Book Title: Passportni Pankhe Part 3
Author(s): Ramanlal C Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 164
________________ ખજુરાહો ૧૪૭ ઊંચે ચડતો જતો હતો. ચિત્રકૂટથી નીકળ્યાંને અમને વાર થઈ હતી. એટલે સાથે લીધેલાં ચાપાણીનો વખત થયો હતો. એક સારી જગ્યા જણાતાં એક બાજુ ગાડી ઊભી રાખવા રામશરણને મેં કહ્યું. એણે એક ઝટકા સાથે ગાડી ઊભી રાખી. અચાનક આંચકો આવતાં બધાં બરાડી ઊઠ્યાં. હું કારણ સમજી ગયો હતો. રામશરણે મને કહ્યું, ‘તમે અચાનક ઊભી રાખવાનું કહ્યું એટલે ગિયર બદલીને ગાડી ઊભી રાખી. બ્રેક જરા ઢીલી છે, પમ્પિંગ કરવું (બે-ત્રણ વખત બ્રેક દબાવવી) પડે છે.’ ‘હેં ?’ બધાં ચોંકી ઊઠ્યાં, ‘આવી ગાડી તારાથી ચલાવાય જ કેમ ? તું તો અમારા જાન જોખમમાં મૂકી દેશે.’ માસીબાએ કહ્યું, ‘પહેલેથી ખબર હોત તો તારી ગાડીમાં બેસત નહિ. પૈસા પૂરા લેવા અને ગાડીમાં કંઈ ઠેકાણું નહિ.' રામશરણે કહ્યું, ‘માતાજી ! ગભરાવ નહિ. અમને મિકેનિક લોકોને ગમે તેવી ખરાબ ગાડી ચલાવતાં ફાવે.’ મારા અભિપ્રાય પ્રમાણે તો રામશરણ હિંમતથી, પૂરા વિશ્વાસથી, સાવચેતીપૂર્વક ગાડી ચલાવતો હતો, પણ અમારાં મિત્રોના શ્વાસ અધ્ધર થઈ જતા હતા. અમે ચા-પાણી લીધાં અને રામશરણને પણ આપ્યાં. અમારામાં ગુસપુસ વાત ચાલી. એકે કહ્યું, ‘આપણે ભાડું પૂરેપૂરું ન આપવું. મૅનેજરે આપણને વાત કહેવી જોઈએ.’ બીજાએ કહ્યું, ‘ભાડું ભલે પૂરું આપીએ, પણ બક્ષિસને લાયક તો એ નથી જ.’ મોટાભાઈએ કહ્યું, ‘ખજુરાહોથી મળતી હોય તો બીજી જીપ કરી લઈએ. ભલે આનો પૂરો ચાર્જ આપવો પડે.’ ‘ખજુરાહોથી બીજી જીપ ન મળી તો ? આપણે અત્યારે આની સાથે ઝઘડો કરવો નહિ.' ભાભી બોલ્યાં. અમે જીપમાં બેઠાં અને ખજુરાહોના રસ્તે આગળ ચાલ્યાં. કોઈકે કહ્યું, ‘ભાઈ રામશરણ, અત્યારે તો અમે તારે શરણે છીએ.’ માસીબાએ કહ્યું, ‘સાચવીને ચલાવજે બેટા, અમારે ઉપર જવાની ઉતાવળ નથી.’ અમે ખજુરાહો પહોંચ્યાં. ઊંચાઈએ આવેલા આ વિશાળ મેદાની વિસ્તારની હવા જ જુદી હતી. આઠસો-હજાર વર્ષ પહેલાંનું સંસ્કારસમૃદ્ધ ઐતિહાસિક વાતાવરણ અહીં ધબકતું હતું. જીપ ક્યાં ઊભી હશે, અમારે ક્યાં મળવું વગેરે વીગતો રામશરણ સાથે નક્કી કરી, અમે એક ભોમિયો લઈને મંદિરો જોવા ચાલ્યાં. ખજુરાહોમાં પ્રવેશદ્વાર આગળના મુખ્ય માર્ગની ડાબી બાજુના, પશ્ચિમ દિશાના વિશાળ સંકુલમાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 162 163 164 165 166 167 168 169 170