________________
રવાધ્યાય તપનો પરમાનંદ' હંસ મોતીનો ચારો ચરે, એ રીતે દેવ, ગુરુ અને ધર્મની અવિરત કૃપાને પરિણામે શ્રી વિજયભાઈ દોશીએ કરેલું “શ્રુત ભીની આંખોમાં વીજ ચમકે એ સંકલન જૈન ધર્મના વિરાટ આકાશની ઓળખ આપે છે. ધર્મના શાશ્વત સિદ્ધાંતોની ત્રિકાળ અર્શિતાનો હૃદયંગમ અનુભવ વિજયભાઈના આ અનુપમ સર્જનમાં થાય છે.
જૈન ધર્મના મહાસાગરમાં શ્રાવક એકવાર ઊંડી ડૂબકી લગાવે અને એક પાણીદાર મોતી પામે, પછી જીવનભર મરજીવાની માફક મહાસાગરના તળિયે જઈને એનાં ઉત્તમ મોતી શોધતો અને પામતો રહે છે. આવા વિરલ ધર્મસ્પર્શ અને પ્રબળ આધ્યાત્મભાવનું સુંદર મિલન એમના આ સંગ્રહ “શ્રુત ભીની આંખોમાં વીજ ચમકે'માં જોવા મળે છે.
જ્યાં ક્યાંયથી શ્રુતજ્ઞાનનું અજવાળું મળ્યું, એ સઘળું એકત્ર કરવાનો એમણે અહીં પ્રયાસ કર્યો છે. બાર વિભાગમાં થયેલું જુદા જુદા વિષયોનું આ સંકલન દરેક વિષયની એક દિશા ચીંધે છે અને દર્શાવે છે કે આ દિશામાં જઈએ તો વિશાલ આકાશ અને અવર્ણનીય આનંદનો અનુભવ પામીશું. આવી શ્રુતજ્ઞાનની ધારા આ ગ્રંથના બાર વિભાગોમાં અને એના જુદા જુદા વિષયોમાં પ્રાપ્ત થાય છે.
આ ચયન અને સંકલનની પાછળ વિજયભાઈની સૂક્ષ્મ વિવેક દૃષ્ટિ પ્રગટ થાય છે. આવા સંચયો એ શ્રુતજ્ઞાનના વિરાટ આકાશની આપણને ઝાંખી કરાવે છે. એની રચના એના સંકલનકર્તાના હૃદયને તો આનંદ આપે જ, પણ સાથોસાથ એ રચના જીવનના આચરણમાં પ્રગટ થતાં પરમ આધ્યાત્મિક અનુભૂતિ પ્રાપ્ત થાય છે. આ ઉત્કૃષ્ટ કાર્ય કરતી વખતે વિજયભાઈ શ્રુતજ્ઞાનની કેટલી બધી કેડીઓમાં ઘૂમ્યા હશે, એ અંગે એકાંત સ્થાનમાં સ્વાધ્યાય કર્યો હશે. શ્રત ભીની આંખોમાં કેટલી બધી વાર આનંદની વીજળીનો ચમકાર થયો હશે તે વિચારીએ.
આવા સુંદર સંકલન માટે એમને ધન્યવાદ આપું છું અને શ્રુતજ્ઞાનની ધારા વધુ પુષ્ટ બનીને એમના લેખનને અને એ દ્વારા આપણા સહુના આત્માને પરિપ્લાવિત કરતી રહે, એવી અભ્યર્થના રાખું છું.
- પદ્મશ્રી ડૉ. કુમારપાળ દેસાઈ