Book Title: Passportni Pankhe Part 3
Author(s): Ramanlal C Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 133
________________ ૧૧૯ પાસપોર્ટની પાંખે - ભાગ ૩ જોખમ પણ રહેતું. એનું નામ પડે અને ખલાસીઓ ધ્રુજતા. છેવટે ડેન્માર્ક બીડું ઝડપ્યું. મજબૂત મોટા વહાણમાં કાબેલ નાવિકો સાથે મેન્ડોન્સાનો પીછો પકડ્યો. ઘણી મહેનતે, દરિયાઈ ભાગાભાગીમાં મેન્ડોન્સા પકડાયો. લોખંડની સાંકળોમાં બાંધીને એને કોપનહેગન લાવવામાં આવ્યો અને ત્યાં રાજા ચાર્લ્સ ચોથાની હાજરીમાં એનો શિરચ્છેદ કરવામાં આવ્યો. મેન્ડોન્સાની વિદાય પછી ચાંચિયાગીરીનું જોખમ ઘણું હળવું થયું. પછી તો રાજા ચાર્લ્સ પોતે પણ એક વહાણમાં ખલાસીઓને અને અમલદારોને લઈને નોર્થ કેપ સુધી જઈ આવ્યો હતો. સમુદ્રમાર્ગે નોર્થ કેપ સુધી જવાનો વ્યવહાર તો બહુ જૂનો હતો. પરંતુ એની વાતો સાંભળીને જમીનમાર્ગે જવાના કોડ પણ કેટલાકને જાગ્યા હતા. વિધિની વક્રતા કેવી છે કે કેવળ પ્રવાસ ખાતર પ્રવાસ કરનારા સત્તરમા-અઢારમા સૈકાના આરંભના બે ધુરંધર પ્રવાસીઓ નોર્થ કેપ ગુપ્ત વેશે આવ્યા હતા. વસ્તુત: એમને ગુપ્ત વેશે આવવું પડ્યું હતું. એક હતા ઇટાલીના દેવળના પાદરી ફ્રાન્સિસ્કો નેગ્રી અને બીજા હતા ફ્રાન્સના યુવરાજ લૂઈ ફિલિપ. નેગ્રી રોમન કેથોલિક ધર્મના હતા. નૉર્વેમાં પ્રોટેસ્ટન્ટ ધર્મ પળાતો હતો. ત્યાં એવો કાયદો હતો કે જે કોઈ રોમન કેથોલિક હોય કે તે ધર્મ પાળતો હોય તો એને મૃત્યુદંડની સજા ફરમાવવામાં આવતી. નેગ્રીને નોર્થ કેપ જોવાની તીવ્ર ઝંખના હતી, પણ મૃત્યુદંડનો ભય હતો એટલે તેઓ વેશપલટો કરીને આ બાજુ આવ્યા હતા. અઢારમા સૈકામાં ફ્રાન્સમાં જ્યારે ક્રાન્તિ થઈ અને રાજા લૂઈને ફાંસીએ લટકાવવામાં આવ્યા ત્યારે યુવરાજ ફિલિપ ફ્રાન્સમાંથી ભાગી છૂટ્યા અને ગુપ્તવેશે એક સ્થળેથી બીજે સ્થળે ફરતા હતા. સમય પસાર કરવા અને નવું નવું જોવા તેઓ આ દૂરના અજાણ્યા સ્થળે આવ્યા હતા કે જ્યાં તેમને કોઈ ઓળખી ન જાય. ચાલીસ વર્ષના ફ્રાન્સસ્કો નેગ્રી બહુ ખડતલ હતા. એક લોખંડી પુરુષ જેવા હતા. રખડતા રખડતા તેઓ એકલા આવ્યા હતા. તેમને કોઈ સાથીદાર નહોતો. સાથીદાર જોઈતો નહોતો કે જેથી પોતાની ગુપ્તતા પ્રગટ થઈ જાય. કોઈ પૂછે કે ‘તમારી સાથે કોઈ ભાઈબંધ કેમ નથી ?' તો એનો જવાબ એમની પાસે તૈયાર હતો : “મારો જોડીદાર આ વિકટ પ્રવાસમાં માંદો પડે તો મારે શું કરવું ? હું એની ચાકરી કરવા રોકાઉં તો મારે આગળનો પ્રવાસ, એ સાજો થાય ત્યાં સુધી, અટકાવી દેવો પડે. જો હું ન રોકાઉ અને આગળ જાઉં તો હું નિષ્ફર અને બેવફા ગણાઉં. માટે જોડીદાર ન હોય એ જ મારે માટે સારી વાત છે. મને પોતાને જો કંઈ થાય તો તેની ચિંતા નથી, કારણ કે મારે આગળપાછળ કોઈ છે નહિ.” નેગ્રી પગે ચાલીને, ઘોડા ઉપર કે બોટમાં બેસીને આગળ વધતા. તેઓ પોતાની ડાયરી રાખતા. પોતે ચિત્રકાર હતા એટલે ડાયરીમાં ચિત્રો અને નકશા દોરતા. એમને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170