________________
યોગિનીએ શબ્દના સાથિયા પૂર્યાં, રાજાના મનમાં, આ સાંભળીને, લાલચ લાગી. તેણે વિચાર્યું કે, 'જો હું યોગિનીને પ્રસન્ન કરું તો મારું કાર્ય પાર પડે.' તે યોગિનીને સત્કારપૂર્વક પોતાના મહેલમાં લઈ ગયો. સિંહાસન પર બેસાડી ભોજનાદિક કરાવ્યું અને પોતે પંખો વીંઝતો ઊભો રહ્યો. રાત પડી એટલે સંગીતના સૂરો સંભળાવા લાગ્યા. રાજાએ યોગિનીને કહ્યું. "માં ! આપને આ સંગીત સંભળાય છે ?”
યોગિની : "સંભળાય પણ છે અને તેને ગાનાર અને વગાડનાર દેખાય પણ છે.”
"તો આપ મને પણ આપની શકિતથી દેખાડી શકશો ? હું અઠવાડિયાથી બેચેન છું. ઘણી તપાસ કરાવી પણ કાંઈ ખબર પડતી નથી !"
"અરે ! આ તો હું ચપટી વગાડતા કરી શકું, પણ પહેલા હું મારી શકિતથી તારા શરીરને દિવ્ય બનાવીશ. પછી તારી આંખે પણ ત્રણ પાટા બાંધી તને ત્યાં લઈ જઈશ. કારણ કે, આવું કર્યા સિવાય તે દિવ્યસ્થળમાં કોઈને ય પ્રવેશ મળતો નથી.
સવારે બ્રહ્મમુહૂર્તમાં ઉઠીને યોગિનીએ માંડલું બનાવ્યું. દશ દિશાઓમાં બાકળા ઉછાળ્યા. રાજા પણ સ્નાનાદિક કરી નવાં-સુંદર વસ્ત્રો ધારણ કરી તૈયાર થઈ ગયો. યોગિનીએ રાજાને માંડલામાં બેસાડી દિવ્યકારક મંત્ર ભણ્યો, અને બીજાં વિધાનો કર્યાં. નકોરડો ઉપવાસ કરાવ્યો, ને આખો દિવસ મંત્રજાપ કરાવ્યો. સાંજ ઢળી. રાત્રિનો પ્રથમ પ્રહર શરૂ થયો. યોગિનીએ મહેલમાં લોકોની અવરજવર બંધ કરાવી રાજાનાં નેત્ર પર ત્રણ પાટા બાંધ્યા, અને રાજાને સૂચના આપી, "રાજન્ ! હું તને ત્યાં લઈ જાઉં છું. તારે બિલકુલ મૌન પાળવાનું છે, સહેજ પણ અવાજ ન કરતો, ઊંકારો-ચૂંકારો પણ નહિ. નહિ તો અપ્સરાઓ ગુસ્સે થઈ જશે અને તને બાળીને ભસ્મ કરી દેશે.”
બરાબરનો ડર પેસાડી દીધો. આપણે પણ બીકે જ પાંસરા રહીએ છીએ. રાજા કહે, "ભલે ! હું બિલકુલ અવાજ નહિ કરું.”
યોગિની રાજાને ચંદ્રલેખાના મહેલ સુધી દોરી ગઈ. ત્યાં ભોંયરામાં ઉતારી સુરંગના રસ્તે શેઠના ઘર સુધી લઈ ગઈ, અને ત્યાંથી નગરના દ્વારે દેવીના મંદિર નીચેના ભૂમિગૃહમાં લઈ ગઈ. ત્યાં રાજાને એકાંતમાં ઊભો રાખી તેની આંખના પાટા ખોલ્યા. રાજા આંખો ચોળી આજુ-બાજુ જોવા લાગ્યો. શું જોયું ?
દેદીપ્યમાન રત્નોના સૂર્ય જેવા પ્રકાશથી જ્યાં અંધકારનું નામનિશાન નથી એવો, સુંદર કલાકૃતિઓથી શોભતો વિશાળ મંડપ જ્યાં છે; રત્નો અને મણિઓની હજારો પૂતળીઓ, જેના થાંભલાઓ પર શોભી રહી છે, જેના ધ્વજદંડ પર લટકતી ઘૂઘરીઓનો મધુર રણકાર સંભળાઈ રહ્યો છે, અને જેનાં તોરણો ઈન્દ્રધનુષ્ય જેવાં શોભી રહ્યાં છે એવું, અત્યંત મનોહર દેવભુવન જોયું.
તે ભુવનની મધ્યમાં સુંદર વસ્ત્રાલંકારોને ધારણ કરનારી, અત્યંત રૂપવતી દેવાંગનાઓ જેવી કન્યાઓને જોઈ અને તે કન્યાઓની વચ્ચે મણિરચિત સિંહાસન પર બેઠેલી ચંદ્રલેખાને પણ જોઈ. પરંતુ તે તેણીને ઓળખી શકયો નહિ.
કન્યાઓ ચંદ્રલેખાનો જયજયકાર કરે છે, "હે સ્વામિનિ ! ગજગામિનિ ! હે દેવ ! રતિના રૂપને પણ ફીકું પાડનારી નાગલોકના ઈન્દ્રની પ્રાણેશ્વરિ ! આપનો જય થાઓ ! વિજય થાઓ !”
આવી પ્રશસ્તિ સાંભળીને આશ્ચર્યાન્વિત થયેલો રાજા વિચારવા લાગ્યો કે, 'ખરેખર આ કોઈ પ્રભાવશાળી દેવાંગના લાગે છે. મારાં નેત્રોને આજે ઉત્સવ ઉત્સવ થઈ ગયો ! મારું જીવતર સફળ થઈ ગયું કે, આવી સુંદર અપ્સરાનાં દર્શન થયાં.’
રાજા ફાટી આંખે ચંદ્રલેખાને જોઈ જ રહ્યો. જોતજોતામાં ચંદ્રલેખાએ કન્યાઓને આદેશ આપી નૃત્ય-ગીતાદિ શરૂ કરાવ્યું, ને પૂર્વપરિચિત હોય તેમ યોગિનીને નમસ્કાર કરી પોતાની બાજુમાં આસન પર બેસાડી. યોગિનીએ પણ ચંદ્રલેખાને આશીર્વાદ આપ્યા.
કન્યાઓએ રાજાને આવેલો જોઈ અતિમધુર સ્વરે ગીત-વાજિંત્રાદિ શરૂ કર્યાં. રાજા સ્થળકાળ ભૂલી સુધારસતુલ્ય સૂરોને કાન દ્વારા પીધે જ જાય છે . સમય કયાં વીતી ગયો તેનું ભાન ન રહ્યું. પ્રભાત થયું. ચંદ્રલેખાએ નૃત્યગીતાદિ અટકાવ્યું. રાજાને ખ્યાલ ન હતો કે, રાત્રિ વીતી ગઈ. તે એટલો એકાગ્ર થઈ ગયો કે, સંગીત બંધ થયા છતાં આંખો મીંચી તાનમાં ડોલ્યા જ કરે છે.
Jain Education intematonat
For Private & Personal Use Only 23
www.jainelibrary.org