________________
૧૩૪
પાસપોર્ટની પાંખે - ભાગ ૩ ઇસ્તંબુલ દુનિયાનાં કેટલાંક સુંદર શહેરોમાંનું એક છે. એક કાળે એ યુરોપનું સર્વશ્રેષ્ઠ શહેર ગણાતું હતું. વેપારનું તે મોટામાં મોટું મથક હતું. યુરોપ અને એશિયા એમ બંને બાજુ જળમાર્ગે તથા જમીનમાર્ગે એનો ધમધોકાર વેપાર ચાલતો. પ્રાકૃતિક સૌન્દર્ય, અનુકૂળ આબોહવા, ફળદ્રુપ જમીન, બંદર તરીકે મોકાનું સ્થાન વગેરેને કારણે ત્રણ હજાર વર્ષ પહેલાં ત્યાં લોકોનો વસવાટ ચાલુ થયો હતો. ભૂમધ્ય સમુદ્ર અને કાળા સમુદ્રને જોડતો અને એશિયા તથા યુરોપની ધરતીને છૂટો પાડતો જલવિસ્તાર અહીં આવ્યો છે. ભૂમધ્ય સમુદ્ર સાથે જોડાયેલા માર્મરા સમુદ્ર અને કાળા સમુદ વચ્ચે જે બોસ્પોરસ નામની સામુદ્રધુની આવી છે તેનો એક નાનો ફાંટ જ્યાં પૂરો થાય છે તે “ગોલ્ડન હૉર્ન'ના બેય કિનારાની સામસામી ટેકરી પર વસેલું બંદર તે ઇસ્તંબુલ છે. ઇસ્તંબુલ એટલે એશિયા અને યુરોપનું સંગમસ્થાન.
ઇસ્તંબુલમાં સ્તંબુલ, ગલાતા વગેરે વિસ્તારોમાં ફરીને અમે હોટેલ પર પાછા ફર્યા. બીજે દિવસે સવારે અમે નગરદર્શનના કાર્યક્રમમાં જોડાયા. બસમાં અમારી ગાઇડ યુવતીએ ઇસ્તંબુલનો ઇતિહાસ કહ્યો. જેમ સૌન્દર્યના શિકારી ઘણા તેમ ઇસ્તંબુલ પોતાની રમણીયતાને કારણે જ વખતોવખત વિદેશી આક્રમણોનો ભોગ બન્યું હતું. અહીં યુદ્ધો ખેલાયાં છે અને લોહીની નદીઓ વહી છે. એમ છતાં આ નગરે પોતાનું વ્યક્તિત્વ જાળવી રાખ્યું છે. શાન્તિના સમયમાં ઇસ્તંબુલ શિક્ષણ, કલા, સંસ્કૃતિનું ધામ રહ્યું છે. અહીં રોમન કાયદો, ગ્રીક તત્ત્વજ્ઞાન, મિસર(ઇજિપ્ત)નાં શિલ્પ સ્થાપત્ય, ખ્રિસ્તી અને ઇસ્લામી ધર્મધારા એ બધાંનો સમન્વય થયો છે. ત્રણ હજાર વર્ષ પહેલાં, જ્યારે ખ્રિસ્તી ધર્મનો કે ઇસ્લામ ધર્મનો ઉદય થયો ન હતો ત્યારે ગ્રીસની પાસે આવેલા આ પ્રદેશમાં જુદી જુદી સ્થાનિક જાતિના લોકો વસતા હતા. એમાંની એક જાતિ બાયઝેન્ટી નામથી ઓળખાતી હતી. એના સરદારનું નામ બાયાઝ હતું. તે ગ્રીસ બાજુથી દરિયાઈ માર્ગે વેપારાર્થે આવ્યો હતો. આ બંદર ગમી જતાં એણે અહીં પોતાનું થાણું નાખ્યું હતું. ત્યારથી આ બંદર બાયઝેન્ટિયમ તરીકે ઓળખાવા લાગ્યું હતું. એટલે ઇસ્તંબુલનું સૌથી પહેલું નામ બાયઝેન્ટિયમ હતું. ગ્રીક લોકોએ એના પર આધિપત્ય જમાવ્યું હતું અને સૈકાઓ સુધી તે બાયઝેન્ટિયમ તરીકે પંકાયેલું રહ્યું.
બે હજાર વર્ષ પહેલાં ખ્રિસ્તી ધર્મનો ઉદય થયો અને ધીમે ધીમે પ્રસરતો તે ગ્રીસ અને ઇટલી સુધી પહોંચ્યો. ઇટલીમાં રોમના રોમન લોકો બળવાન, પરાક્રમી, યુદ્ધકલામાં નિપુણ અને મહત્ત્વાકાંક્ષી હતા. હવે ગ્રીક સંસ્કૃતિ ઝાંખી પડવા લાગી અને રોમન સંસ્કૃતિનો પ્રભાવ વધતો ગયો. રોમન સૈનિકો આસપાસનો પ્રદેશ જીતતા જઈ રોમન સામ્રાજ્યનો વિસ્તાર કરતા જતા હતા. ઈ.સ. ૩૨૪માં રોમન સમ્રાટ કોન્ટેન્ટિન-પહેલાએ બાયઝેન્ટિયમ પર આક્રમણ કરી તે જીતી લીધું. પ્રાચીન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org