________________
• ભારતીય સંસ્કૃતિનો આત્મા છે “ધર્મના બહાને અનાર્ય દેશમાં જવાનો કે સૂત્રાદિ મોકલવાનો નિષેધ કરનાર, નગારું વગાડીને નિષેધ કરનાર પોતાના માન, મહત્તા, મોટાઈનો સવાલ આવે ત્યાં એ જ ધર્મને ઠોકર મારી, એ જ ધર્મ પર પગ મૂકી એ જ નિષેધનો નિષેધ કરે છે એ ધર્મદ્રોહ જ છે. ધર્મનું મહત્ત્વ તો બહાનારૂપ અને
સ્થાપિક માનાદિનો સવાલ મુખ્ય, એ ધર્મદ્રોહ જ છે. શ્રી વીરચંદ ગાંધીને વિલાયતાદિ મોકલવા આદિમાં આમ થયું છે.”
સર્વતોમુખી જ્ઞાનોપાસના વીરચંદ ગાંધીના ગ્રંથસર્જનને જોઈએ તો એમના જીવનકાળ દરમ્યાન માત્ર બે જ પુસ્તકો મળે છે. એમનું એક પુસ્તક ઈ. સ. ૧૮૮૯માં મૂળ સંસ્કૃતમાંથી ગુજરાતી ભાષામાં લખાયેલું ‘સવીર્ય ધ્યાન' અને બીજું પુસ્તક તે ઈ. સ. ૧૮૯૪માં અમેરિકાના શિકાગો શહેરમાંથી પ્રસિદ્ધ કરેલો ‘અનનોન લાઇફ ઑફ જિસસ ક્રાઇસ્ટ 'નો અનુવાદ, આમ વીરચંદ ગાંધીની હયાતીમાં એમનાં આ બે પુસ્તકો પ્રગટ થયાં.
આ બંને પુસ્તકો પૂર્વે ઈ. સ. ૧૮૮૯માં એમણે બાવીસમા વર્ષે એક નિબંધ પ્રગટ કર્યો. એ નિબંધનો વિષય છે ‘૨ડવા કૂટવાની હાનિકારક ચાલ વિષે નિબંધ'. આ નિબંધ કચ્છ-કોડા નિવાસી રવજી દેવરાજે લખ્યો હતો અને તેમાં બીજી ઘણી અગત્યની બાબતો ઉમેરીને વીરચંદ રાઘવજી ગાંધીએ એને પ્રકાશિત કર્યો હતો.
બાવીસ વર્ષની ઉંમરે આ યુવાનને ધર્મવિરોધી રડવા-કૂટવાની પ્રથા સામે આક્રોશ જાગે, એ વિશે નિબંધ-સ્પર્ધાનું આયોજન કરે, એમાં વિજેતા થનાર કચ્છના રવજી-દેવરાજને પોતે જાહેર કરેલું રૂ. ૩૨પનું ઇનામ આપે તે ઘટના કેટલું બધું સૂચવી જાય છે. વળી બાવીસ વર્ષની વયે વિવેકી જૈન બંધુઓને લક્ષ્યમાં રાખીને ‘જૈન ભાઈઓમાં સસ્તુ-વાચન’ ફેલાવવાનો પ્રયત્ન અદ્યાપિ પર્યત થયો નથી તેથી આવા પ્રયત્નોને કંઈક ઉત્તેજન મળે તેવી ઇચ્છાથી ‘રેક અને શ્રીમંત' ખરીદી શકે તે માટે માત્ર બે આનાની કિંમત રાખીને તેઓ આ નિબંધ પ્રકાશિત કરે છે. આ પુસ્તક સાથે પ્રગટ કરવામાં આવ્યો છે. જ્યારે એમણે લખેલું ‘સવીર્યધ્યાન’ એ દસમા સૈકાના થયેલા આચાર્ય શુભચંદ્ર વિરચિત
66
• ભારતીય સંસ્કૃતિનો આત્મા ‘જ્ઞાનાર્ણવ' ગ્રંથનાં ધ્યાન વિશેનાં પ્રકરણોનો શ્રી વીરચંદ ગાંધીએ કરેલો અનુવાદ છે. જૈન ધર્મની વિસ્મૃત થયેલી ધ્યાનપ્રણાલીને પુનઃ જાગ્રત કરનાર અને એને પરદેશીઓ સમક્ષ પ્રભાવશાળી રીતે રજૂ કરનાર વીરચંદ ગાંધીની ધ્યાનલગની આમાંથી જોઈ શકાય છે.
વિધિની એ કેવી વિડંબના કહેવાય કે વીરચંદ ગાંધીનાં પ્રવચનોનું એક પણ પુસ્તક તેઓ જીવંત હતા તે સમયે પ્રગટ થયું નથી. એમની વૈચારિક પ્રતિભાની ઓળખ આપવાનું શ્રેય ‘ધ જૈન’ અને ‘પેટ્રિયટ'ના તંત્રી શ્રી ભગુભાઈ કારભારીને જાય છે. ઈ. સ. ૧૯૧૧માં મુંબઈની પ્રસિદ્ધ પ્રકાશક સંસ્થા એન. એમ. ત્રિપાઠી દ્વારા ‘ધ જૈન ફિલૉસોફી' પુસ્તક પ્રગટ થયું. આમાં વીરચંદ ગાંધીએ અમેરિકા અને ઇંગ્લેન્ડમાં આપેલાં વ્યાખ્યાનો અને લેખોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ પુસ્તકમાં ગ્રંથસ્થ થયેલાં પ્રવચનોમાં વીરચંદ ગાંધીની જૈન ધર્મ વિશેની સિદ્ધાંતલક્ષી મર્મગામી છણાવટ તો મળે છે, પણ એની સાથોસાથ ભારતીય સંસ્કૃતિની ગહનતા, ભવ્યતા અને એના ગૌરવનો ખ્યાલ આવે છે. વીરચંદ ગાંધીએ આ ગ્રંથમાં જૈન, બૌદ્ધ, સાંખ્ય, વેદાંત અને ન્યાય જેવાં દર્શનોની તત્ત્વવિચારણાનો વિદેશી શ્રોતાઓ સમક્ષ પ્રકાશ પાડ્યો છે. આજથી એકસોને સોળ વર્ષ પૂર્વે પરાધીન, ‘પછાત' ગણાતા ભારત પાસે આટલી સમૃદ્ધ તત્ત્વપ્રણાલીઓ છે એ વિશે સાંભળીને વિદેશી શ્રોતાઓને નવીન સમજ અને શાને પામ્યાનો અનુભવ થયો હતો.
દર્શન અને દુનિયાની વાત વીરચંદ ગાંધીનો સંબંધ માત્ર તત્ત્વજ્ઞાન સાથે જ નહોતો, બાળપણમાં પણ એમણે દેશની સ્થિતિ વિશે કાવ્યો રચ્યાં હતાં. યુવાનીમાં ધાર્મિક, સામાજિક અને રાજકીય વિષયો પર ભારતમાં મનનીય પ્રવચનો આપ્યાં હતાં, આથી અમેરિકામાં પણ તત્ત્વજ્ઞાન ઉપરાંત તેઓ આહાર-વિજ્ઞાન, યોગ-વિજ્ઞાન અને જીવન-વિજ્ઞાન વિશે વક્તવ્યો આપે છે. ગૂઢવિઘાથી માંડીને ધાર્મિક પ્રતીકોનાં રહસ્યો સુધીની વાતો એમના પ્રવચનમાં મળે છે. પ્રાચીન ભારતની સ્થિતિથી માંડીને વર્તમાન સમયમાં ભારતમાં ચાલતી મિશનરી પ્રવૃત્તિઓ અંગે એ વાત કરી શકે છે.