________________
૨૬૮
પ્રજ્ઞાવબોધ-વિવેચન ભાગ-૧
સદ્ગુરુ-યોગથી દૃષ્ટિ સાથ્ય-ગ્રાહક સૌ કરો, ભુલ-ભુલામણી છોડી સન્માર્ગે યત્ન આદરો. ૩૨
અર્થ
• શ્રી સદ્ગુરુ ભગવંતનો યોગ પામી હવે સૌ પોતાની દૃષ્ટિને, સાધ્ય એવો માત્ર આત્મા છે તે પ્રાપ્ત કરવાની ભાવના જાગે એવી કરો અર્થાત્ હવે સૌ આત્મ-ગ્રાહક થાઓ.
અસદ્ગુરુથી થતી ભુલભુલામણીને છોડી દઈ હવે સાચા મોક્ષમાર્ગે ચાલવાનો પુરુષાર્થ આદરો. એ જ આ અમુલ્ય માનવદેહ મળ્યાનું સાર્થકપણું છે. ।।૩૨।।
અનેકાંત એટલે સ્યાદ્વાદપૂર્વક ગુરુગમે તત્ત્વને જાણવાથી મનની ભ્રાન્તિ નાશ પામે છે. “અનંત કાળથી પોતાને પોતા વિષેની જ ભ્રાંતિ રહી ગઈ છે; આ એક અવાચ્ય, અદ્ભુત વિચારણાનું સ્થળ છે.” (વ.પૃ.૨૫૦) અજ્ઞાનવશ જીવને અનેક પ્રકારની ભ્રાન્તિ થઈ ગયેલ છે. જેમકે દેહને આત્મા માનવો, ઘનમાં સુખ માનવું, સ્ત્રી, પુત્રાદિને પોતાના માનવા, એમ સંસારમાં સુખબુદ્ધિ અનાદિથી ચાલી આવે છે. તે મનની ભ્રાંતિને કેમ દૂર કરવી તેના ઉપાયો આ પાઠમાં દર્શાવવામાં આવે છે.
(૨૩) મન-ભ્રાંતિ (વસંતતિલકા વૃત્ત)
*
જેને નિરાંત મનમાં સમકિત પામ્ય, આત્મા કૃતાર્થ સમજાય, યથાર્થ જામ્યું; ભ્રાંતિ ગયે મન તણી સ્વરૂપે રમે જે, તે રાજચંદ્ર-ચરણે શિર આ નમે છે. ૧
અર્થ :— જેને સમ્યગ્દર્શન પ્રાપ્ત થવાથી અનંતકાળનું પરિભ્રમણ મટી ગયું અને મોક્ષ નિશ્ચિત થયો એવા જ્ઞાનીપુરુષોના મનમાં હવે સદા નિરાંત છે. તથા જેમ છે તેમ સ્વરૂપમાં સ્થિરતા જામવાથી અર્થાત્ થવાથી જેને આત્મા કૃતાર્થ જણાયો છે. કૃતાર્થ એટલે આ દેહે કરવા યોગ્ય જે સમકિત હતું તે કરી લીધું, એવો જણાય છે.
તથા જેને દેહમાં આત્મબુદ્ધિ કરવાની, અનાદિની મનની ભ્રાંતિ ટળી જઈ સ્વરૂપમાં રમણતા થઈ છે, એવા શ્રીમદ્ રાજચંદ્ર પ્રભુના ચરણકમળમાં આ મારું શિર ભક્તિભાવથી નમી પડે છે. ।।૧।।
સંસાર પાર કરવા શરણું ગ્રહું હું, વિક્ષેપ-દોષ દળવા કરુણા ચહું છું; આજ્ઞા સદા હૃદયમાં રમમાણ રાખું, ભક્તિ-પ્રવાહ-પૂરમાં ભવ ગાળી નાખું. ૨ અર્થ – આ ભયંકર સંસારરૂપી વનને પાર કરવા માટે પરમકૃપાળુદેવનું હું શરણ સ્વીકારું છું. અનાદિકાળથી હું દેહાદિસ્વરૂપ છું, દેહસ્ત્રી પુત્રાદિ મારા છે એવી આત્મસ્રાંતિને લઈને થતો મારા મનનો વિક્ષેપ, તેને દળવા એટલે ચૂરી નાખવા માટે આપ પ્રભુની મારા પર સદા દયા ઇચ્છું છું, આપની પરમ કૃપા ચાહું છું. વળી આત્મશાંતિને પામવા, આપ પ્રભુની સહજાત્મસ્વરૂપના સ્મરણમાં રહેવાની આજ્ઞાને સદાય હૃદયમાં ૨મમાણ એટલે રમતી રાખું અર્થાત્ આત્મજાગૃતિને કદી ભૂલું નહીં. તથા આપની ભક્તિરૂપી નદીના પ્રવાહનું પૂર આવેલ છે. તેમાં ભળી જઈ બાકી રહેલ આયુષ્યને તેમાંજ પુરું કરી નાખું. ॥૨॥