Book Title: Agam 10 Ang 10 Prashna Vyakaran Sutra Sthanakvasi
Author(s): Sunitabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
[ ૧૩૦ ]
શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર
કરી પરિગ્રહ ભેગો કરે છે. અંતે તે પરિગ્રહને પરવશપણે છોડી, આસક્તિથી બાંધેલા કર્મો સાથે લઈને નરકગતિ, તિર્યંચગતિ આદિમાં પરિભ્રમણ કરે છે અને મહાન દુઃખો ભોગવતા રહે છે.
વિવેકવાન વિજ્ઞજનોએ આ પરિગ્રહ, લોભ, તૃષ્ણાના પાશમાંથી મુક્ત રહી આત્માને દુર્દશાથી સુરક્ષિત રાખવો જોઈએ. જીવ અનાદિકાળથી ભવોભવમાં વિવિધ પરિગ્રહને અવશપણે છોડી–છોડીને મરતો રહે છે અને અહીંથી પણ પરિગ્રહ છોડીને જ જવાનું છે. જ્ઞાન અને વિવેક દ્વારા સંતોષ અને વૈરાગ્ય ભાવના ધારણ કરી આ પરિગ્રહનો સંપૂર્ણ ત્યાગ કરવો જોઈએ, તે જ આત્મા માટે શ્રેયસ્કર છે. સંપૂર્ણ ત્યાગ સંભવ ન હોય તો પણ આશા–તૃષ્ણાને રોકી, પરિગ્રહની મર્યાદા કરી અવશેષ પરિગ્રહથી નિવૃત્ત થવું જોઈએ.
સંસારમાં રહેવા છતાં પરિગ્રહની મર્યાદા કરવાથી, પરિગ્રહના કટુ પરિણામથી તે મુક્ત રહી શકે છે અને એક દિવસ સંપૂર્ણ પરિગ્રહના ત્યાગી બની સંસાર પરિભ્રમણથી મુક્ત થઈ શકે છે.
આ રીતે પ્રથમ શ્રુતસ્કંધના પાંચ અધ્યયનમાં ક્રમશઃ પાંચે આશ્રવનું વિસ્તૃત વર્ણન છે.