________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પાંપણે બાંધ્યું પાણિયારું
જ્યારે હું જિનાલયની બહાર આવ્યો, મેં એક ઋષિકુમારને મંદિરનાં સોપાન ચઢતો જોયો. હું એ ઋષિકુમારને જોઈ જ રહ્યો ! એ એક ખૂબસૂરત ઋષિકુમાર હતો. એના મુખ ઉપર પ્રસન્નતા હતી. એ પ્રસન્નતા એના સૌંદર્યમાં વધારો કરતી હતી.
એના કોમળ હાથોમાં પુષ્પો હતાં અને એની આંખોમાં સ્નેહભીનું આકર્ષણ હતું. એણે મારી સામે જોયું... અમારી આંખો મળી... ઋષિકુમાર ઝડપથી સોપાનપંક્તિ ચઢીને મારી પાસે આવ્યો અને મને આદરપૂર્વક પુષ્પગુચ્છ આપ્યા. મેં નમન કરીને એ પુષ્પગુચ્છોનો સ્વીકાર કર્યો. હું એના મુખ તરફ જ જોઈ રહ્યો હતો.... તો ત્યાં જ ઊભો રહી ગયો.
મારા મનમાં પ્રશ્ન ઉદ્ભવ્યો : “આ આશ્રમમાં આવો ઋષિકુમાર ક્યાંથી આવ્યો હશે? કેટલું મોહક એનું વ્યક્તિત્વ છે! કેટલી વિનમ્રતા .... અને કેટલો વિવેક છે! આ કોણ હશે? આવી ભરયુવાનીમાં એણે શા માટે સંન્યાસ સ્વીકાર્યો
હશે ?”
મારા હાથમાં પુષ્પો હતાં. હું પુનઃ મંદિરમાં ગયો અને પરમાત્માના ચરણે પુષ્પ સમર્પિત કર્યા. ઋષિકુમારે પણ પૂજનવિધિ પૂર્ણ કરી અને અમે બંને સાથે જ બહાર આવ્યા. મેં ઋષિકુમારને બે હાથ જોડી, મસ્તક નમાવીને કહ્યું, “હે ઋષિકુમાર! શું તમે મારી સાથે મારી છાવણીમાં પધારશો?' ‘તમારો શુભ પરિચય?' ઋષિકુમારે મને પૂછ્યું.
'તમે મારી સાથે મારી છાવણીમાં ચાલો, ત્યાં મારી કુટિરમાં બેસીને હું તમને મારો પરિચય આપીશ અને તમારો પરિચય મેળવીશ.”
હું ઋષિકુમારને લઈને મારી છાવણીમાં આવ્યો. છાવણીમાં મારી કુટિર તૈયાર થઈ હતી. અમે બંને કુટિરમાં પ્રવેશ્યા. ઋષિકુમારને એક સ્વચ્છ અને સુંદર આસન પર બેસાડીને, ખૂબ આદરપૂર્વક એમને ભોજન કરાવ્યું. ખૂબ આગ્રહ કર્યો ત્યારે તો એમણે ભોજન કર્યું. એમના ઋષિજીવનને અનુરૂપ વસ્ત્રોની ભેટ આપી. તેમણે શ્વેત વસ્ત્રો પરિધાન કરેલાં હતાં. સાદાં તથા સ્વચ્છ શ્વેત વસ્ત્રોમાં ઋષિકુમાર શોભતા હતા.
મેં તેઓને મારો સંક્ષિપ્ત પરિચય આપ્યો. ત્યાર પછી મેં તેઓને પૂછ્યું: “હે ઋષિકુમાર, તમે આ આશ્રમમાં ક્યારે પધાર્યા?” મુનિને, સાધુને, ઋષિને એમની પૂર્વાવસ્થા અંગે ન પુછાય એ હું જાણતો હતો. ઋષિકુમારે કહ્યું : “હે રાજકુમાર, આ આશ્રમમાં હરિપેણ નામના રાજર્ષિ વસતા હતા. તેમને ઋષિદત્તા,
For Private And Personal Use Only