________________
આશ્રવ અને અનુબંધ
૧૪૩
નહિ, જ્યારે તેના વિરોધીમાં રહેલા ગુણમાં પણ તેને ખામી દેખાય. સ્વધર્મમાં પણ દૃષ્ટિરાગ છોડવો પડે. પોતાના ગુરુમાં રહેલા ગુણ-દોષની પરખ કરવાની અને વિવેક કેળવીને દૃષ્ટિરાગ ન થઇ જાય તેની કાળજી રાખવાની. ગુરુ નિઃસ્પૃહ, નિર્ભીક અને સત્યવાદી હોય અને તમે ઓળખી ન શકો તેવું બને ખરું ? આવા ગુરુને સન્માર્ગ સિવાય કોઇની પડી જ નથી હોતી. તેઓની પાસે મોટો ચમરબંધી આવે તો પણ તેના ગમાઅણગમાદિની ચિંતા કર્યા વગર સત્ય ઉપદેશ આપશે. તમારે બધે ગુણ-દોષનો વિવેક કરવો પડે. વ્યક્તિને બરાબર ઓળખવી પડે. સંસારમાં બુડથલ થઇને ફરો છો ખરા ? ત્યાં વ્યક્તિને ન ઓળખો તો ડફણાં જ પડે ને ? પૂ. ઉપાધ્યાયજી યશોવિજયજી મહારાજા ખરા અર્થમાં પ્રાવચનિક છે. સામે દુશ્મનોની ફોજ ખડી હોય છતાં જરાય ભય પામતા નથી. “શુદ્ધ પ્રરૂપક ગુણ વિણ નવ ઘટે, તસ ભવ અરટ્ટમાલા'' (શુદ્ધપ્રરૂપણારૂપ ગુણની પ્રાપ્તિ વિના ચાર ગતિમાં પરિભ્રમણરૂપ રેંટ ઓછી ન થાય.) શુદ્ધ પ્રરૂપણાથી સંસારના આખે આખા ભવો કપાય છે.
સાધુને ‘“સમોન્દ્’’(હું શ્રમણ છું) તે ભાવ પાવરફુલ જોઇએ. શ્રાવક પણ પોતાના ધર્મમાં ગાજતો હોય. મયણાએ શું કામ કર્યું છે ? સંસારર્દષ્ટિએ તો તે જે ડાળી પર બેઠી છે તે ડાળીને જ તેણે કાપી છે. કેમ કે તેને માટે ભગવાને સ્થાપેલા ધર્મના સિદ્ધાંતોને ઠેસ પહોંચે તેવું તે વર્તી ન શકે, તેવું કોઇનું વર્તન તે સહન પણ ન કરી શકે. સમકિતીના અધ્યવસાયની ધારા જ જુદી હોય. માટે જ તેને પ્રતિસમય અસંખ્યાતગુણ નિર્જરા કહી છે. શુદ્ધ પ્રરૂપણા કરવી તે દર્શનાચાર છે. મોક્ષમાર્ગ જ્ઞાનથી ચાલે છે તેમ નિશ્ચયનય માને છે અને વ્યવહારનય ક્રિયાથી મોક્ષમાર્ગ ચાલે છે તેમ માને છે.
તમારા મન-વચન-કાયાના યોગ કેવા છે ? ગુણ કેવા છે ? પૂજા કરો છો ? પણ તે બધું સંસારાનુબંધી હશે તો તેની કિંમત નથી. મોક્ષાનુબંધી ગુણની જ કિંમત છે. નિદાન આચારથી ભ્રષ્ટ કરે છે અને નિદાનશલ્ય બુદ્ધિથી ભ્રષ્ટ કરે છે. દ્રૌપદીને નિદાનથી બંધાયેલું કર્મ છે ત્યાં સુધી તે તેને ચારિત્ર લેવા ન દે.
સભા:- પાંચ પાંચ પતિ જેના છે તે દ્રૌપદીને સતી કેમ ગણવી ?
સાહેબજીઃ- તેને કર્મ નિકાચિત છે માટે તેની આ સ્થિતિ છે. ત્યાં કર્મને પ્રધાનતા આપી છે અને પાંચ પતિવાળી તેને સતી તરીકે સ્વીકારી છે. અગાઉ જણાવેલ તેમ દ્રૌપદીએ પૂર્વભવમાં દીક્ષા લીધેલી અને સુંદર ચારિત્ર પાળી રહેલાં, તેમાં કોઇ વેશ્યાને પાંચ પુરુષો દ્વારા સેવાતી જોવાઇ જતાં ઉત્પન્ન થયેલ વિકારના કારણે નિયાણું કરેલ, કે મને મારા આ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org