછયું, પણ આ સંગીતનું રહસ્ય કોઈ જાણી શકયું નહિ. રાજા નિરાશ થઈ ગયો. બેચેન થઈ ગયો. પાછી રાત પડી. ફરી એવા જ મધુર સૂરો તેના અજંપાને ઘેરો બનાવતા રેલાઈ ગયાં. રાજા અત્યંત એકાગ્ર થઈને સાંભળે છે. ઉંઘ ગાયબ થઈ ગઈ છે. રાજા વિચારે છે, 'આહા ! શું અમૃતરસ જેવા મીઠા સ્વરો છે. સંગીત સાંભળીને પશુઓ પણ પરવશ થઈ જાય તો સંગીતના જાણકાર વિદ્વાનું મનુષ્યની શી વાત કરવી ?કોણ ગાતું હશે ? આટલાં સુંદર ગીતો ગાનાર પોતે કેટલા સુંદર હશે ?'
આમ આખી રાત વિચારોની યાત્રા ચાલી. સવારે પ્રાતઃ કાર્ય કરી રાજા સભામાં પહોંચ્યો. રાજકાર્યો ચાલી રહ્યાં છે, પણ રાજા ઉદાસ ને બેચેન છે. મનમાં સંગીતના સ્વરો ગુંજી રહ્યા છે, સાથે સાથે બે પ્રશ્નો મનને કોરી ખાય છે, 'કોણ વગાડતું હશે ? કયાં ચાલતું હશે ?
આ તરફ ચંદ્રલેખા રાજાની અને રાજ્યસભાની રજેરજ માહિતીઓ મેળવે છે. તેને સમાચાર મળી ગયા કે,રાજા ખૂબ જ બેચેન અને ઉદાસ છે. તેણે વિચાર્યું કે, લોઢું તપી ગયું છે, હવે હથોડો ટીપવાની જરૂર છે !'
તેણીએ એક યોગિનીને સાધીને સંકેત આપ્યો, અને રાજા પાસે મોકલી આપી. યોગિની રાજસભામાં પહોંચી. દ્વારપાળને રાજાની આજ્ઞા લેવા અંદર મોકલ્યો. દ્વારપાળે રાજાને કહ્યું, "મહારાજાધિરાજનો જય થાઓ ! રાજકારે એક અત્યંત રૂપવંત યોગિની આવી છે, અને અંદર આવવાની રજા માંગે છે.”
રાજા : "અરે ! યોગિનીએ તો આજ્ઞા આપવાની હોય, લેવાની ન હોય. તેમને આદરપૂર્વક અંદર લઈ આવો !" દ્વારપાળ દરવાજે જઈ નમ્રતાપૂર્વક યોગિનીને અંદર આવવાની પ્રાર્થના કરી. યોગિની રાજસભામાં પ્રવેશી. કેવી છે યોગિની?
જેણે હાથમાં રત્નજડિત સુવર્ણદંડ ધારણ કર્યો છે, પગમાં હીરાથી મઢેલી પાદુકા પહેરી છે, શરીર પર રેશમના શ્વેત વસ્ત્રો પરિધાન કર્યા છે. જમણા હાથમાં મોતીની જપમાળા છે, ડાબા હાથમાં સુવર્ણનો યોગપટ અને રત્નજડિત કમંડલ છે. મણિમય કુંડળ કાનમાં શોભી રહ્યું છે અને જેનું રૂપ જોઈને દેવાંગનાઓ પણ જાણે આંખનાં મટકાં મારવાનું ભૂલી જાય તેવું લાગે છે.
Jain Education International
For Private Personal Use Only
www.jainelibrary.org
5]