________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસારગાથા ૩૮૩ થી ૩૮૬ : ૮૩ જે આત્મા ત્રણે કાળનાં કર્મોથી પોતાને ભિન્ન જાણે છે, શ્રદ્ધા છે અને અનુભવે છે, તે આત્મા પોતે જ પ્રતિક્રમણ છે, પોતે જ પ્રત્યાખ્યાન છે અને પોતે જ આલોચના છે.'
જુઓ, અહીં નિશ્ચયચારિત્ર –વીતરાગી ચારિત્રની પ્રધાનતા છે, અર્થાત્ વ્યવહારની ક્રિયા અહીં ગૌણ છે. અહીં તો શુભાશુભ બન્નેય દોષોથી નિવૃત્ત થઈ આત્મા રૂપ થઈ જવું, ઉપયોગને સ્વરૂપલીન કરવો તે નિશ્ચય પ્રતિક્રમણ, નિશ્ચય પ્રત્યાખ્યાન અને નિશ્ચય આલોચના છે. પૂર્ણ વીતરાગદશા ન થાય ત્યાં સુધી સ્વરૂપની દષ્ટિ અને ચારિત્રની ભૂમિકામાં વ્યવહાર પ્રતિક્રમણના વિકલ્પ હોય છે ખરા, પણ તેમાં અશુભથી નિવર્ત બસ; આ મર્યાદા છે. જ્યારે નિશ્ચયથી વિચારતાં જે આત્મા ત્રણે કાળના કર્મોથી પોતાને ભિન્ન જાણે છે, શ્રદ્ધા છે, અનુભવે છે તે પોતે જ પ્રતિક્રમણ છે, પોતે જ પ્રત્યાખ્યાન છે, પોતે જ આલોચના છે.
વ્યવહાર પ્રતિક્રમણાદિમાં પાપથી નિવર્તીને શુભભાવમાં-પુણ્યભાવમાં આવ્યો એટલી વાત છે, પણ એ શુભભાવ કાંઈ આત્મપરિણામ નથી. એય દોષ જ છે. તેથી શુભાશુભ સર્વ દોષથી પોતાને ભિન્ન જાણી ઉપયોગને સ્વરૂપમાં રમાવવો, સ્થિર કરવો એ વાસ્તવિક પ્રતિક્રમણ, પ્રત્યાખ્યાન અને આલોચના છે, અને તે આત્મરૂપ છે. કહ્યું ને કેપુણ્ય-પાપના ભાવથી ખસી સ્વસ્વરૂપમાં લીનતા-રમણતા કરે તે આત્મા પોતે જ પ્રતિક્રમણ છે, પોતે જ પ્રત્યાખ્યાન છે, પોતે જ આલોચના છે. અહીં તો આત્માથી ભિન્ન કોઈ પ્રતિક્રમણાદિ છે એમ વાત જ નથી. જ્ઞાન તે પ્રત્યાખ્યાન છે એમ આવ્યું ને ગાથામાં (૩૪ ગાથામાં). મતલબ કે-રાગનો નાશ કર્યો એમ કહેવું એ તો કથનમાત્ર છે. પોતે જ્ઞાનસ્વરૂપથી છૂટી કદી રાગસ્વરૂપ થયો જ નથી, સદાય જ્ઞાનસ્વરૂપમાં જ રહ્યો છે એમ જાણી એવા જ્ઞાનસ્વરૂપમાં જ લીન-સ્થિર થવું, તેમાં જ જામી જવું તે નિશ્ચય પચખાણ છે. આવી વાત છે.
એમ પ્રતિક્રમણસ્વરૂપ પ્રત્યાખ્યાનસ્વરૂપ અને આલોચનાસ્વરૂપ આત્માનું નિરંતર અનુભવન તે જ નિશ્ચયચારિત્ર છે. જે આ નિશ્ચયચારિત્ર, તે જ જ્ઞાનચેતના (અર્થાત્ જ્ઞાનનું અનુભવન) છે. તે જ જ્ઞાનચેતનાથી (અર્થાત્ જ્ઞાનના અનુભવનથી ) સાક્ષાત્ જ્ઞાનચેતનાસ્વરૂપ કેવળજ્ઞાનગમ્ય આત્મા પ્રગટ થાય છે.'
લ્યો આ નિશ્ચય ચારિત્ર તે જ જ્ઞાનચેતના, અને તે જ જ્ઞાનચેતનાથી સાક્ષાત્ જ્ઞાનચેતનાસ્વરૂપ કેવળજ્ઞાન પ્રગટ થાય છે. અહો ! આ તો અલૌકિક વાત છે ભાઈ !
હવે આગળની ગાથાઓની સૂચનારૂપ કાવ્ય કહે છે, જેમાં જ્ઞાનચેતનાનું ફળ અને અજ્ઞાનચેતનાનું ( અર્થાત્ કર્મચેતના અને કર્મફળચેતનાનું) ફળ પ્રગટ કરે છે:
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com