________________
वरं वृन्दावने रम्ये क्रोष्ठत्वमभिवाञ्छितम् । न त्वेवाविषयो मोक्षः कदाचिदपि गौतम ! ॥१२-२५॥
શ્લોકાર્થ સ્પષ્ટ છે. ગાલવ નામના ઋષિ પોતાના શિષ્ય ગૌતમને જણાવે છે કે; “ગૌતમ ! યમુના નદીના કિનારે રમણીય મથુરાના ઉપવન(બગીચો) વિશેષ સ્વરૂપ વૃન્દાવનમાં પોતાની ઈચ્છા મુજબ જીવી શકાય એવું શિયાળનું જીવન સારું; પરન્તુ સર્વથા કોઈ પણ જાતની પ્રવૃત્તિના અભાવવાળો વિષયશૂન્ય મોક્ષ કોઈ પણ અવસ્થામાં સારો નહિ.' મોક્ષ કરતાં તિર્યચપણું સારું, આ પ્રમાણે સ્પષ્ટપણે જણાવનાર એ શાસ્ત્રવાક્ય, મોક્ષ પ્રત્યેના ભારોભાર દ્વેષને વ્યક્ત કરે છે. સ્વચ્છન્દીપણું અને વિષયનો ઉપભોગ - એ બન્નેની તીવ્ર આસક્તિ પશુ-જીવનને પણ સારું મનાવનારી છે. ગમે તેવી અવસ્થામાં પણ મોક્ષની અવસ્થા સારી નહિ અને ઈચ્છા મુજબ જીવવા મળે તો શિયાળપણું સારું - એ પ્રમાણે જણાવીને મોક્ષ પ્રત્યે ચિક્કાર દ્વેષ ઠાલવ્યો છે.
આ શ્લોકમાં જણાવેલી વાતનો વિચાર કરવાથી સમજાશે કે સ્વચ્છન્દીપણાનો પ્રેમ કેટલો ભયંકર છે. ઇચ્છા મુજબ જીવવા મળે તો માણસ ગમે તેવાં દુઃખો વેઠવા તૈયાર થાય છે. પરંતુ મોક્ષ માનવા પણ તૈયાર થતો નથી. ગૃહસ્થજીવનમાં અને સાધુજીવનમાં લગભગ આવી મનોદશા જોવા મળે છે. ઈચ્છા માટે દુઃખ વેઠાય પણ આજ્ઞા માટે ન વેઠાય - આવી વૃત્તિ લગભગ ધર્મીવર્ગમાં પણ પૂરતા પ્રમાણમાં જોવા મળે. ગૃહસ્થવર્ગમાં માતા-પિતાદિથી જુદા રહેનારાને; તક્લીફ ઘણી હોવા છતાં, પોતાની ઇચ્છા મુજબ રહેવા મળે છે, કોઈની પણ ટકટક નહીં, આપણે આપણી રીતે જીવી શકીએ..વગેરે