________________
સંપૂર્ણ જ્ઞાતા-દ્રષ્ટા રહે તો ત્યાં ચેતનારો જ ના રહ્યો ને ! હવે નવું કશું કરવાનું નથી. મૂળ આત્માની જે પ્રતીતિ બેસી ગઈ છે, તેને જ પૂર્ણ કરવાની છે. વચ્ચે બુદ્ધિબેનને પેસવા દેવાના નથી. આત્માની પ્રતીતિ બેઠી, તેને જ આત્મા જોયો કહેવાય. અને આત્માનું લક્ષ બેઠું, એને જાણ્યો કહેવાય. એ કંઈ આ ચર્મચક્ષુથી દેખાય તેવો નથી ! અપમાનનો સંજોગ આવ્યો તેની જરાય અસર ના થઈ, તો તે દર્શનરૂપી જ્ઞાન અનુભવમાં આવ્યું કહેવાય. અને અસરો થાય છે, મોટું બગડી જાય છે એટલી કચાશ છે. અનુભવદશા માટે હજી ટેકાજ્ઞાનની જરૂરિયાત છે. જ્ઞાનકળા ને બોધકળા એ ટેકાજ્ઞાન ! ભોગવે એની ભૂલ, બન્યું એ જ ન્યાય વિ. વિ. ટેકાજ્ઞાન કહેવાય. પ્રસંગે પ્રસંગે જુદા જુદા ટેકાજ્ઞાનની જરૂર પડે ને અનુભવ વધતો જાય. આત્માનો અનુભવ કરનારો કોણ ? સૂક્ષ્મતમ અહંકાર. એ અહંકાર પછી વિલય થઈ જાય છે અને પ્રજ્ઞા ગાદી પર આવી જાય છે. આત્માને જોનાર ને અનુભવનાર બેઉ એકના એક જ છે ! થિયરેટિક્સ એ અનુભવ ના કહેવાય, એ તો સમજ કહેવાય. અને પ્રેક્ટિકલ એ અનુભવ કહેવાય. સમજપૂર્ણ અને અનુભવપૂર્ણ એનું નામ જ્યોતિ, એ જ જ્ઞાન, એ જ પરમાત્મા ! જ્ઞાનીના પરિચયમાં રહેવાથી એમની પ્રત્યે શ્રદ્ધા વધે. એમના સાનિધ્યમાં ના રહેવાય તો એમનાં પુસ્તકોનું જ વાંચન, એમનું નિદિધ્યાસન પણ ખૂબ મદદ કરે !
[૫] ચારિત્રમોહ દર્શનમોહ કોને કહેવાય ? પોતે ખરેખર ચંદુભાઈ નથી, ખરેખર આત્મા છે. છતાં ‘હું ચંદુભાઈ છું' એવું મિથ્યા મનાવડાવે છે, એનું નામ દર્શનમોહ. દેહને જ “હું છું' માને. આત્માને ‘હું છું' એવું માને ત્યારે દર્શનમોહ તૂટે. દર્શનમોહ છૂટ્યા પછી જે રહ્યો તે ચારિત્રમોહ. દર્શનમોહથી જે કર્મ બાંધ્યા, તે હવે ફળરૂપે રહ્યાં તે ચારિત્રમોહ. દર્શનમોહ જાય પણ ચારિત્રમોહ તો રહે. ક્ષાયક સમતિ ક્યારે થાય ? દર્શનમોહ જાય ત્યારે. એમાં શું થાય ? શાસ્ત્રો કહે છે, ચાર અનંતાનુબંધી કષાય અને ત્રણ મોહનીય – મિથ્યાત્વ, મિશ્ર
ને સમ્યકત્વ મોહનીય જાય એમ સાત પ્રકૃતિ ખપે ત્યારે. અક્રમ માર્ગમાં મહાત્માઓને ક્ષાયક સમકિત લાધે છે, જેને ક્રમિકમાર્ગવાળા નથી સ્વીકારતા. અમદાવાદથી દિલ્હી જવા નીકળ્યા પણ અધવચ્ચે ખબર પડી કે આ તો મદ્રાસની ગાડી છે. જ્યાંથી જાગ્યા ત્યાંથી પાછા વળવા માંડ્યા. જાગ્યા એટલે દર્શનમોહ તૂટ્યો. પાછા વળવા માંડ્યું ત્યાંથી ચારિત્રમોહ અને દિલ્હી પહોંચીશું એ કેવળજ્ઞાન - મોક્ષ. આત્માના દ્રવ્ય-ગુણ-પર્યાયને જાણે, તેનો નિશ્ચયથી મોહ નાશ પામે છે. છતાં વ્યવહારમાં જે મોહ રહ્યો, એને ચારિત્રમોહ કહ્યો. નાળિયેર તો છે પણ કાચલું નીકળે તો કોપરું કામ લાગે. કાચલું હોય ત્યાં સુધી શું કામનું ? તેમ દર્શનમોહનું કાચલું જાય તો જ કામ થાય. પછી કોપરું રહ્યું તે ચારિત્રમોહ. દર્શનમોહથી નવાં કર્મો નિરંતર ચાર્જ થયા કરે. અને ચારિત્રમોહ એટલે ડિસ્ચાર્જ પરિણામ. દર્શનમોહ ગયા પછી જ બાકી રહેલા મોહને ચારિત્રમોહ કહેવાય. દર્શનમોહથી લટકેલો, તે લટકેલો કહેવાય, ચારિત્રમોહવાળો લટકેલો કહેવાય નહીં. દર્શનમોહ જાય એ તો મહાન સિદ્ધિ મળી કહેવાય મોક્ષમાર્ગની ! મહાત્માઓને જ્ઞાન પછી ચારિત્રમોહ રહ્યો. ચારિત્રમોહમાં મહાત્માઓને દેખતાં જ મોહ ના થાય. કારણ કે દર્શનમોહ ઊડ્યો છે ! હવે મહાત્માઓને ચારિત્રમોહમાં કેવું હોય ? બધું અનિચ્છાપૂર્વકનું હોય. ઇચ્છા ના હોય તોય મોહ થયા કરે. જેમ ઇચ્છા ના હોય તોય બરફ ઓગળ્યા જ કરે ! ઇચ્છા ના હોય તોય ક્રોધ-લોભ-મોહ-કપટ-અહંકાર થઈ જાય. એ ચારિત્રમોહ ઉગતો નહીં પણ આથમતો મોહ છે. એનો સમભાવે નિકાલ કરી નાખવાનો. અક્રમ માર્ગમાં આ બધું બે કલાકમાં જ બની જાય છે, જે કરોડો અવતાર ના બની શકે તે ! ચારિત્રમોહવાળાને કેવું હોય ? કોઈ કપડાં કાઢી લે, તો તેને અંદરખાને જરાય વાંધો ના આવે. મહાત્માઓને કષાય થાય છે પણ તે પરિણામ છે, ઇફેક્ટ છે, કૉઝ નથી. પણ બહારના લોકોને આ ના સમજાય. તેમને થાય, આ તે કેવું જ્ઞાન ? મહાત્માઓનો મોહ તો ઉઘાડો દેખાય છેને ? પણ એ વર્તનમોહ છે, ડિસ્ચાર્જ મોહ છે. જે મોહન પરમાણુ હતા, તે ડિસ્ચાર્જ થાય છે ત્યારે મહાત્માઓ એને જ્ઞાન કરીને શુદ્ધ કરીને ખાલી કરે છે. એટલે એ ક્ષીણમોહ
39