Book Title: Passportni Pankhe Part 3
Author(s): Ramanlal C Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 150
________________ ૨૧ ઇસ્તંબુલ-કોન્સેન્ટિનોપલ ઇસ્તંબુલ – કોન્સેન્ટિનોપલ' – આ બે શબ્દો સાંભળતાં જ મારું ચિત્ત ભૂતકાળની સ્મૃતિમાં સરી પડે છે અને એક અનોખો તાલબદ્ધ લય અનુભવે છે. ઈ.સ. ૧૯૫૦થી વીસેક વર્ષ મુંબઈની સેંટ ઝેવિયર્સ કૉલેજમાં ગુજરાતી વિષયના અધ્યાપક તરીકે હું કામ કરતો હતો ત્યારે દર વર્ષે ત્રીજી ડિસેમ્બરે કોલેજના વાર્ષિક દિન નિમિત્તે મોટા ઉત્સવનું જે આયોજન થતું તેમાં ગીતો, રાસ-ગરબા, નાટક ઇત્યાદિ પ્રકારના સાંસ્કૃતિક કાર્યક્રમમાં નવા-જૂના વિદ્યાર્થીઓ ઉત્સાહભેર ભાગ લેતા. એમાં હિંદી, ગુજરાતી, મરાઠી ગીતો ઉપરાંત ઇંગ્લિશ ગીતો પણ સરસ ગવાતાં. એક વખત કોલેજમાં નવી આવેલી ઉષા નામની એક પંજાબી વિદ્યાર્થિનીએ ઇસ્તંબુલ – કોન્સેન્ટિનોપલ'ના ધ્રુવપદવાળું ગીત, મોટાં ડ્રમ તથા અન્ય વાજિંત્રો સાથે બુલંદ સ્વરે ગાઈને એવી સરસ જમાવટ કરી દીધી કે બધા વિદ્યાર્થીઓ પણ હાથપગના સ્વયમેવ તાલ સાથે ધ્રુવપદના આ બે શબ્દો (તેમાં પણ “બુલ'ને બદલે બુલ્લ') ઉચ્ચ સ્વરે ગાવા લાગ્યા હતા. પછી તો ઉષા જ્યાં સુધી કોલેજમાં હતી ત્યાં સુધી દર વર્ષે આ લોકપ્રિય ગીત ગાવાનું એને માટે ફરજિયાત જેવું બની ગયું હતું. ત્યારે ઘણાંએ પહેલી વાર એ જાણ્યું કે આજનું જે ઇસ્તંબુલ છે તે જ પ્રાચીન સમયનું રોમન સામ્રાજ્યના પૂર્વ બાજુના વિભાગનું ઐતિહાસિક પાટનગર કોસ્ટેન્ટિનોપલ છે. મને સ્વપ્ન પણ ત્યારે ખ્યાલ નહોતો કે આ ઇસ્તંબુલની શેરીઓમાં ફરવાનો અવસર એક દિવસ મને પણ સાંપડશે. કેટલાક વખત પહેલાં અમે કેટલાક મિત્રો ટર્કી–તુર્કસ્તાનના પ્રવાસે ગયા હતા. અમારા ગ્રુપમાં બીજા ભારતીય પ્રવાસીઓ પણ હતા. મુંબઈથી વહેલી સવારે વિમાનમાં નીકળીને સાંજ પહેલાં અમે ઇસ્તંબુલ પહોંચી ગયા. ભરચક વિસ્તારમાં આવેલી એક જાણીતી હોટેલમાં અમારો ઉતારો હતો. રૂમમાં સામાન ગોઠવીને અમે બજારમાં લટાર મારવા નીકળ્યા. આશરે પચાસ લાખની વસ્તીવાળા, તુર્કસ્તાનના આ મોટામાં મોટા શહેર(હવે તે પાટનગર રહ્યું નથી)માં ઊંચા ગોરા તુર્કી લોકો યુરોપિયન જેવા જ લાગે. વસ્તુત: ટર્કીનો કેટલોક ભાગ યુરોપમાં અને મોટો ભાગ એશિયામાં છે. અહીં મુખ્ય વસ્તી મુસલમાનોની હોવા છતાં રસ્તા, દુકાનો વગેરેનાં બૉર્ડ રોમન લિપિમાં છે. વીસમી સદીમાં તુર્કસ્તાનના સરમુખત્યાર કમાલ પાશાએ અહીં તુર્કી ભાષા માટે એરેબિક લિપિને સ્થાને રોમન લિપિ ફરજિયાત બનાવી હતી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170