Book Title: Agam 43 Mool 04 Uttaradhyayan Sutra Ek Parishilan
Author(s): Sudarshanlal Jain
Publisher: Parshwanath Shodhpith Varanasi
View full book text
________________
૪૪૬
ઉત્તરાધ્યયન-સૂત્ર : એક પરિશીલન
વખતે ક્ષુધા, તૃષા આદિ સંબંધી જે જે વિઘ્નો (પરીષહ) આવે છે તે બધા ઉપર વિજય મેળવવો જરૂરી છે. વીર યોદ્ધાની જેમ આયુષ્યની અંતિમ ક્ષણ સુધી સંયમમાં અડગ રહેવું પડે છે. સાધુના સદાચારની પરીક્ષા માટે તપ કસોટીરૂપ છે. સાધ્વાચારના પાલનની જે દુષ્કરતાનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે તે આ તપની દૃષ્ટિએ થયેલ છે. પ્રસ્તુત ગ્રંથમાં વર્ણિત તપનું સ્વરૂપ વિશેષ કરીને ધ્યાન તપનું વર્ણન યોગદર્શન અને બૌદ્ધદર્શનમાં વર્ણવેલ સમાધિ સાથે મળતું આવે છે. આ રીતે સાધુ જીવન-પર્યન્ત તપોમય જીવન પસાર કરીને મૃત્યુ સમયે બધા પ્રકારના આહારાદિનો ત્યાગ કરી સમાધિમરણપૂર્વક શરીરનો ત્યાગ કરે છે. આ શરીર ત્યાગ પછી તેને જે ફળની પ્રાપ્તિ થાય છે તેને ‘મુક્તિ’ કહેવામાં આવે છે.
આ મુક્તિની અવસ્થા બધા પ્રકારના કર્મબંધનોથી રહિત, અશરીરી, અત્યંત દુઃખાભાવરૂપ, નિરતિશય સુખરૂપ અને અવિનશ્વર છે. તેને પ્રાપ્ત કર્યા બાદ જીવને ફરીવાર સંસારમાં આવાગમન કરવું પડતું નથી. તેનો નિવાસ લોકના ઉપરિતમ પ્રદેશમાં (સૌથી ઉપરના પ્રદેશમાં) માનવામાં આવેલ છે. અંતિમ જન્મની ઉપાધિની અપેક્ષાએ તેમાં ભેદ સંભવતો હોવા છતાં પણ કોઈ તાત્ત્વિક ભેદ રહેલો નથી. ગ્રંથમાં જે મુક્તિની અવસ્થા ચિત્રિત કરવામાં આવી છે તે અલૌકિક છે. તેમાં સ્વામી-સેવકભાવ નથી, કોઈ અભિલાષા પણ નથી. તે પૂર્ણ નિષ્કામ અને સંસારથી પર ચેતન જીવની સ્વ-સ્વરૂપની સ્થિતિ છે. આ અવસ્થામાં બધા પ્રકારના બંધનોનો અભાવ થઈ જતો હોવાથી તેને મુક્તિ કહેવામાં આવે છે. ગ્રંથમાં જો કે વિદેહ-મુક્તિનું જ વર્ણન કરવામાં આવેલ છે પરંતુ જીવન્મુક્તિ વિશે પણ જણાવેલ છે. કેવલી કે કેવળજ્ઞાનીની જે સ્થિતિ છે તે જીવન્મુક્તિની અવસ્થા છે કારણ કે સંસારમાં રહીને પણ તેઓ જળથી ભિન્ન કમળની જેમ તેનાથી અલિપ્ત રહે છે તથા મૃત્યુ બાદ નિયમપૂર્વક તે જ ભવમાં વિદેહમુક્તિ મેળવે છે. મુક્તિ પ્રાપ્ત કરવા માટે કોઈ પ્રકારના જાતિ, આયુષ્ય કે સ્થાન વગેરેનું કોઈ મહત્ત્વ નથી. તે દ્વાર બધા માટે સદાકાળ ખુલ્લું છે. મુક્તિની બાબતમાં એટલું ખાસ છે કે બધા મુક્ત જીવો પોતાના પુરુષાર્થથી જ મુક્ત થયેલ છે. તેમાં એવો કોઈ જીવ નથી કે જે અનાદિ મુક્ત હોય અથવા પુરુષાર્થ વગર ઈશ્વર આદિની કૃપાથી મુક્ત થયો હોય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org