________________
૧૩૬
આશ્રવ અને અનુબંધ
તા.૧૮-૧૦-૯૮, રવિવાર, આસો વદ ૧૩. અનંત ઉપકારી, અનંત જ્ઞાની શ્રી તીર્થંકર પરમાત્મા જગતના જીવમાત્ર આ દુઃખમય સંસારમાંથી મુક્ત થઇ, અનંત સુખમય એવા મોક્ષને પામે, તે માટે ધર્મતીર્થની સ્થાપના કરે છે.
હવે, ગ્રંથકારે પોતાના શ્લોકમાં પહેલાં શુભ અને પછી અશુભનું એમ ક્રમસર વર્ણન કરવું જોઇએ. પરંતુ તેનો વ્યુત્ક્રમ કરી પહેલાં અશુભ યોગ મૂક્યો છે. જેનું પ્રતિપાદન પહેલાં કરવું જોઇએ, તેનું પછીથી કરેલ છે; અને જેનું પ્રતિપાદન પછીથી કરવું જોઇએ, તેનું પહેલાં કરેલ છે, તેમાં તેમનો વિશેષ આશય સમાયેલો છે. જો વિશેષ આશય વગર આમ વ્યુત્ક્રમ કરે તો મોટો દોષ ગણાય. વિશેષ આશયથી વ્યક્રમ કરેલ હોય તો વાંચનાર ઘડીકમાં વિચારમાં પડી જાય. તેને થાય કે આમ કરવાના બદલે આમ કેમ કર્યું ? તે ઊહાપોહ કરે. આમ Groundwork(પૂર્વભૂમિકા) તૈયાર થાય, જે વિશેષ કહેલું છે તેના માટેની આતુરતા ઊભી થાય. નિશાન તાકવા માટેની આ System(પદ્ધતિ) છે. જેમ અશુભયોગો સંસારનું કારણ છે, તેમ શુભયોગો પણ સંસારમાં રખડાવવાનું કારણ હોઈ શકે છે. માટે તેવા સંસારાનુબંધી શુભયોગોથી પણ તમને વિમુખ કરવા છે; તેનાથી તમે નિર્વેદ પામો, વિરામ પામો અને મોક્ષાનુબંધી શુભયોગોને આચરો, તેમ કરવું છે.
આમ શુભયોગો પણ બે પ્રકારના થયા, (૧)એક સંસારાનુબંધી અને (૨)બીજા મોક્ષાનુબંધી. માટે ખાલી સ્વરૂપથી ગુણને સેવો તે પૂરતું નથી, જેમ કે તમે દાન આપ્યું તે ઉદારતાનો પરિણામ છે, તમને કોઈએ ગાળ આપી અને તમે સહન કર્યું તે સહિષ્ણુતાનો ગુણ છે; પરંતુ તે સેવાતા બંને ગુણોનાં બધાં પાસાંનો વિચાર કરવો પડે. ખાલી ગુણ સેવવાથી પુણ્ય બંધાય, પણ તેટલા માત્રથી કામ પતતું નથી, પરંતુ તે પુણ્ય બંધાવનાર ગુણ સંસારાનુબંધી છે કે મોક્ષાનુબંધી છે? તે વિચારવાનું આવે. આમ, ગુણ છે તેટલા માત્રથી તે ઉપાદેય બનતો નથી. ગુણ પણ સાનુબંધી જોઇએ. ગુણ વૃદ્ધિ પામી આગળ વધતાં મોક્ષનું કારણ બને તેવો જોઈએ, ખાલી સંસારનું કારણ ન બનવો જોઈએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org