Book Title: Passportni Pankhe Part 3
Author(s): Ramanlal C Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 136
________________ નૉર્થ કેપ ૧૧૯ ચલચિત્ર જોઈને અમે બહારના ભાગમાં આવ્યા. ત્યાં એક બાજુ ધરતીનાં છોરું' (Children of the Earth) નામનું સ્મારક રચવામાં આવ્યું છે. ૧૯૮૯માં એક લેખકને બાળકો માટે કશુંક કરવાનો વિચાર આવ્યો. આખી દુનિયામાં જુદા જુદા દેશોમાંથી સાત તેજસ્વી બાળકોને પસંદ કરવામાં આવ્યાં. તેઓને અહીં બોલાવ્યાં. અહીંની માટીમાંથી તેઓએ પોતાને આવડે એવી આકૃતિ બનાવી. એના ફોટા લઈ, વિસ્તૃત કરી તે પ્રમાણે કાંસામાં ઢાળીને આકૃતિઓ બનાવવામાં આવી અને તે વર્તુળાકાર ફ્રેમમાં અહીં ઊભી કરવામાં આવી છે. સાથે મા અને બાળકની એક આકૃતિ પણ રાખવામાં આવી છે. આ સ્મારક પ્રખ્યાત થઈ ગયું છે. આ સંસ્થા તરફથી બાળકોના કલ્યાણ માટે કાર્ય કરનારાઓને પારિતોષિક અપાય છે. હવે અમારે બસમાં બેસવાનો સમય થવા આવ્યો હતો. અમે બસ તરફ ચાલતા હતા ત્યાં એકાએક દોડાદોડી થઈ, આનંદની ચિચિયારીઓ થઈ. અમે પાછળ જોયું તો વાદળી પાછળ સૂર્ય પ્રકાશવા લાગ્યો હતો. અમે પણ હૉલમાં થઈને ચોગાનમાં પહોંચ્યા. સરસ સૂર્યદર્શન થયું. ત્યારે ઘડિયાળમાં રાતના અઢી વાગ્યા હતા. સૂર્યકિરણોનું અમે આકંઠ પાન કર્યું. અમારે ખસવું નહોતું પણ સૂર્યનારાયણે પડદા પાછળ ઢંકાઈ અમને વિદાય આપી દીધી. અમને થયું કે સૂર્ય તો એનો એ જ, આપણે ત્યાં આખું વર્ષ ધોમધખતો હોય માટે એની કિંમત ઓછી અને અહીં થોડીક ક્ષણો માટે પ્રકાશ રેલાવે એ માટે લોકો ગાંડાની જેમ નાચે ! પ્રકૃતિમાં કેટલું બધું સામ્યવૈષમ્ય છે ! બસમાં બેસી અમે સ્ટીમર પર આવી પહોંચ્યા. બીજી કેટલીક બસો પણ આવી પહોંચી. વિશાળ સ્ટીમરમાં યથેચ્છ બેસવાનું હતું. અમે ઉપરના માળે સ્ટીમરની દિશામાં સામે સમુદ્રદર્શન થાય એ રીતે બેઠા. સ્ટીમર ઊપડ્યા પછી થોડી વારે બધાને કૉફી આપવામાં આવી. એક કર્મચારી યુવતી ખાલી કપરકાબી લઈ જવાનું કામ કરતી હતી. અમારી બેઠક પાસેની જગ્યામાંથી તે પસાર થતી હતી. એક ફેરો કરીને એ ઝડપથી પાછી આવી. એણે ટ્રેમાં એક ઉપર એક એમ દસબાર કપ ગોઠવ્યા. મારાથી સહજ રીતે બોલાઈ ગયું, “બહેન, થોડા ઓછા કપ લઈ એક ફેરો વધુ કરો તો ! કોઈ વખત કપ પડી જાય.” એણે સસ્મિત કહ્યું, “સર, એમ નહિ થાય. આ મારો રોજનો મહાવરો છે.' એના આત્મવિશ્વાસથી આનંદ થયો. પણ પછીના ફેરે એના બધા કપ ધડ દઈને નીચે પડ્યા. કેટલાક ફૂટ્યા. કેટલાક પ્રવાસીઓ ઉપર બચેલી કૉફીના છાંટા ઊડ્યા. અમને પણ એનો લાભ મળ્યો. યુવતી શરમિંદી બની ગઈ. એણે કહ્યું, “સર, તમારી સલાહ સાચી હતી.' બીજા કર્મચારીએ ફટાફટ સાફસૂફી કરી નાખી અને જાણે કશું જ બન્યું નથી એવું વાતાવરણ થઈ ગયું. હામરફેસ્ટ આવતાં અમે અમારી હોટેલમાં પહોંચી ગયા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170