________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પાંપણે બાંધ્યું પાહિયારું એમને માન આપતા હતા. માતા તો એમને “ગુરુજી' કહીને જ બોલાવતી. ગુરુજીએ મને પહેલો જ પાઠ કેવો સરસ આપેલો – “માતૃવો ભવ!"
મને મિત્રો પણ કેવા સારા મળ્યા હતા! મહામંત્રીનો પુત્ર, નગરશેઠનો પુત્ર, સેનાપતિનો પુત્ર અને રાજપુરોહિતનો પુત્ર. અમે પાંચ મિત્રો હતા. માતા મારા મિત્રોને પણ સ્નેહથી બોલાવતી. અમને પાંચેયને ઘણી વાર પોતાની પાસે બેસાડીને સારી સારી વાર્તાઓ કહેતી. આજે પણ મને એ વાર્તાઓ ઘણી યાદ છે. સદાચાર, શૂરવીરતા અને ત્યાગ-બલિદાનની એ વાર્તાઓ અમારા મિત્રોમાં કેવાં કેવાં સંવેદનો પેદા કરતી હતી! અમારા આદર્શો એના આધારે ઘડાતા હતા. અમારી કલ્પનાઓ એના સહારે રચાતી હતી.
માતા તો માતા જ છે! ત્યારે શું કે આજે શું, ક્યારેય મેં માતાને મારા પિતાજીનો અવિનય કે અનાદર કરતી જોઈ નથી. પિતાજી પણ પૂરા વિવેકી! મારા દેખતાં મેં ક્યારેય એમને માતાની સાથે અસભ્ય વર્તાવ કરતાં જોયા નથી.
આ બધી વાતો હું વ્યર્થ નથી કરતો. મારા સમગ્ર જીવન ઉપર આ વાતોની ઘેરી અસરો પડેલી છે. મારા જીવનના તડકા-છાંયડામાં આ બધી વાતોએ મને ઘણી સહાય કરી છે. આજે હું મારી જીવનકથા કહેવા બેઠો છું, તો મને એ બધી વાતો કહી દેવા દો.
પિતાજી પ્રત્યે હું પણ વધુ ને વધુ મર્યાદા રાખતો થઈ ગયો. હા, મને એમનો ભય નહોતો લાગતો, પરંતુ હું એમની સામે સવાલ-જવાબ કરી શકતો નહીં. આજે પણ નથી કરતો. એમના પ્રત્યે સ્નેહ અને આદર હમેશાં રહેતાં.... બસ, એક જ ઘટના એવી બની ગઈ કે એમના પ્રત્યેનો મારો સ્નેહ અને આદર નષ્ટ થઈ ગયો હતો, તે છતાંય મર્યાદાભંગ તો નહોતો જ કર્યો. એ દર્દભરી ઘટનાને હું ભૂલી શકું એમ નથી. પણ એક રાજા તરીકે એ પગલું એમને ભરવું જ પડે એવું હતું. ન્યાય અને કરુણા બંને સાથે રહી શકતાં નથી. એ પિતા હતા તેવી રીતે રાજા પણ હતા ને!
એક રાજકુમારને જેટલું સારામાં સારું શિક્ષણ મળવું જોઈએ, તેટલું મને શિક્ષણ મળ્યું હતું. મને યુદ્ધકળામાં પણ કુશળ બનાવવામાં આવ્યો હતો. સારા સારા યોદ્ધાઓ સાથે મેં યુદ્ધ કરીને મારી યુદ્ધકુશળતા પુરવાર કરી હતી. રાજનીતિનું અધ્યયન કરીને મેં “યુવરાજ' તરીકેની મારી યોગ્યતા સિદ્ધ કરી હતી. રાજધાનીમાં જ નહીં, સમગ્ર રાજ્યમાં મારી પ્રશંસા સાંભળી મને આનંદ થતો હતો.
For Private And Personal Use Only